“પંડ્યનાં જણ્યાં” – શિલ્પા હવે ક્યાં એના મુન્ના પાસે આવી શકવાની છે! એ તો અત્યારે પોતાના મુન્ના પાસે…

155

વિરેન્દ્ર અંતે ભાંગી પડ્યો.

તાવ ઊતરવાનું નામ નહોતો લેતો અને મુન્નો ધીરે ધીરે કોમા તરફ સરતો જતો હતો. બે દિવસમાં ત્રણ ત્રણ ડોકટર બદલાવ્યા, પણ વ્યર્થ…

અંતે શહેરનાં જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. ચપટવાલાને ત્યાં બહુ આગળ ખસેડ્યો. મુન્નાને તપાસી ડોકટરે કહ્યું : ‘તાવ મગજમાં ચડી ગયો છે. બહુ આગળ વધી ગયું છે, પણ હું મારી રીતે પ્રયત્ન કરું છું. આઇ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. કંટ્રોલમાં લાવી દઇશ.’
દવા, ઇન્જેકશન, બાટલા…
ચડતું ગયું….

પણ કંઇ ફેર ન પડ્ય. રાત્રીના સાડા બાર જેવું થયું હતું. આ આઠમો બાટલો હતો, પણ મુન્નો ?
ડોક ઢાળી દીધી હતી. પોપચાં તો ક્યાં ચાર દિવસથી ખૂલ્યાં જ ન હતાં ! ગુલાબની ચીમળાયેલી પાંદડી જેવા સુક્કા હોઠ, નિસ્તેજ ચેહરો…
વિરેન્દ્ર વધારે વખત જોઇ ન શક્યો.
‘મમ્મી…’
અચાનક મુન્નાનાં હોઠ ફફડ્યા.
‘બેટા…’ વિરેન્દ્રએ તેનાં માથા પર હાથ ફેરવ્યો : શું થાય છે દિકા ?’
‘મમ્મી…’

મુન્નો જાણે મૃત્યુ સામે લડી રહ્યો હતો, મમ્મીની ઓથ તળે.
‘હં…બેટા…’ મુન્નાનાં પોપચાં સહેજ ઊચકાયાં : ‘પપ્પા, મમ્મી…’
‘હમણાં આવશે બેટા..’
વિરેન્દ્રથી બોલાય ગયું, પણ એ તો મુન્નાને સમજાવવા માટેનું કેવળ પોકળ આશ્વાસન હતું. શિલ્પા હવે ક્યાં એના મુન્ના પાસે આવી શકવાની છે! એ તો અત્યારે પોતાના મુન્ના પાસે…

ત્રણ વર્ષમાં ક્યારેય મુન્નાએ મમ્મીને સંભારી નથી. આજ ત્રણ ત્રણ વર્ષે મા પ્રત્યેની લાગણીનો તરફડાટ…કુમળા માનસનો વલવલાટ…
કદાચ, આ ત્રણ ત્રણ વર્ષમાં એનાં નાજુક હ્ર્દયમાં ઊછળતો ય હોય, પણ મારી બીકથી અભિવ્યકત ન પણ કર્યો હોય ! તો પોતે શું ‘દીવાર’ બની બેઠો હતો, મુન્નાની લાગણી આડે !…

મુન્નાનો શું વાંક હતો કે, એને પોતાની માથી તરછોડવાની સજા દઇ દીધી ? એ બાળક નહોતો. બધું સમજતો હતો, પણ પોતે તો એની બાળ સહજ મા પ્રત્યેની લાગણીનાં ધોધને કદી પણ એની અંદરથી બહાર જ ન નીકળવા દીધો ? શું ગુનો કર્યો હતો મુન્નાએ ?

શિલ્પાની કૂખે જનમ લીધો હતો એ ગુનો…?
આખો દિવસ બિચારો મા વગર રખડ્યા કરતો. આમતેમ ભટક્યા કરતો ટ્યુશન, સ્કુલ, લેશન,ટીચર, પાઠ, ગણિત,સાયન્સ, દફતર, કંપાસ, પરિકર, ફુટપટ્ટી, સ્વાધ્યાયપોથી…

ના કદી કોઇ દિવસ કીધું કે મારે બહાર ફરવા જવું છે. ના કદી કોઇ દિવસ કીધું કે મારે પેલું લેવું છે, ઓલું લેવું છે ! મને પેલી વસ્તુ લઇ આપો કે ઓલી વસ્તુ લઇ આપો.

સમજી ગયો હતો બધું ય કે મા વગર તો…
વિરેન્દ્રને થયું : પોતે કદી પણ એને બાજુમાં બેસાડીને માથા પર હાથ ફેરવીને ક્યાં કોઇ દિવસ પૂછ્યું છે કે, બેટા, તારે શું ખાવું છે, શું પીવું છે, શું ખરીદવું છે, શું લેવું છે, ક્યાં બહાર ફરવા જવું છે ? તારે આ વખતે કેવા કપડા લેવાં છે ?

બા સાથે બહાર જઇને એ લઇ આવતો. કયારેક તેનાં કાકી સાથે… પણ એ બધાં તો સમય આવ્યે છૂટી ગયાં. કર્મસંજોગે આ શહેરમાં બદલી થઇ ને બાએ કહી દીધું કે, મુન્નાને હવે તુ સાથે લઇ જા. અનુપની પિંકી મુન્નાની જવાબદારી પૂરી. એ હવે મોટો થઇ ગયો છે.

બાએ કહ્યું હતું… પણ ખરેખર આજ વિરેન્દ્રને લાગ્યું કે, એને બિચારાને બધાએ મોટા કરી દીધો છે. હજી તો એ…
‘મમ્મી… અચાનક મુન્નાનો તરફડાટ હવે અમળાઇને ચેહરા પર ફરી વળ્યો.’
‘બેટા, મુન્ના…’ વિરેન્દ્રએ તેના માથા પર હાથ મૂક્યો. ત્યાં જ ફરી સિસ્ટરે મુન્નાનો તરડાયેલો અવાજ સાંભળી અંદર આવીને બાટલાને સહેજ સતેજ કર્યો અને કહ્યું : એનાં મમ્મી નથી ધરે ? બોલાવી લાવોને. છોકરો ક્યારનોય ઝૂરે છે અને તમે-

એ કંઇ બોલી ન શક્યો.
ત્યાં જ મોટો ઊબકો આવ્યો ને પેટમાંનું રહ્યું સહ્યું સફેદ પ્રવાહી પલંગ પર, ચાદર પર, ફર્શ પર…
‘હું તમને કહું છું, ભાઇ….’
સિસ્ટર બોલી ઊઠી : ‘તમે ફોન કરી દો અથવા તો…’
‘એ બની શકે એમ નથી.’ વિરેન્દ્ર ભીના કંઠે બોલી ઊઠયો.
‘કેમ ?’

‘બસ…સિસ્ટર! એની મમ્મી તો….એની મમ્મી તો –‘ વિરેન્દ્ર આગળ ન બોલી શક્યો.
‘શું થયું છે?’ એની મમ્મી છે તો અહીં જ ને કે પછી…’ પણ વિરેન્દ્રના દયામણા ચેહરા પર નજર નાખીને કહે : ‘મને ખબર નહોતી. આઇ એમ સોરી. મે તમારું દિલ…’

‘ના સિસ્ટર એવું નથી. એ અહીં જ છે પણ હવે એ સંબંધો નથી રહ્યા. અમે છુટ્ટાં પડી ગયાં છીએ. ત્રણ ત્રણ વર્ષ થઇ ગયાં અને હવે તો એનું બીજું લગ્ને ય…અને એ પણ…’

‘ઓહ નો.’ સિસ્ટર તાકી રહી.
વિરેન્દ્રની આંખમાં ભીનાશ તરવરી ગઇ, પણ ત્યાં જ સિસ્ટર બોલી ઊઠી : ‘તોય એ આવશે. તમે પ્રયત્ન કરો ભાઇ. દવા જયારે નથી ફળતી ત્યારે દુવા ફળે છે અને આતો છોકરું છે. તમારા બન્નેનાં ઝઘડાની સજા આ બાળકને શું કામ આપી રહ્યાં છો ? તમે જાવ, ત્યાં સુધી હું એની પડખે બેઠી છું. મને વિશ્વાસ છે કે એ જરુર આવશે. મારી શ્રધ્ધા સાચી ઠરશે…’
‘પણ હવે એ પારકી થઇ ગઇ છે…’

‘એનું પંડ્ય પારકું થઇ ગયું છે, એનું હૈયું નહી….! એના હૈયામાં તો જે હેત સંઘરાયેલુ છે એ હેત તો હડિયાપાટી કરતું જ હશે. એ હેત જ એને અહીં લાવવા મજબુર કરી દેશે. મુન્નો ગમે તેમ તોય એના કોઠામાં નવ નવ મહિના આળોટ્યો છે. જગતનાં ચોપડે એવી કોઇ મા નહીં હોય કે, પોતાનું છોરું માંદગીના બિછાને પડ્યું હોય ને પોતે સંસારનાં સુખ માણતી હોય ! તમે જાવ ભાઇ…’

વિરેન્દ્ર નીકળ્યો, મુન્નાને ખાતર.
રાત્રે ત્રણ વાગ્યે મિ. કંદર્પ નાણાવટીના ધરનું બારણું ખખડાવ્યું. થોડીવારે એક ત્રીસેક વર્ષનો પુરુષ બહાર નીકળ્યો. વિરેન્દ્ર ઓળખી ગયો. તે કંદર્પ જ હતો ‘બોલો કોનું કામ છે?’ કંદર્પે પૂછ્યું,
‘હું વિરેન્દ્ર…’

‘ઓહ, આવો આવો.’ કંદર્પે ભાવથી આમંત્ર્યો. તે વિરેન્દ્રને અંદર દોરી લાવ્યો. ડ્રોંઇગ રૂમમાં બેસાડયો. પાણી પીવડાવ્યું ને પછી પૂછયું,
‘ફરમાવો વિરેન્દ્રભાઇ, કેમ અચાનક, અડધી રાત્રે… કંઇ કામ પડ્યું ?
‘મારે આવવું પડ્યું કંદર્પભાઇ, શિલ્પાને લઇ જવા માટે. મુન્નો અત્યારે હોસ્પિટલમાં છે એ એની મમ્મીને…’
‘અરે, પણ શું થયું મુન્નાને ?’

‘તાવ આવ્યો ને ન્યુમોનિયા થઇ ગયો. ક્રોનિક મેલેરીયા. અઠવાડિયું થયું, પણ તાવ હટવાનું નામ લેતો નથી અને હવે મમ્મી… મમ્મી… કરે છે. હું નહોતો આવતો કંદર્પભાઇ, મારે આવવું પણ ન જોઇએ, પણ- મુન્નાની ખાતર ! હું દિલગીર છું…’ કહેતો વિરેન્દ્ર રડી પડ્યો.
‘અરે ભલા માણસ ! તમારા જેવા માણસ ઢીલા પડે તો તો થઇ રહ્યું છે ને ? હું હમણાં જ શિલ્પાને-‘

પણ ત્યાં જ શિલ્પા આંખો ચોળતી ચોળતી ડ્રોંઇગ રૂમમાં આવી ચડી, પણ સામે બેઠેલા વિરેન્દ્રને જોઇને જ એ ત્રાડી ઊઠી : ‘અરે… તમે છો ? તમે ? શું કામ આવ્યા છો અહીં ? શું છે હવે બાકી… શું છે હવે તમારે ને મારે ? તમને જરાય વિચાર ન થયો, બોલો બોલો… તમને જરાય શરમેય ન આવી કે હું કયાં જાઉં છું ? તમારા સંસારમાં તો તમે વહેમનાં હાડકાં નાખી હોળી સળગાવી, હવે કોઇકનાં સંસારમાં તો-‘
‘પ્લીઝ, શિલ્પા’ કંદર્પ બોલી ઊઠયો : ‘એ બિચારો કોઇ સંબંધે નથી આવ્યો ! કમ સે કમ તું એની પરિસ્થિતિનો તો વિચાર કર. અત્યારે એના માથે વિપત.’

‘વિપત તો મારે માથે ય હતી, ત્યારે ક્યાં ગયો હતો એ સંબંધ, એ લાગણી, મમતા? ’
‘શિલ્પા…’ કંદર્પે મૃદુ અવાજે કહ્યું : ‘એ બિચારો વખાનો માર્યો આવ્યો છે. મુન્નો હોસ્પિટલમાં છે ત્રણ ત્રણ દિવસથી તાવ-ન્યુમોનિયાને લીધે…તને એ ઝંખે છે બિચારો.’

‘ત્રણ ત્રણ વરસ થઇ ગયાં ત્યારે એની મા એને યાદ ન આવી?’
‘… એને તો યાદ આવી જ હોય ને પણ…’ વિરેન્દ્ર હવે ભીના કંઠે શિલ્પાને કહેતો હતો : ‘… પણ મારી બીક ! હું દીવાર બની બેઠો હતો એની લાગણીની આડે. એની મા પ્રત્યેની મમતાની આડે ! પણ હું હવે ભાંગી પડ્યો છું, શિલ્પા ! એનો તરફડાટ હવે હું જોઇ નથી શકતો… તમે નહીં આવો તો એ-‘

– વિરેન્દ્રના આગળના શબ્દો ડૂમો બનીને ઓગળી ગયા.
‘પણ હવે શું છે! શિલ્પા કંદર્પ આગળ બેસી જતાં બોલી ઊઠી : ‘ એ સંબંધો પૂરા થઇ ગયા. હવે એ ક્યાં મારો દિકરો છે ? હું નહીં આવું.’ કહેતી એ ઊભી થઇ ગઇ અને પોતાના ખંડ તરફ ચાલતી થઇ ગઇ. કંદર્પ બોલી ઊઠયો : ‘તારે જવું જોઇએ શિલ્પા. ગમે એમ પણ એ તારું લોહી છે. તારી કાયાની માટી માંથી ઘડાયેલો પિંડ છે. ગમે એમ તોય… એ તમારા બન્નેનાં સંસારબાગનું મહેકતું, મઘમઘતું ફૂલ છે. એને ચીમળી ન નાખ.. એ તમારા બન્નેના પ્રેમનો પ્રથમ આવિષ્કાર છે.’

‘અત્યારે લગી હું ય એમ જ કહેતી હતી ને કહું છું એ તો મારા ને એના પ્રેમનો જ આવિષ્કાર છે. મારા ને કોઇ બીજાના નહી, પણ તોય એણે તો મને-‘ કહેતી એ રડી પડી. કંદર્પે એની આંખો માંથી બહાર સુધી ધસી આવેલા આંસુના રેલાને લૂછતાં કહ્યું : ‘ ચાલ, તૈયાર થઇ જા. જે થયું તે થઇ ગયું. ભૂતકાળ ભૂલીને હવે તો વર્તમાનને સજાવવાનો છે. મુન્નો..’
‘એ તો મારો પ્રાણ છે. એને હું કંઇ નહી થવા દઉં….’ કહી એ બોલી ઊઠી : ‘ તમે લોકો ગાડીમાં બેસો, હું આવું છું.’

લેખક : યોગેશ પંડ્યા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment