“ઊજળાં આયખાં, ઊજળાં મન…” – ખુબ લાગણીસભર વાર્તા..

163

અડધી રાત તો કયારનીય વીતી ચૂકી હતી. ચંદ્રમા આથમણે આવી ગયો હતો. હેમાળેથી વછુટેલો બરફ જેવો માગસરનો ટાઢોબોળ પવન હાડને ગાળી નાખે તેવી તીવ્રતાથી સમ સમ કરતો વહેતો હતો. મનેખ, બધું ગોદડામાં ભરાઇને નિદ્રાદેવીને શરણે થઇ ગયું હતું. ભેકાર લાગતા શાંત વાતાવરણમાં ગલી-કુંચીમાં ભરાઇને બેઠેલ કોઇ કૂતરું વાઉકારો કરી એ એકલતાની રાંગમા અવાજ બાકોરું પાડી દેતું હતું…

બધુ સુમસામ હતું. છતાં દિલુભા જાગતી આંખ્યે ઓરરી માંથી દેખાતા માગસરની રાતના શ્યામલ આકાશને તાકી રહ્યો હતું…
તેમના માનસમાં ઘેરાયેલા અંજપાએ તેમને ઊંઘવા દીધા નહોતા. પરંતુ આ અજંપો કંઇ આજકાલનો નહોતો. છેલ્લા આઠ આઠ દી’થી તેઓ આમ જ જાગતી આંખ્યે પડ્યા રહેતા…

પડ્ખું ફરીને એમણે ઓરડા પધોર નજર કરી પત્ની સૂતી હતી પળભર તેઓ પત્નીને જોઇ રહ્યા અને પછી ઓશીકા નીચે રાખેલી બીડીની ગડી અને બાકસ હાથમાં લીધાં બીડી સળગાવી ધુમાડા ફેલાઇ રહ્યા…
જેવા દિલુભા ગમાણના એકઢાળીયામા પ્રવેશ્યા કે બેય ધોળિયા એક સાથે ઊભા થઇ ગયા જાણે માલિકનું સ્વાગત કરતા હોય એમ ! દિલુભાએ બીડીને ઠારીને ઘા કર્યો.

‘હં…હં બાપ! ભારે જીવરા… મારા વ્હાલા…’ કહેતા દિલુભાએ બેય બળદને માથે હાથ ફેરવ્યો. વળતા વાત્સ્લ્યનાં પ્રતિસાદરૂપે, બન્નેએ શિંગડાં હલાવ્યાં, પૂંછડાં ફંગોળ્યાં અને દિલુભાનો હાથ ચાટવા લાગ્યા…
દિલુભા બન્નેનાં આંખ-માથા પર હાથ ફેરવતા ફેરવતા ભંડકીયામાં ગયા. છેલ્લા વધેલા કડબનાં પંદર-વીસ પૂળામાંથી બે-ત્રણ પૂળા બહાર લઇ આવીને બન્ને બળદને નીર્યા. વહાલપનાં બે-ચાર વેણ બોલી તેઓ ભારે હૈયે ઓસરીમાં આવીને બેઠા. વળી પાછું બગાસું ખાઇને બીડી જગવી. ધુમાડાના ગોટા આસપાસ ફરી વળ્યા…
ત્યાં જ ઓરડા માંથી રંજુબા બોલ્યાં : ઊંઘ નથી આવતી કે શું ?’ દિલુભા કરૂણતા ભર્યુ હસીને બોલ્યા : ‘તમેય હજી મારી જેમ જાગતી આંખ્યે લાગો છો…’

‘ના દરબાર…પણ કયારનીય જાગી ગઇ છું.’
‘એમ થયું, એમને ?’
‘હા કાલે પણ જાગતી હતી. પરમ દિ’ રાતે પણ ઓચિંતાની અડધી રાતે જાગી ગઇ તો જોયું હતું કે તમે સૂતા નહોતા…’
‘ સાચી વાત છે..’
‘કેમ ઊંઘ નથી આવતી…કાંઇ મૂંઝવણ થાય છે?’
‘નારે ના…’
‘તો પછી આ શરીર છે. હાલ્યા કરે. હવે કાંઇ થોડું પહેલાં જેવું જોમ રહ્યું હોય દરબાર ?’
‘ના રે ના…શરીરની મોળપને ગણકારું એવો નથી પણ-‘
‘તો પછી વાત શું છે?’

‘તમને તો ખબર છે કે બબ્બે વરહના મોળા ચોમાહાએ આપણી જેવાં ખેડૂતોની કેડ્ય ભાંગી નાખી છે. પહેલું વરસ તો આપણે ઉછીના પાછીના લાવીને જેમ તેમ કરીને રોડવ્યું, પણ હવે ટક્કર ઝિલાય એમ નથી. હું જયારે જયારે ગમાણ તરફ નજર કરું છું ને…તો આપણા બેય બળદને જોઇને જીવ બળી જાય છે…. ત્યારે થાય છે, કે હે કુદરત ! આ બિચારા અબોલ મૂંગા માલ-ઢોરનો શું વાંક છે કે તું વગર વાંકે એમને હેરાન કરે છે… ! અરે, તારે કરવું હોય તો દુનિયામાં એવું ધણુંય સાચું ખોટું થાય છે ત્યાં કાંઇક કર્યને ! આવડા આમને હેરાન કરીને તને મળી શું જાય છે…

બસ, ઠકરાણા છેલ્લા એક અઠવાડિયાથી ભીતરને ભરખી રહેલા અજંપાએ મને ચારેકોરથી વલોવી નાખ્યો છે કે હવે શું કરશું ? દનૈયા કેમ કાપશું ?’
‘અત્યારે પાપી પોરો છે. દરબાર ! પણ આવી ઉપાધિ કરવી રહેવા દો. નાહકની તબિયત ઉપર અસર થશે…હવે બધાનું થશે ઇ આપણું થાશે એમ થોડું હરેરી જવાશે ?’

‘બધાની વાત અલગ છે, આપણી વાત અલગ છે. ઠકરાણાં બધાં તો ઢોરને કસાઇવાડે મૂકવા જાશે.આપણાંથી એવું થઇ શકશે બોલો…જેઓ લાગણીની વાતને નથી સમજી શકતા એમને શું દુકાળ કે શું સકાળ…સંધુયં સરખું ! એમને ક્યાં નાવા-નિચોવાનું છે ! વાધો છે આપણી જેવા માણસોને…! કે અત્યાર લગી સગા દીકરા-દીકરી જેમ માલઢોરને રાખ્યાં છે એમને સગા હાથે જ ભૂખ્યાં રાખવાં !’

‘તો પછી શું કરશું ? ચિંતા તો મારુંય કાળજી કોરી ખાય છે કે હવે કેમ કરશું. ઇ સારું તો છેલ્લા અઠવાડિયાથી હું ભંડકિયા બાજુ જાતી જ નથી..’
‘બે દિવસની કડબ પડી છે અને હવે આપણી શકિતય નથી કે ગુજરાત કડબની માંથી ગાડી લાવી શકીએ. હવે તો ઉપરવાળા જેવા ધણી…’

‘પણ ઉકેલ તો લાવવો પડશે ને?’
‘હા. મે નિર્ણય કરી લીધો છે. બેયને પાંજરાપોળમાં મૂકી આવીએ. એટલે નહી દેખવું, નહી દાઝવું. એના ભાગ્ય એની આગળ…’ કાલ વહેલી સવારે રામજી ભગત એના બેય બળદને અને એક વાછડીને મૂકવા જાય છે તો હુંય હારે મૂકતો આવીશ. જીવતાં હોઇશું તો આવતે ચોમાહે તેડી લાવશું. નહી તો પછી જેવા નસીબ… બીજું શું ?’

‘રંજુબા કઇ ન બોલ્યાં. કદાચ બોલી ન શક્યાં. દિલુભાએ અનુભવ્યું કે પાંજરાપોળની વાત પત્નીના કાળજા ઉપર દર્દની કરવત ફરી વળી છે. એમ પોતેય કંઇ કમ નહોતાં એક વખત રાજગઢ સ્ટેટ કહેવાતું હતું અને એ સ્ટેટનાં પોતે રણીધણી હતા. સ્વતંત્રતા ભલે આવી હતી છતાં પ્રતાપસિંહની રાજવી તરીકેની જે અમીટ છાપ પ્રજામાં હતી એ છાપ પોતાના પૌત્ર દિલુભા સુધી અકબંધ રહી હતી. એક રજવાડું હતું અને એ આબરૂ અને શાખ હજી પણ રાજગઢમાં અકબંધ ટકી રહી હતી…

પણ હવે બેઠી આવક નહોતી. મહેનત કરવી પડતી દિલુભાને સાડા ચારસો-પાંચસો વીધાની જમીન હતી, પણ થોડે થોડે કરતા ભાગિયાઓ ઊપજ ને ઊધઇ જેમ ફોલી ફોલીને ખાય જાય એમ ખાઇ ગયા…અને ઉપરાંત, છેલ્લા દોઢેક દાયકાથી તો ચોમાસાં પણ મોળાં આવવા લાગ્યાં.અને હવે એ જમીન સૂકાં ખેતર બની ગઇ હતી અને એ ખેતર, ધીરે ધીરે ‘ખરાબો’ બની ગયાં હતાં. એક વખત જયાં અહર્નિશ ચાર-ચાર કોશ હાલતા હતા ત્યાં માંડ દસ-બાર વીઘાનું પિયત કટકું રહેવા પામ્યું હતું.

અમાંય છેલ્લા બે વરહનાં દુષ્કાળનાં લીધે કૂવામાંય પાણી ખલાસ થઇ ગયાં હતાં. માથે પચાસ હજારનું દેવું કરીને અત્યાર લગી દિલુભાએ ચાર ભેંસ, ત્રણ ગાય અને બેય બળદને સાચવ્યા હતા. પણ ધીરે ધીરે કરતાં બેય બળદ સિવાયના માલઢોરને ક-મને વેચી નાખવા પડ્યાં હતાં…! અને હવે દેણું કરી શકાય એવી ત્રેવડ પણ કયાં હતી !

અડતાલીસ વર્ષની ઉંમરે નિ:સંતાનપણાની પીડા, હૈયામાં ખટકતી ફાંસ જેમ ખટકવા લાગી હતી. અત્યાર લગી એ ખાલીપાને હોઠે લાવવા દીધો નહોતો. પણ આજે તો એ પીડા હળવાં ડૂસકાં બનીને ગળાં સોપટ થઇને છેક બહાર ઊતરી આવી…

દિલુભાએ આંખોમાં આવેલ આંસુને લૂછી નાખ્યાં અને ગળે વળગેલા ડૂમાને પાછા ધકેલી દીધા. રખેને પત્નીને ખબર પડી જાય તો એના જીવને કેટલું દુ:ખ થાય… એ જાણતી આંખ્યે જ બેઠા રહ્યા…
વહેલી સવારે રામજી ભગતે ડેલો ખખડાવ્યો.
દિલુભાએ ઊભા થઇને ડેલો ઉઘાડયો
રંજુબાએ બેય બળદને કંકુનો ચાંદલો કરીને ચોખા ચોડ્યા. રૂડાં દુ:ખણાં લીધા.

દિલુભાએ ભારે હૈયે બન્નેને ખીલેથી છોડ્યા ને પછી બહાર નીકાળ્યા. બન્ને બળદેય કદાચ સંકેત સમજી ગયા હશે કે પોતાને બન્નેને હવે ક્યાં જવાનું છે ! સમય પાછો વળશે તો ફરી વખત આ ઘર, આ આંગણું અને આ માલિક-માલકિનને જોઇ શકશે નહિતર તો… પછી પોતાને વેચાઉ માલ બનીને કયાંક બીજે ‘બસેરા’ કરવા ઊપડી જવું પડશે… બન્ને નજર ભરને બધું જોઇ રહ્યા. એ ઘર, ફળિયું, ગમાણ, એકઢાળીયું… છેલ્લે રંજુબા સામે મીટ માંડતાં માંડતાં બેય પરાણે પરાણે માંડ માંડ ઘરની બહાર નીકળ્યા…રંજુબા, બન્નેને જતા જોઇ રહ્યાં અને પછી એમની આંખો માંથી અનર્ગળ આંસુની ધારા ઊમટી આવી…

બરાબર દિ’ ઊગતા સુધીમાં તો રામજી ભગત અને દિલુભાએ અડધું અંતર કાપી નાખ્યું હતું. રસ્તા ઉપર વચ્ચે એક વાડી આવી. દિલુભા વાડીને તાકી રહ્યો એ ઘેઘૂર લીંબડા, ધટાટોપ આંબલી, ધેધુર વડલા… અને એ ઝાડવાં ઉપર પંખીડાંનો ઘેરો…

જુવાર અને ઘઉંનાં ક્યારામાં પાણી વહેતું હતું. આધેરે’ક રજકો લહેરાતો હતો.. મશીનનો ટૂંક..ટૂંક અવાજ વાતાવરણને અનેરા નર્તનથી ભરી દેતો હતો.. ઓ’પા એક જુવાન પાણી વાળતો હતો. રજકા-ગદબના ક્યારાથી જાણે લીલા રંગની રંગોળી પુરાઇ ગઇ હતી. લીલુ સોનું ઊગ્યું હતું… સાત આઠ ગાયુની ડોકમાં બાંધેલ સોન ધૂધરીનો મીઠો રણકાર સંભળાતો… ને પછી વિલાઇ જતો હતો. પડખે ત્રણ-ચાર બળદ ઊભા ઊભા નીરણ નીઘોલતા હતા…ઓરડી પાસે એક ટ્રેકટર પડ્યું હતું. એક ગાડું પણ જોડાજોડ ઊભું હતું. પાંચ-છ નાનાં નાનાં ટાબરિયાં દોટમદોટ કરતાં હતાં…દિલુભાને બધું હૈયે વસી ગયું…તે ત્યાં જ, થાંભલા જેમ ખોડાઇ ગયા…

રામજી ભગત, થંભી ગયેલ દિલુભાને જોઇ રહ્યા ને પછી બોલ્યા : ‘ દરબાર એ રાજા ડાંગરની વાડી છે બાપા…’
‘એ કોણ ભગત?’
‘આ વીરપર ગામનો રાજા કહો તો રાજા. મૂળ તો નામ જ એનું રાજો. ડાંગર શાખનો આયર છે પણ ભારે ધરમી માણસ છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ…દિલુભા, આ એનો જીવનમંત્ર છે. એના આશરેથી, એના આંગણેથી કોઇ ખાલી હાથે પાછું નથી ફર્યુ એના બાપ-દાદાને ખાવાનાય સાંસા હતા એમ કહેવાય છે પણ ભાથોજી ડાંગર ભારે ટેકીલો જણ હતો એમ કહેવાય છે. પણ એ જ વંશવેલાને ટકાવવા ભગવાને આ ગજવેલનાં કટકા રોખો રાજા જેવો દિકરો આપીને કુટુંબની આબરૂને માથે લીલુડો વાવટો ફરકાવી દીધો. સોનાનો કળશ લગાવી દીધો..’
‘એમ? દિલુભાની આંખો માંથી હજી વાડીની અમીરાત ભૂંસાતી નહોતી.

‘હા, હાલો હવે…. કયારેય રાજા ડાંગરના મો-મેળાપ કરીશું અત્યારે તો મોડું થાય છે..’
‘’’હા….હા…’’ કહેતાઅ બેય જણા બળદને દોરતા લાંબી ડાંફો ભરવા માંડ્યા. પણ પહાળે પટ્ટે પથરાયેલી રાજા ડાંગરની વાડી જોઇને દિલુભાના માનસપટ પર એક પછી એક વમળ ઊપસવા લાગ્યાં…નિર્ણયો બદલવા લાગ્યા.. ને એમના પગ થંભી ગયા. રામજી ભગતે એમની સામે જોયું. ને પછી બોલ્યા : ‘કા કા દરબાર, થાકી ગયા કે શું ?

‘ના. ના ભગત થાકી નથી ગયો પણ ભાંગી ગયો છું…’
‘કેમ.?
‘મારું હૈયુ ના પાડે છે. મન ઉપરવટ થઇને કરીશ તો આખી જિંદગીએ દિજખ માંથી બહાર જ નહીં નીકળી શકું. હું પાછો જાઉ છું..’ કહી તેઓ પાછા વળી ગયા.
રામજી ભગત હસ્યા : ‘તો હરેરી ગયા એમને ?’
‘હા, તમતમારે જવું હોય તો જાવ…હું નહીં આવું…’ કહીને એ ગામ તરફ હાલતા થયા.

‘તે દિવસે બરાબર અડધી રાતે તેઓ ઊઠયા અને પાછા બળદને લઇને બહાર નીકળ્યા. બે કલાક હાલ્યા ત્યારે રાજા ડાંગરની વાડી આવી. બળદને ત્યાં જ ઊભા રાખીને છુપાતે પગલે તેઓ વાડીની ઝાંપલી પાસે આવીને ઊભા. આમતેમ જોયું. કોઇ ચંચળ થતો હોય એમ ન લાગ્યું. એમણે બુકાની સરખી કરી લીધી અને ઝાંપલીને ઉધાડી. ને પછી બળદ પાસે આવ્યા ને પછી રાશ પકડીને હળવેકથી વાડીની અંદર દાખલ થયા ને ઓરડીની કાંખમાં ઊભેલી લીંબડીનાં થડીયે બેય બળદને બાંધી, બન્નેના માથા ઉપર વહાલભર્યો હાથ ફેરવી પાછા વળ્યા…ફરી વખત આસપાસ જોયું. કોઇ હતું નહીં. અધખુલ્લ ઝાંપલી ખોલીને જેઓ બહાર નીકળવા ગયા કે ખભે કોઇ વજનદાર હાથનો સ્પર્શ થયો. દિલુભા ડરી ગયા. ચોંકીને તેમણે પાછળ ફરીને જોયું તો ચાંદાના અજવાળામાં એક આદમી એની અડોઅડ ઊભેલો દેખાયો. ખડતલ બાંધો, વિશાળ કપાળ , મોટો ચહેરો, પૂળો પૂળો મૂંછો, મોટી આંખો, કાઠિયાવાડી ચોરણી ઉપર પહેરણ પહેર્યુ હતું. એની ઉપર શાલ ઓઢી હતી. દિલુભા બે ડ્ગલાં પાછા હટી ગયા કે એ આદમી બોલી ઊઠ્યો : ‘ એમ બીવો મા. હું કોઇ ચોર – લૂટારો નથી કે નથી સાવજ દીપડો’.

‘પણ તમને હું ઓળખતો નથી…..’
‘દુનિયા મને રાજા ડાંગરના નામથી ઓળખે છે…’ કહી એ હસ્યો: ‘ મને ખબર છે કે તમે બળદ મૂકવા આવ્યા હતા. મને એ પણ ખબર છે કે આજ સવારે જ તમે અહીંથી બળદ લઇને નીકળ્તા હતા. ને પછી અહીંથી જ પાછા ફરી ગયા. મને એ પણ ખબર પડી ગઇ હતી કે તમે પોતે ખુદ આજ રાતે મારી વાડીએ તમારા બળદ મૂકવા આવશો. હું કયારનોય તમારી વાટ જોતો હતો દરબાર…’

‘તમે મને ઓળખો છો રાજા ડાંગર …’
‘હા…’
‘હું થાકી ગયો હતો રાજા ડાંગર… પૈસે-ટકે, નાણાંભીડે…અત્યારે લગી જેમતેમ કરીને જાળવ્યું પણ હવે એક ફૂટી કોડી નથી રહી… પણ મારા જેવા અભાગીના સાત ખોટના દીકરા જેવા બેય બળદને પાંજરાપોળમાં પણ મૂકવા જીવ નહોતો હાલતો…મને ખબર હતી કે પેટના જણ્યા જેમ સાચવેલાં આપણાં ઢોર ઉપર શું વીતતી હોય છે…પણ તોય આજે કાળજું કઠણ કરીને છેવટે નીકળ્યો પણ તમારી વાડી જોઇને મન ઠર્યુ. થયું કે ભલે અહીં રામના રખોપા મૂકવા આવવું પડે… પણ પાંજરાપોળમાં તો નહીં જ…’

‘બસ દરબાર… બસ!’ રાજા ડાંગરે દિલુભાના ખભે હાથ મૂક્યો અને પછી કહ્યું : ‘હું બધું જ જાણું છું કે ના છૂટકે તમે આ પગલું ભર્યુ છે પણ ઉપરવાળાએ મને છુટ્ટા હાથે જે કંઇ આપ્યું છે એ મારે ચપટી ચપટી વહેંચવાનું છે. હું મારા બળદની હાર્યોહાર્ય જ તમારા બળદને સાચવીશ. એની કોઇ ઉપાધિ રાખશો નહીં અને મનને મારીને જીવતા નહી. ખોટા જીવ કોચવતા નહીં. કપરો કાળ તો કાલ્ય વહ્યો જાશે પણ કાળની હાર્યે બાખડીને જીવવું છે દરબાર…! કાળ તો વહ્યો જાશે, રહી જાશે કહેણી…’
-દિલુભા, રાજા ડાંગરનાં પગમાં પડી ગયા.

‘અરે હા…હા…દરબાર, આ શું? પાપમાં પાડો મા. પગે તો મારે તમને લાગવું જોઇએ મારા વા’લા…કે આ તો તમારા વડવાઓએ, મારા વડવાને જે જમીન રળી ખાવા આલી હતી એ સોનાનું કટકું છે ! જે ધરતીને લીધે હું ઊજળો છું એ પરતાપ તો તમારા બાપદાદાનો છે દિલુભા…’ કહી રાજા ડાંગરે દિલુભાને બાથમાં લઇ લીધા ! ! !

લેખક : યોગેશ પંડ્યા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment