સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસનો ઘરગથ્થુ ઉપચાર..

215

ડોકમાં સ્થિત કરોડના હાડકામાં લાંબા સમય સુધી અકડાઈ જવાથી, તેના સાંધાઓમાં ઘસારો લાગવાથી અથવા તેની નસો દબાવાના કારણે ઘણી તકલીફ થાય છે. આ બિમારીને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ કહેવાય છે. તેના બીજા નામ છે સર્વાઇકલ ઓસ્ટિયોઆર્થરાઇટિસ, નેક આર્થરાઇટિસ અને ક્રોનિક નેક પેઇન છે. તેમાં ડોક તેમજ ખભામાં પીડા તેમજ અકડાઈ જવાની સાથે સાથે માથામાં પીડા તેમજ તાણ પણ અનુભવાય છે.

આધુનિક ઉપચારમાં સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસની સારવાર ફિઝિયોથેરાપી તેમજ પીડાનાશક ગોળીઓ છે. તેનાથી તરત આરામ તો મળી જાય છે, પણ તે માત્ર થોડા જ સમય પૂરતું હોય છે. આ બધા અસ્થાયી ઉપાય છે. યોગ જ આ સમસ્યાનો કાયમી ઉપાય છે, કારણ કે તે આ બીમારીને મૂળથી જ ઠીક કરી દે છે. પણ જો રોગીને ચાલવા-ફરવામાં તકલીફ પડવા લાગે તો દવાઓ, ફિઝિયોથેરાપી તેમજ આરામ જ કરવો જોઈએ. આવિસ્થિતિમાં યોગની ક્રિયાઓનો અભ્યાસ ન કરવો જોઈ, કારણ કે તે સ્થિતિ રોગની ગંભીર સ્થિતિ હોય છે. આરામ મળતાં જ તેનાથી સંપૂર્ણપણે મુક્ત થવા માટે કુશળ માર્ગદર્શન હેઠળ યૌગિક ક્રિયાઓનો અભ્યાસ શરૂ કરવો જોઈએ.

જો કોઈ કારણસર તમે કોઈ વ્યાયામ કે યોગ ન કરી શકતા હોવ તો પહેલાં તમે નીચે દર્શાવેલા ઘરેલુ નુસખાઓનો ઉપયોગ કરી શકો છો, અને થોડા દિવસ બાદ જ્યારે આરામ મળે ત્યારે તમે વ્યાયામ તેમજ યોગાભ્સાસ શરૂ કરી શકો છો.

સર્વાઇકલ સ્પોન્ડલાઇટિસના લક્ષણ

કરોડના હાડકામાં કંઈ વાગ્યું હોય અથવા અકસ્માતે કોઈ વજન આવી જવાથી તેનું ભયંકર સ્વરૂપ પણ જોવા મળે છે.
ડોકમાં પીડા અને ડોક અકડાઈ જવી તે સ્થિતિને વધારે ગંભીર બનાવે છે.
માથાનો દુઃખાવો, ખાસ કરીને પાછળની પીડા તેનું લક્ષણ છે.
ડોકને હલાવવા પર હંમેશા કંઈક અવાજ આવવો.

હાથ, બાવડા અને આંગળીઓમાં નબળાઈ આવવી તેમજ સુન્ન પડી જવા.
વ્યક્તિને હાથ તેમજ પગમાં નબળાઈના કારણે ચાલવામાં તકલીફ પડવી અને સંતોલન ન જળવાય.

ડોક તેમજ ખભા અકડાઈ જવા તેમજ સંકોચન થઈ જવું.
રાત્રે અથવા ઉભા થયા બાદ અથવા બેસ્યા બાદ, ખાંસતા, છીંકતા કે હસતી વખતે અથવા થોડે દૂર ચાલ્યા બાદ ડોકમાં પીડા થવી.

નાનકડી એક્સરસાઇઝ ઉત્તમ ઉપાય

1. ટટ્ટાર બેસી જવું. ચહેરાને ધીમે-ધીમે ડાબા ખભા તરફ લઈ જવું. ત્યાર બાદ ચહેરાને ધીમે ધીમે સામેની તરફ લઈ ડાબા ખભા તરફ લઈ જવું. આ ક્રિયાને શરૂઆતમાં 5-7 વાર કરવી. ધીમે ધીમે તેને વધારીને 15-20 સુધી કરવી. હવે માથાને પાછળની તરફ નમાવવું. માથાને આગળ તરફ નમાવવું તે આ રોગમાં વર્જિત છે. ત્યાર બાદ માથાને ડાબા-જમણા ખભા તરફ નમાવો. આ ક્રિયા પણ ધીમે-ધીમે 15-20 વાર કરો.

2. ટટ્ટાર બેસી અથવા ટટ્ટાર ઉભા રહી બન્ને હાથની હથેળીઓને એકબીજામાં ગુંથી લો. ત્યાર બાદ હથેળીઓને માથાની પાછળ ડોક તરફ રાખો. હવે હથેળીઓથી માથાને તેમજ માથાથી હથેળીઓને એકબીજાની વિરુદ્ધ દિશામાં પુરા જોરથી એવી રીતે દબાવો કે માથું થોડું પણ આગળ કે પાછળ ના નમી શકે. ત્યાર બાદ હથેળીઓને માથા પર મુકી આ પ્રકારનું જ વિરુદ્ધ દબાણ આપો. આ ક્રિયાઓ 8થી 10 વાર કરવી. હવે ડાબી હથેળીઓને જમણા ગાલ પર મુકી એકબીજાની વિરુદ્ધ દબાણ નાખો. આ ક્રિયા ડાબા ગાલ સાથે પણ કરો. તેને પણ 8થી 10 વાર કરો.

3. સીધા ઉભા રહી બન્ને હાથને ઘડીયાળના કાંટાની દિશામાં તેમજ ત્યાર બાદ તેનિ વિરુદ્ધ દિશામાં 10થી 15 વાર ગોળ-ગોળ ફેરવો. ત્યાર બાદ બન્ને હાથને ખભાની ઉંચાઈ પર આજુ-બાજુમાં ઉઠાવી તેને કોણીએથી વાળી લેવા. આ સ્થિતિમાં હાથને 10થી15 વાર વૃત્તાકાર ઘુમાવવા. ત્યાર બાદ ફરી પહેલાની સ્થિતિમાં આવી જવું.

4. તમારા બન્ને હાથને પોતાના ખભા પર મુકો, હવે બન્ને કોણીઓને ઘડિયાળની દિશામાં ઘુમાવતા એક વર્તુળ બનાવો અને પ્રયત્ન કરો કે બન્ને કોણીઓ એકબીજાને સ્પર્શ કરે, 10 વાર આવું કરવું અને 10 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આમ કરવું.

આસન

એક-બે અઠવાડિયા ઉપર દર્શાવેલા નાના વ્યાયામ કર્યા બાદ તમારા અભ્યાસમાં આસનોનો પણ સમાવેશ કરો. તેના માટે મત્સ્યાસન, વજ્રાસન, મકરાસન, ધનુરાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન તેમજ ભુજંગાસન ખુબ જ લાભપ્રદ છે. જો સારણગાંઠની સમસ્યા હોય તો ભુજંગાસન ન કરવું.

સૂર્યનમસ્કારઃ-

સૂર્ય નમસ્કાર સર્વાઇકલ માટે રામબાણ આસન છે. રોજ સવારે નિત્યક્રમમાંથી પરવારી. રોજ સૂર્યનમસ્કારની ક્રિયા 10-12 વાર કરવી.

પ્રાણાયામ

જો રોગ ગંભીર હોય તો ઝાટકા વાળા કોઈપણ પ્રાણાયામનો અભ્યાસ કરવો નહીં. આ રોગમાં નાડિઓને શાંત તેમજ સ્થિર કરવા માટે નાડીશોધન અનુલોમ વિલોમ, ઉજ્જાયી તેમજ ભ્રામરી પ્રાણાયામ ખુબ જ લાભપ્રદ છે.

અનુલોમ વિલોમઃ અનુલોમ વિલોમમાં એક નસકોરાથી શ્વાસ લેવાનો છે અને બીજા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો છે, પછી બીજા નસકોરાથી શ્વાસ અંદર લેવો અને પહેલા નસકોરાથી શ્વાસ બહાર કાઢવો, હવે પહેલાં શ્વાસ લેવાનો છે અને તે જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે.

ઉજ્જાયી પ્રાણાયામ – આ પ્રાયણાયામમાં બેસીને પોતાના કંઠને સંકોચવાનો છે અને પુરું જોર લગાવી શ્વાસ ઉપર ખેંચવાનો છે. અને પછી તેને ધીમેધીમે છોડવાનો છે. આમ 10થી 15 વાર કરવું.

ભ્રામરીઃ ભ્રામરીમાં ટટ્ટાર બેસી, પોતાના બન્ને અંગુઠા દ્વારા બન્ને કાન બંધ કરી લેવા, ઉપરની બન્ને આંગળીઓને કપાળ પર સીધી રાખવી, અને બાકીની ત્રણ આંગળીઓને હળવા હાથે આંખ તેમજ કાન વચ્ચેની જગ્યા પર રાખવી. અને પછી શ્વાસ ભરી લેવો અને ઓમ કહેતાં ભરેલો શ્વાસ ધીમે ધીમે બહાર કાઢવો.

ધ્યાન તેમજ યોગ નિદ્રા

કરોડના હાડકાની બીમારીમાં ધ્યાન તેમજ યોગ નિદ્રાનો અભ્યાસ ખુબ જ લાભપ્રદ છે. આ સ્થિતિમાં શરીરને સંપૂર્ણ ક્રિયા દરમિયાન સ્થિર રાખી પોતાના સ્વાભાવિક શ્વાસ-ઉચ્છ્વાસ પર મનને એકાગ્ર કરવાનું છે. તેનો અભ્યાસ તમે કમ્ફર્ટેબલ રહો ત્યાં સુધી કરી શકો છો.
આ વાતોનું પણ ધ્યાન રાખો

તકીયા વગર સીધા જ ઉંઘવું. ઉંધા ન સુવું એટલે કે પેટ પર ન સુવું. કડક પથારી પર સુવું જેથી કરીને કરોડના હાડકા સ્વસ્થ રહે.
વજન ન ઉઠાવવું જોઈએ અને માથું નમાવીને કામ ન કરવું જોઈએ.
ઠંડા તેમજ ગરમ શેકની સારવાર પીડામાં રાહત આપશે. પાણીનું ઠંડુ પેકેટ પીડા કરતા ભાગ પર રાખવું. અને પછી પાણીનું ગરમ પેકેટ પીડા કરતા ભાગ પર રાખવું.

તમારા ડોક્ટર તમને કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવાની સલાહ આપી શકે છે. આ ભૌતિક ઉપચાર તમારા દુઃખાવાને ઘટાડી શકે છે.
તમે કોઈ મસાજ કરનારા પાસે મસાજ પણ કરાવી શકો છો પણ તે એક્યુપંક્ચર તેમજ મેરુદંડ (કરોડ)નો જાણકાર હોવો જોઈએ. માત્ર થોડીકવારનું મસાજ પણ તમને આરામ આપી શકે છે.

ડોકની નસોને મજબુત બનાવવા માટે ડોકનો વ્યાયામ કરવો.
તમારી ગાડી રસ્તા પરના ખાડા-ટેકરા પર ન ચલાવો. તે તમારી પીડાને વધારે છે.કંપ્યુટર પર વધારે વાર ન બેસો. અને વચ્ચે વચ્ચે પગના પંજા પર ઉભા થઈ બન્ને હાથને જોડીને ઉપર આકાશ તરફ ધકેલો. ખભા તેમજ ડોકને થોડા હલાવી લો.

વિટામિન બી અને કેલ્શિયમથી ભરપુર આહાર લો. બદામ, પિસ્તા અને અખરોટમાં વિટામિન ઇ અને બી-1, બી-6 અને બી-9ની સાથે પ્રોટીન અને મેગ્નેશિયમ હોય છે, દૂધ, ગાજર, સ્ટ્રોબેરી, કેળા, કોબી, ડુંગળીનો પણ ભોજનમાં ઉપયોગ કરવો.

ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા પ્રયોગો

1. ધતૂરાના બીજ 10 ગ્રામ, રેવદંચીની 6 ગ્રામ, સૂંઠ 7 ગ્રામ, ગરમ તવા પર ફુલાવેલી સફેદ ફટકડી 6 ગ્રામ, તેવી જ રીતે ફુલાવવામાં આવેલો ટંકણખાર 6 ગ્રામ, બાવળનો ગુંદર 6 ગ્રામ આ બધી જ સામગ્રીને જીણી વાટી લેવી અને ધતૂરાના પાનના રસથી ભીની કરી અડદના દાણા જેટલા (125મિલિગ્રામ એટલેકે એક રતલ) પ્રમાણમાં ગોળીઓ બનાવી લેવી. આ ગોળીને દિવસમાં માત્ર એકવાર ગરમ પાણી સાથે ભોજન બાદ લેવી જોઈએ. ધ્યાન રાખો કે ખાલી પેટે ક્યારેય આ ઔષધિનું સેવન કરવું નહીં.

2. વાતગજાંકુશ રસની એક ગોળી દિવસમાં બે વાર સવાર-સાંજ દશમૂળના ઉકાળા સાથે બે ચમચી લેવી, તે પણ લાભપ્રદ રહેશે.3. મહામાષ તેલના ત્રણ-ત્રણ ટીપાં બન્ને કાન તેમજ નાકમાં સવાર-સાંજ નાખવાથી પણ ફાયદો થશે.

4. આભાદિ ગુગળની એક એક ગોળી મહારાષ્નાદિ ઉકાળા સાથે દસથી પંદર મિલીના પ્રમાણમાં ખાલી પેટે લેવાથી પણ ફાયદો થાય છે. આ તો કેટલાક અનુભૂત યોગ છે આ ઉપરાંત પંચકર્મ ચિકિત્સા પણ સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસના દર્દીઓ માટે ઘણી અસરકારક રહે છે.
ઘરગથ્થુ ઉપાયો

ચૂનોઃ

જે ચૂનો પાનમાં લગાવવામાં આવે છે, જો તમને પથરીની સમસ્યા ન હોય તો સર્વઇકલ માટે ચૂનો એક ખુબ જ સારી ઔષધી છે. ઘઉંના દાણા જેટલો ચૂનો પાણીમાં, જ્યૂસમાં, કે દહીંમાં ભેળવી ખાવો.

વિજયસારનું ચૂર્ણઃ

કોઈ પણ પ્રકારના હાડકાસંબંધિ રોગ માટે વિજયસારનું ચૂર્ણ એક ઉત્તમ ઔષધિ છે. 1 ચમચી વિજયસારનું ચૂર્ણ સાંજે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવું, તેને સવારે 15 કલાક બાદ કપડાથી ગાળી સારી રીતે નીચોવી ઘૂંટડે ઘૂંટડે ધીમે ધીમે પીવું. ગમે તે દુઃખાવો હશે 1થી 3 મહિનાની અંદર દૂર થઈ જશે, તેની સાથે સાથે જો તમને ડાયાબીટીસ હોય તો તેના માટે પણ આ રામબાણ દવા છે.

લસણ

4 લસણ 1 ગ્લાસ દૂધમાં ઉકાળી લેવું, સુતા સમયે પી લેવું.

ગાયનું ઘી

રાત્રે સુતી વખતે બન્ને નસકોરામાં 5-5 ટીપાં ગાયના ઘીના નાખી દેવા.
ઉપર દર્શાવેલી વિધિઓ, આસનો તેમજ યોગાભ્યાસથી ગમે તેવું સર્વાઈકલ પેઇન 1થી 3 મહિનામાં દૂર થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment