“નક્ષત્ર” – દિલધડક નવલકથાનું આજે વાંચો 4 પ્રકરણ..

158

વાંચો પ્રકરણ 1 , વાંચો પ્રકરણ 2  વાંચો પ્રકરણ 3

જયારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પીટલના બેડ પર સુતી હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે કે હું કેટલાય સમયથી એ બેડ પર હતી. હું મારા અણગમતા સ્થળે હતી, મને ક્યારેય હોસ્પિટલ પસંદ ન હતી. મમ્મી કે પપ્પા કોઈ રીલેટીવ હોસ્પિટલ આવ્યું હોય એને મળવા જાય તો પણ હું સાથે ન જતી. મને હોસ્પિટલનું વાતાવરણ ગૂંગળાવી નાખતું. દવાની વાસ મારું માથું ભમાવી નાખતી. મને હોસ્પિટલ ક્યારેય પસંદ ન હતી.

“હું કેટલા સમયથી અહી છું?” મેં પૂછ્યું. હું કોને પૂછી રહી હતી એ જ મને ખબર ન હતી. મારા આસપાસ કોણ છે એ જોયા કે ખાતરી કર્યા વિના જ મેં સવાલ કર્યો.

“ત્રણ કલાકથી, તું અહી ત્રણ કલાકથી છે અને અમે બધા તારી સાથે છીએ.” મમ્મીએ જવાબ આપ્યો, એ મારા બેડ પાસે એક લાકડાના ટેબલ પર બેઠી હતી.
જયારે મમ્મીએ મને જવાબ આપ્યો ત્યારે જ મને યાદ આવ્યું કે મમ્મી મને દવાખાને લઈને આવી હતી. મને સાપ કરડ્યો હતો, અને ફરી મારા શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું.

“કપિલ ક્યાં છે?” મને યાદ આવ્યું કે એ મને અહી લઈને આવ્યો હતો, એટલે મારી આંખોએ એને ઘડીભર શોધ્યો અને પછી મેં મમ્મીને પૂછ્યું.
“એ બહાર વેઈટીગ રૂમમાં બેઠો છે. તારા ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો છે. આઈ.સી.યુ.માં માત્ર એક જ વ્યક્તિને રહેવા મળે છે. એ પણ દર્દીના નજીકના સગાને જ. વોટ અ નાઈસ બોય !! કેટલો મદદગાર અને સેવાભાવી છે એ?” મમ્મીએ કહ્યું.

મમ્મીના જવાબથી મને રાહત થઇ. કોણ જાણે કેમ એ હોસ્પિટલમાં ત્રણ કલાકથી મારા માટે હાજર હતો એ જાણીને જ જાણે હું અડધી ઠીક થઇ ગઈ. મમ્મી પાસેથી એની તારીફ સાંભળીને પણ મને સારુ લાગ્યું. એક વાત તો નક્કી જ હતી કે હું એના પ્રેમમાં હતી કેમકે એ પહેલા મેં કોઈ છોકરા માટે એ બધી લાગણીઓ ફિલ ન હતી કરી.

“હું એને બોલાવી લાવું.” કહી મમ્મી બહારની તરફ ગઈ.
મારી મોટી આંખો, એમણે જ મમ્મીને બધું કહી દીધું હતુ. મમ્મી ગમે ત્યારે હું શું વિચારું છું ને હું શું ઈચ્છું છું એ મારી આંખોમાંથી જ વાંચી લેતી. મમ્મીએ મારી આંખોમાંથી વાંચી લીધું હતું કે મારી આંખો કપિલને જોવા માંગે છે. ખરેખર ભગવાને મા ને એક જોડ એવી આંખો આપી હોય છે જે ફક્ત પોતાના બાળકને સમજવા માટે જ હોય છે એ પણ એક શબ્દે બોલ્યા કે સાંભળ્યા વિના.

“હાય.” કપિલે મારા બેડ પાસે આવી કહ્યું. એનો અવાજ એકદમ અદભૂત હતો. અદભુત એટલા માટે કે એનું વર્ણન કરવા મારી પાસે બીજો કોઈ શબ્દ નથી. એના ચહેરા પર એ વખતે ગુસ્સો ન હતો. કોલેજમાં એ મને થોડો અકડું લાગ્યો હતો પણ અહી તેના ચહેરા પર જરાય ગુસ્સાના ભાવ ન હતા. મેં મનોમન વિચાર્યું કપિલ કોલેજમાં કેમ ગુસ્સામાં રહેતો હશે? ગુસ્સામાં ન હોય તો એનો ચહેરો કેવો મસ્ત લાગે છે.?

“હાઉ આર યુ ફીલિંગ નાઉ?” કપિલે આવતા જ પૂછ્યું.
હું એને એકીટસે જોતી જ રહી.
“આર યુ ઓકે?” કપિલે જરાક હસીને પૂછ્યું ત્યારે મને ખબર પડી કે હું એના ચહેરાના વિચારોમાં એવી ખોવાઈ ગઈ હતી કે એણે હાય કહ્યું પણ મેં જવાબ ન હતો આપ્યો.
“આઈ એમ ફાઈન, થેન્ક્સ.” મેં કહ્યું.
“વેલકમ.” એણે સ્માઈલ સાથે કહ્યું.
હું એના ચહેરા પરના એ સ્મિતને જોતી જ રહી, એનો હસતો ચહેરો….. મને એકપળ માટે થયું કોઈ ખરેખર આટલું સુંદર હોઈ શકે? બીજી જ પળે મેં વિચાર્યું સારું થયું કે કોલેજમાં કપિલ ગુસ્સામાં જ રહે છે હસતો નથી… નહિતર…!! મારી એનાથી મુલાકાત થઇ એ પહેલા જ એ કોઈ બીજાનો બની ચુક્યો હોત. હું એ કલ્પના માત્રથી ધ્રુજી ગઈ.

“ડોકટરે હોશ આવે એટલે કલાક પછી રજા મળી જશે એમ કહ્યું છે.” કપિલે કહ્યું.
“હમમમ.” મેં કહ્યું. શું બોલવું એ જ મને સુજી ન હતું રહ્યું. અચાનક મને યાદ આવ્યું, “તું ત્યાં બગીચામાં કઈ રીતે આવ્યો?” મેં પૂછ્યું.
“પગે ચાલીને.” એણે મજાક કરતા કહ્યું. પણ મને એની આંખોએ કહી દીધું કે એ કઈક છુપાવી રહ્યો હતો. કદાચ એની આંખો પણ મારી આંખો જેમ જ બધું જાહેર કરી દેનારી હતી.
“પણ તું ત્યાં ક્યાય ન હતો, અને હું પડતી હતી ત્યાં તું એકદમ કયાંથી આવી ગયો?” મેં કહ્યું.

“હું ત્યાજ હતો બસ તારું ધ્યાન એ છોડ તરફ હતું, એના પરથી પાંદડા હટાવવામાં..” કપિલે કહ્યું.
“પણ મેં એ સમયે…..” હું કઈક કહેવા જતી હતી પણ અચાનક અટકી ગઈ. મેં એની તરફ જોઈ નવાઈથી કહ્યું, “તને શું ખબર, હું છોડ પરથી પાંદડા ખસેડવા ઇચ્છતી હતી?” એ એકાદ પળ માટે કઈ ન બોલ્યો.
“તે જ કહ્યું હતું.” એણે જરાક વિચારીને કહ્યું. પણ ફરી એની આંખોએ એને દગો આપ્યો. હું સમજી ગઈ કે એ સાચું ન હતો બોલી રહ્યો. એની આંખો કહી રહી હતી કે એ કઈક છુપાવી રહ્યો હતો. અને આમેય એના વિધાનની સત્યતા મુલ્ય ‘એફ’ જ હતી કેમકે એની પાસે ત્યાં આવવા માટેનું કોઈ જ કારણ ન હતું. એ મને ઉદાહરણ સાથે વ્યાપતી આપી શકે તેમ ન હતો.
“ના, મેં કોઈને ન હતું કહ્યું.”
“તને યાદ નથી, તું ઘેનમાં હતી.”

“હું ઘેનમાં ન હતી અને હા, તને કઈ રીતે ખબર પડી કે મને ઓછા ઝેરવાળો બેલ કરડ્યો છે?”
“મેં એવું ક્યારે કહ્યું?”
“મમ્મીને, હું સાંભળતી હતી, હું પૂરી બેભાન ન હતી.” મેં કહ્યું.
“એ તો આશરે, મમ્મી ગભરાય નહી એટલે.”
“બધું આશરે ના હોઈ શકે.” મેં જરાક બેઠા થવાનો પ્રયત્ન કરતા કહ્યું.
“શું બધું?”
“એજ કે તું…?” હું કઈક પૂછવા જતી હતી પણ એક નર્સને મારા પલંગ નજીક આવતી જોઈ હું અટકી ગઈ.
“હવે કેમ છે? ચક્કર બીજાતો નથી આવતાને?” નર્સે આવતા જ પૂછ્યું.
“ના, હવે સારું છે, બસ મને જલ્દી રજા આપી દો.” મેં કહ્યું.

મને હોસ્પિટલમાં અકળામણ થઇ રહી હતી. મારે ત્યાંથી નીકળવું હતું. મારે મારા ઘરે જવું હતું. સારું થયું કે કપિલ મારી સાથે હતો નહિતર હોસ્પિટલમાં આટલો સમય પસાર કરવો મારા માટે અશક્ય હતો.
“તો, રજા લઇ લેવી છે કે સાંજે લેવી છે?” નર્સે પૂછ્યું. એ ફરી એકવાર ખાતરી કરવા માંગતી હશે કે પછી એ સવાલ પૂછવો એની રોજની આદત બની ગઈ હશે. એ દરેક દર્દીને આજ સવાલ પૂછતી હશે.

“રજા લઇ લેવી છે.” મેં મારી આસપાસ આઈ.સી.યુ.ના રૂમમાં નજર દોડાવતા કહ્યું. મને થયું સારું હતું હું બેભાન હતી નહિતર ત્રણ કલાકમાં આ ઓક્સીજન સીલીન્ડર, હોસ્પિટલ બેડની લીલી ચાદર અને અહી ફેલાયેલી દવાની જરાયે પસંદ ન આવે તેવી વાસથી ગૂંગળાઈ ગઈ હોત.
“તમે આવી એક ફોમ પર સહી કરી લો એટલે રજા મળી જાય. પણ હજુ એને એકવાર પૂછી ખાતરી કરી લો ચક્કર તો નથી આવતાને?” નર્સે કપિલ તરફ જોઈ કહ્યું.
“હા ચોકસ.”
“શું કરવું છે?” કપિલે મારા તરફ જોઈ કહ્યું.
“અહી રહીશ તો જરૂર ચક્કર આવવા લાગશે ને બેભાન થઇ જઈશ. મને હોસ્પિટલ જરાયે પસંદ નથી.” મેં કહ્યું.
“ઓકે. એઝ યુ વીસ.” કહી કપિલ તેની સાથે ગયો.

કપિલ નર્સ સાથે ડોક્ટરની કન્સલ્ટીગ ચેમ્બરમાં ગયો. હું એના વિશે જ વિચારવા લાગી. એ મને આજે જ મળ્યો હતો, એ મારા ઘરે કેમ આવ્યો હશે? શું એ આકસ્મિક ત્યાં આવ્યો હશે કે પછી એ જાણતો હશે કે હું ત્યાં રહું છું? પણ એ કઈ રીતે જાણી શકે કે હું ક્યાં રહું છું? એ અશક્ય હતું. કોલેજમાં ગુસ્સામાં દેખાનાર કપિલ મારી સામે આટલો ખુશ કેમ રહે છે? જે હોય તે પણ સારું જ હતું કે એ આવી ગયો. એ મને તરત દવાખાને લાવ્યો ન હોત અને ઝેરની અસર વધી ગઈ હોત તો મારે ત્રણ કલાકને બદલે ત્રણ દિવસ સુધી દવાખાને રહેવું પડત. એ મારા માટે અશક્ય હતું.
કપિલ ડીસચાર્જ ફોર્મ પર સહી કરી આવ્યો એટલે મને રજા આપી દેવામાં આવી. હુ અને કપિલ બહાર વેઈટીગ રૂમમાં આવ્યા. પપ્પા પણ ત્યાં સુધીમાં આવી ગયા હતા. અમારી કોલેજની બે ત્રણ છોકરીઓ અને એક બે છોકરાઓએ ત્યાં હતા. મને નવાઈ લાગી એ લોકોને કઈ રીતે ખબર પડી હશે?

“તે એમને ફોન કર્યો?” મેં કપિલ તરફ જોઈ કહ્યું, મારા અવાજમાં જરાક ગુસ્સો હતો.
“ના.” કપિલે ધીમેથી કહ્યું, એટલા ધીમેથી કે એ અવાજ માંડ મારા કાન સુધી પહોચ્યો.
“તો એમને કઈ રીતે ખબર પડી?”
“એ હું પછી સમજાવીસ.”

હું એને કઈક કહેવા જતી હતી પણ એટલામાં મારા પપ્પા ત્યાં આવી ગયા.
“આભાર યંગમેન.” તેમણે કપિલ તરફ જોઈ કહ્યું.
“ઈટ વોઝ માય ડ્યુટી ટુ સેવ માય કલાસમેટ.” કપિલે જરાક હસીને કહ્યું.
“ઈટ ઇઝ યોર ગ્રેટનેસ.” પપ્પાએ કહ્યું, પપ્પા આમતો દસ પાસ હતા પણ આખો દિવસ ફોરેસ્ટ ઓફિસરો સાથે રહેવાનું થતું એટલે સારું એવું અંગ્રેજી બોલી અને સમજી લેતા.
અમે બધા વાતો કરતા હોસ્પિટલ બહાર આવ્યા. આજે વાતાવરણ શાંત હતું. આકાશમાં કોઈજ વાદળ ન હતા. હું ઘરે આવ્યા પછી કદાચ આ પહેલો દિવસ હતો જયારે વાતાવરણ હમણા જ વરસાદ આવી જશે એવી આગાહી ન હતું આપી રહ્યું.

પપ્પા એ દિવસે લાલ પીળા પટ્ટાવાળી શિકારી જીપ લઈને આવ્યા હતા, હું સમજી ગઈ મારા સમાચાર સાંભળી તેઓ હાફળા ફાફળા હોસ્પિટલ જ આવ્યા હશે, એમને ઘરે જઈ ગાડી બદલવાનું યાદ નહિ આવ્યું હોય. હું ખુશ હતી કદાચ આ બહાને પણ પપ્પાને સરકારી ગાડી નો વ્યક્તિગત ઉપયોગ કરવાની આદત તો પડી હતી.
તેઓ જીપ તરફ ગયા, મને કોલેજની એ ત્રણેક છોકરીઓ અને બે છોકરાઓ ઘેરી વળ્યા.
“હવે કેવું છે?” બધા પૂછવા લાગ્યા.

“સારું છે, આભાર.” મેં કહ્યું.
“પણ કેમ કરતા…” અશ્વિની કૈક પૂછવા જતી હતી પણ કપિલે વચ્ચેજ તેને અટકાવી કહ્યું, “એ કાલે કોલેજ આવે ત્યારે કેફેટેરિયામાં બધું પૂછી લેજો અત્યારે એને આરામની જરૂર છે.” અને ખરેખરે મને આરામની જરૂર હતી, હોસ્પિટલમાંથી છુટ્ટી મળી જાય એટલે મેં કહ્યું તું કે હું ઠીક છું બાકી થોડુક માથું હજુ ભારે હતું. મને થયું કપિલને મારી કેટલી ફિકર છે, એ મારી લાગણીઓને સમજે છે. જરૂર અમારા વચ્ચે કોઈક તો સંબંધ છે.

“બાય, નયના.” કહેતી અશ્વિની મારા તરફ વેવિંગ કરતી ચાલી ગઈને એની પાછળ કિંજલ પણ, ને પેલા બંને છોકરાઓ પણ, એમના ચહેરા ઓળખીતા હતા, એ મારી કોલેજના જ હતા પણ મને એમના નામ ન હતી ખબર. હા એમાનો એક પાતળો છોકરો કદાચ કપિલનો બેસ્ટ ફ્રેન્ડ હતો. કિંજલે એનું શું નામ કહ્યું હતું… રોહિત.
“હવે મારે પણ જવું જોઈએ.” એ બધા ગયા એટલે કપિલે કહ્યું, એને ખબર હતી કે મમ્મી પપ્પા કાર પાસે રાહ જોઈ રહ્યા હતા.

“એ બધા સવાલોના જવાબ?” મેં હોસ્પિટલ તરફ જોતા કહ્યું. હું જે હોસ્પીટલમાં ત્રણ કલાક રહી હતી એને હવે જોઈ રહી હતી. હું આવી ત્યારે તો મારી આંખો બંધ હતી. હોસ્પિટલનો બહારનો દેખાવ જ ભવ્ય હતો, એ ત્રણેક માળની હતી, એમાય ઉપરના બંને માળ તો જાણે કાચમાં મઢેલા હતા. કાચથી બનાવેલા કોઈ મોટા જાયન્ટ જેમ એ અડીખમ ઉભી હતી. એના બહારના દેખાવ અને ભપકા પરથી મને લાગ્યું કે એમાં મારી ટ્રીટમેન્ટ વીસેક હજારે તો પહોચી જ ગઈ હશે. શહેર નાનું હોય કે મોટું, હોસ્પિટલોના ભાવમાં કોઈ જ ફરક નથી પડતો. આપણા દેશમાં ડોક્ટરોની અછત હોવાનું આ એક ખરાબ પરિણામ છે. મેં વિચાર્યું.
“કયા સવાલો? એ બધું ધેનની અસર છે, કાલ સુધીમાં તું બધું સમજી જઈશ.” કપિલે મારા તરફ જોઈ હસીને કહ્યું.

“ઓકે, હું જાઉં અને જો હું કાલ સુધીમાં ન સમજુ તો મને સમજાવવું પડશે?”
“હા, ચોકસ.” કપિલે કહ્યું અને તે મારી તરફ પીઠ ફેરવી ચાલવા લાગ્યો. હું એને જોતી રહી, પણ મને અચાનક ખયાલ આવ્યો કે મમ્મી પપ્પા સામે જ કારમાં મારી રાહ જોઈ રહ્યા હતા એટલે હું ઉતાવળે એ બાજુ ફરી અને કાર તરફ ચાલવા લાગી.

મારે એને જતા જોવો હતો, એ સામેની બિલ્ડીંગ સુધી જઈ આડા રોડે ડાબી તરફ વળે ત્યાં સુધી મારે એને જોવો હતો પણ બસ મને એને દસેક ડગલા એ તરફ જતા જોવાનો મોકો જ મળ્યો, એને બિલ્ડીંગ પાસે આડા રોડે ડાબી તરફ વળતા હું ન જોઈ શકી. મમ્મી પપ્પા કારમાં મારી રાહ જોઈ રહ્યા હતા. હુ એમને ખબર પડવા દેવા ન હતી માંગતી કે કોલેજના પહેલા જ દિવસે એમની દીકરી ફ્લેટ થઇ ગઈ હતી. પહેલે જ દિવસે એ કોઈના પ્યારમાં ડૂબી ગઈ હતી. મારા મમ્મી પપ્પા ફ્રી માઈન્ડ હતા એટલે ખબર પડે તોય કાઈ વાંધો ન હતો. મમ્મી તો મને કહેતી જ બેટા લવ થાય તો એરેન્જ મેરેજની લાલચ ન કરતી. પણ કોલેજના પહેલા જ દિવસે એ જરા ઠીક ન હતું, તેઓ મારા લવને લસ્ટ પણ સમજી શકે. કદાચ હું મુંબઈમાં રહી બગડી ગઈ છું એમ પણ સમજી શકે.

અચાનક વિચારોના લીધે મારું ધ્યાન ન રહ્યું કે પછી મારા મગજ પર હજી દવાનું ઘેન હતું, મારો પગ રસ્તા પર પડેલ એક પથ્થર સાથે ઠેસે આવી ગયો ને હું લથડી ગઈ, મેં મારું સમતુલન ગુમાવી નાખ્યું, ફરી એકવાર હું પડી રહી હતી, અને કદાચ આ વખતે કપિલ ખરેખર મારાથી બહુ દુર હતો એ મને પડતા બચાવવા ત્યાં ન હતો.

મારી મમ્મી મારા પપ્પા સાથે કૈક વાત કરી રહી હતી અને હમણા જ આવેલી એમ્બ્યુલન્સમાંથી એક ઘાયલ યુવતીને બે સફેદ કપડાવાળા કમ્પાઉંડર સ્ટ્રેચર પર લઇ રહ્યા હતા.
મારું કમજોર શરીર જમીન સાથે અથડાવા જઈ રહ્યું હતું. પણ ત્યાજ જાણે એ કોઈ ફિલ્મી સીન હોય એમ મને એક મજબુત હાથે પકડી લીધી હું જમીન સાથે ન અથડાઈ. એજ હુંફાળા હાથની મજબુત પકડ મેં મારી કમર પર અનુભવી. મારા શરીરમાંથી વીજળીનો કરંટ પસાર થઇ રહ્યો હોય એમ મને લાગવા માંડ્યું.

“કેટલી વાર તને પડતા અટકાવવી પડશે?” કપિલે મારા તરફ જોઈ કહ્યું. હું એના હાથમાં હતી, હજી એજ પડતી સ્થિતિમાં, એ સ્થિતિમાં કે જો એ મને હજી છોડી દે એના એ હુંફાળા હાથની પકડમાંથી તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ મને જમીન તરફ ખેચીલે પણ એ શક્ય ન હતું, કપિલાકર્ષણ એટલું મજબુત હતું કે મને ગુરુત્વાકર્ષણ ખેચી શકે તેમ ન હતું. હું એની ડીપ ગોલ્ડ આંખોમાં ટાઈટેનીક દરીયામાં ડૂબ્યું એમ ડૂબી રહી હતી.
“હવે આ રીતે ક્યાં સુધી લટકી રહેવું છે?” કપિલે મને ત્યાં પણ ન ડૂબવા દીધી. એના અવાજે મારી જિંદગીના ટાઈટેનીકને એની ડીપ ગોલ્ડ આંખોના વમળમાં ડૂબતા બચાવી લીધું.

“હમમ..” કહેતા મેં સમતોલન મેળવવાનો પ્રયાસ કર્યો. હું એના ખભા પર હાથ ટેકવી, એના સહારે સ્થિર ઉભી થઇ, મારે થવું પડ્યું, મારું ચાલે તો હું જીવનભર ત્યાજ એમજ મૂર્તિ બનીને રહેવા માંગતી હતી. પણ એ કોઈ પ્રણયાલય ન હતું જ્યાં હું મારી મૂર્તિ ઉભી કરી નાખું, એ મ્યુન્સીપાલીટીનો રોડ હતો. ના છૂટકે પણ મારે પોઝીશન બદલવી પડી.
“તું કઈ રીતે અહીં? મેં તને હોસ્પિટલ ની પેલી તરફ જતા જોયો હતો.” મેં નવાઈથી કહ્યું.
“થેંક્યું કહેવાની નવી રીત છે?” એણે કહ્યું.
“થેન્ક્સ બટ હાઉ? મેં તને દુર સુધી જતા જોયો હતો.”
“યોર ફાધર…” એણે કહ્યું.

ત્યારે જ મને ખબર પડી કે મારા મમ્મી પપ્પાએ મને પડતા જોઈ હતી ને તેઓ ત્યાં આવી ગયા હતા, કમસે કમ મને કપિલે બચાવી એતો એમણે જોયુ જ હતું. અને હું એની ડીપ ગોલ્ડ આંખોમાં ડૂબી રહી હતી એ પણ.
“આર યુ ઓકે?” મમ્મીએ આવતા જ કહ્યું અને મને ભેટી પડી.
“ફાઈન.” મેં કહ્યું, મારી આંખો હજી કપિલ તરફ હતી. એ પપ્પા સાથે વાત કરી રહ્યો હતો. એ લોકો શું વાત કરી રહ્યા છે એ હું સંભાળવા માંગતી હતી પણ મમ્મી મારો હાથ પકડી કાર તરફ લઇ જવા લાગી. મમ્મીને કદાચ એમ લાગતું હતું કે હું ફરીથી પડી જઈશ. મારે અનાયાસે પણ મમ્મી સાથે કાર તરફ જવું પડ્યું.

હું અને મમ્મી કારમાં બેસી પપ્પાની રાહ જોવા લાગ્યા. પપ્પા હજી સુધી કપિલ સાથે કઈક વાતો કરી રહ્યા હતા, છેલ્લે પપ્પાએ એની સાથે હેન્ડ સેક કર્યો અને કાર તરફ આવ્યા. કપિલ ફરી આ તરફ પીઠ ફેરવી ચાલવા લાગ્યો. સારા નસીબે મને એ વખતે એને છેક બિલ્ડીંગથી આગળ સુધી જતો જોવાનો મોકો મળ્યો.

પપ્પાએ આવી કાર સ્ટાર્ટ કરી અને અમે ઘર તરફ ચાલ્યા. મારા મનમાં એ વખતે પણ હજારો સવાલ હતા. પપ્પાએ એને શું કહ્યું હશે? એ દુર હતો, મેં એને દુર જતા જોયો હતો, એ એક પળમાં મારી પાસે કેવી રીતે આવ્યો? એ અમારા ઘરના બગીચામાં કેમ આવ્યો? અને આજે હોસ્પીટલમાં મેં એની આંગળી પર એજ નક્ષત્ર કંડારેલી વીંટી જોઈ હતી, એજ વીંટી જે એની મમ્મીની આંગળીમાં હતી… એજ વીંટી જે અશ્વિનીની આંગળીમાં હતી… આ બધા લોકો આવી ચાંદીની વીંટી કેમ પહેરતા હશે? એ કયું નક્ષત્ર હતું? મેં એ સંદેશ… નહી ગુજરાત સમાચારની પૂર્તિ ધર્મલોકમાં જોયું હતું… ને મેં એને નહોતું કહ્યું તો એને કઈ રીતે ખબર પડી કે હું છોડ પરથી એને તડકો મળે એ માટે પાંદડા હટાવવા ઇચ્છતી હતી? ને એ શું છુંપાવતો હતો? એ કેમ ખોટું બોલ્યો કે મે જ એને કહ્યું હતું? મને યાદ છે હું ઘેનમાં ન હતી….

***

હું ત્રણ દિવસ સુધી કોલેજ ન જઈ શકી. હું જવા માંગતી હતી અને જઈ શકું તેમ પણ હતી. લગભગ દવાખાનેથી ઘરે આવી એ દિવસ સાંજ સુધીમાં હું પહેલા જેવી થઇ ગઈ હતી.
આમેય મને જેર ચડ્યુ જ ન હતું. ડોકટરોનું કહેવું હતું કે હું ડરને લીધે બેભાન થઇ ગઈ હતી બાકી એ સાપ ઝેરી હતો જ નહી. મારા લોહીના ટેસ્ટમાં એક મીલીગ્રામ પણ ઝેરની અસર ન હતી. મને પણ નવાઈ લાગી રહી હતી કેમકે ભલે બેલા સાપ ઓછા જેરી હોય છે પણ એનો મતલબ એ નહી કે એમનામાં બીલકુલ ઝેર નથી હોતું. કદાચ એની ઝેરની કોથળી ખાલી હશે?

એણે એના ઝેરનો ઉપયોગ આગળના દિવસે જ કોઈક પ્રાણીથી પોતાની જાતનું રક્ષણ કરવા કરી નાખ્યો હશે. કદાચ પોતાના શિકાર પર એણે બધું ઝેર વાપરી નાખ્યું હશે. જે હોય તે હું બચી ગઈ હતી. મને ઝેરની અસર નહોતી થઇ પણ મમ્મીનું માનવું હતું કે ગમે તેમ તોયે સાપ કરડ્યો છે બે દિવસ આરામ તો કરવો જ પડે એટલે મારે બે દિવસ ઘરે આરામ કરવો જ પડ્યો.
એ બે દિવસ મારી પાસે કોઈ જ કામ ન હતું. બસ આખો દિવસ પથારીમાં સુઈ રહેવાનું. પાણીએ મમ્મી લાવીને આપતી હતી. મેં એ બે દિવસનો સદુપયોગ કપિલ વિશે વિચારવામાં કર્યો.

સાચું કહું તો એના વિચારોને મારા મગજમાંથી નીકળવામાં કર્યો. પણ બે દિવસની સતત મહેનત બાદ પણ હું નિષ્ફળ રહી. ત્રીજા દિવસે હું કોલેજ જવા તૈયાર થતી હતી ને મારા મનમાં એનાજ વિચારો હતા. આજે કોલેજ જઈ એને મળીશ. એનાથી વાત કરીશ. એનો સારી રીતે અભાર માનીશ. તો વળી ક્યાંક ડર પણ હતો. એ કોલેજ આવ્યો તો હશેને? કિંજલ કહેતી હતી કે એ અઠવાડિયાઓ સુધી અમુકવાર ગેરહાજર રહે છે. એ અઠવાડિયા સુધી કોલેજ નહિ આવ્યો તો?

જેમ તેમ કરી હું મારા વિચારોને ખંખેરી, મારા વાળને ઉપર પોનીટેલમાં બાંધવાને કે પફ કોમ્બ કરવાને બદલે એમને ખુલ્લા રાખી કોલેજ તરફ નીકળી. મેં મારી લકી ટી-શર્ટ પહેરી, એજ પર્પલ હાફ સ્લીવ. મારે આજે કઈક અલગ દેખાવું હતું, કઈક ખાસ દેખાવું હતું, ભલે અઢાર વરસ બે મહિનાને અગિયાર દિવસ મારા પર કોઈએ ધ્યાન ન આપ્યું પણ એ દિવસે મારે કોઈકના ધ્યાનમાં આવવું હતું. કપિલ.. બસ હું કોલેજ જાઉં, કલાસમાં પગ મુકું અને મારી બેંચ સુધી જાઉં ત્યાં સુધી એ મને દેખતો જ રહી જાય.
મારે સુંદર દેખાવું હતું, આમતો મારી પાસે એક નવી પિંક હુડી ટી-શર્ટ હતી જે મને વધુ સ્લીમ અને સુંદર દેખાડી શકોત પણ મેં એ દિવસે એ લકી ટી-શર્ટ પહેરવાનુ જ પસંદ કર્યું. પ્રેમમાં નસીબની જરૂર પડે છે નહિતર લેલા મજનું અને સીદી ફરાદ જેવાએ નસીબ વગર ક્યાં એકબીજાને મેળવી શક્યા હતા??

મને ત્યારે ક્યાં ખબર હ્તી કે જે લેલા મજનું અને સીદી ફરાદના હું દાખલા આપતી હતી એમનાથી પણ અમારા પ્રેમનો અંત વધુ કરુણ લખેલો હતો. મને ક્યાં ખબર હતી કે જે પ્રેમના હું સોનેરી સપના દેખતી હતી એનો અંત ભગવાને કાળી શાહીથી લખ્યો હતો.

હું કોલેજ જવા માટે ઘરથી નીકળી, કદાચ એ દિવસે હું એકલી ન હતી મારી સાથે મારી આંખોમાં હજારો સપના હતા, મનમાં આશાઓ અને દિલમાં કપિલ હતો. એ દિવસે મને એમ લાગ્યું કાશ હું પણ કપિલની જેમ કાર લઈને કોલેજ જતી હોત તો ફટાક દઈને કોલેજ પહોચી જાત અને એને મળી શકોત. કાર નહી તો કમસે કમ અશ્વિની જેમ એકટીવા મારી પાસે હોત તોયે હું અડધા કલાકને બદલે પાંચ મિનીટમાં મારો સુંદર ચહેરો એને બતાવત.

સાચું કહું તો એ દિવસે મને લાગતું હતું કે ભગવાને મને પંખો કેમ નથી આપી? હું ઝડપથી ચાલતી હતી. રોજ મને સુપર માર્કેટ સુધી પહોચતા પંદર મિનીટ થતી એને બદલે એ દિવસે હું દસ જ મિનીટમાં ત્યાં પહોચી ગઈ. મારું હૃદય જોરથી ધડકતું હતું. કદાચ ઉતાવળે ચાલી એટલે?
લગભગ રોજ કરતા દસેક મિનીટ વહેલી હું કોલેજ પહોંચી ગઈ. કોલેજના દરવાજામાં દાખલ થઇ એટલે મને જરાક ગભરાહટ થવા લાગી. હું એને શું કહીશ? થેન્ક્સ કહીને વાતચીત ચાલુ કરીશ? પણ એ વેલકમ કહેશે એટલે વાત પતિ જશે… એટલામાં તો એનો ચહેરોયે મને બરાબર નહીં દેખાય, તો શું કહું?
મને કઈ સુજતુ ન હતું.

તું વાત તો ચાલુ કર એ તો આપોઆપ લંબાઈ જશે. કઈ બધા વાતચીત કરતા પહેલા નક્કી નથી કરતા કે શું વાત કરવી? જરાક હિંમત રાખ નયના, આમાં આટલું બધું ગભરાવાની જરૂર નથી. હું મારી જાતને હિંમત આપી રહીં હતી. હું ગેટમાં દાખલ થઇ અને કેફેટેરિયા સુધી આવી, કેટલાયે છોકરા છોકરીઓ આમ તેમ ફરતા હતા પણ મને કપિલ દેખાયો નહી. મને થયું આજે નહી આવ્યો હોય? ના,ના, લોકરરૂમમાં હશે કે પછી જીમમાં હશે. અમારી કોલેજમાં એક નાનકડું જીમ હતું. મોટા ભાગે તો ખાલીજ પડ્યું રહેતું.

લોકરરૂમ તરફ જવા મારા પગ ઉતાવળા થયા. હું ઝડપથી એ તરફ ચાલવા લાગી પણ આજે રસ્તામાં હજારો અવરોધ હતા. જે મળે તે પુછતું હતું શું થયું હતું? કેમ ત્રણ દિવસથી દેખાતી ન હતી? સારું થયું હું ત્યાં નવી હતી ને મને કોઈ ખાસ ઓળખતા ન હતા એટલે મારે માત્ર ત્રણ ચાર મારા કલાસના છોકરા છોકારીઓને જ જવાબ આપવા પડ્યા.
કેવી નવાઈની વાત હતી? જૂની કોલેજમાં મને કોઈ બોલાવવા વાળું ન હતું. અહી હું નવી હતી તોયે બધા મારા ખબર અંતર પૂછતાં હતા ને તોયે એ લોકો મારો સમય બરબાદ કરી રહ્યા હોય એમ મને લાગતું હતું? એક પળ માટે મને થયું કદાચ હું ઘમંડી બની ગઈ હતી? કદાચ હું લોકોને નજર અંદાજ કરવા લાગી હતી?

હું એ બધાને ટૂંકા જવાબ આપી ફટાફટ લોકરરૂમ તરફ ગઈ. દુરથી જ મને કપિલ દેખાયો. હાશ, મેં એક હાશકારો અનુભવ્યો એ આવ્યો હતો. એ ગેરહાજર ન હતો. કિંજલે કહ્યું એમ તે અઠવાડિયા માટે ગાયબ ન હતો.
કપિલ એના પેલા પાતળા મિત્ર સાથે કઈક વાત કરી રહ્યો હતો. મને એનું નામ યાદ ન હતું. હજી મને એનું નામ એક જ વાર સાંભળવા મળ્યું હતું. કિંજલે મને એનું નામ કહ્યું હતું પણ કોણ જાણે કેમ મને એ યાદ ન હતું. હું ચહેરા યાદ રાખી લેતી પણ નામ મને જલ્દીથી યાદ ન રહેતા, આ પણ મને મારી મમ્મી તરફથી વારસામાં મળેલી અનેક ખામીઓમાની એક હતી.
હું એ તરફ જવા લાગી. હજુયે કપિલનું ધ્યાન મારા તરફ ન હતું ગયું. એણે બ્લુ જીન્સ પર સફેદ શર્ટ પહેરેલ હતું. કદાચ મેં એના ચહેરાને બરાબર જોયો ન હતો કે મને યાદ ન હતું પણ મારા સપનામાં પણ એ જો એ જ હોય તો આજ કપડામાં આવતો.

બસ ત્યારે એના હાથમાં સફેદ અને લાલ ગુલાબનું એક બકેટ હોતું. હું મારા સપનાના સોદાગરને મારા સામે જોઈ રહી હતી, મેં એની સુંદરતા જે વોટરફોલ પાસે ભેડા ઘાટ પર જોઈ હતી એનાથી પણ એ સુંદર લાગી રહ્યો હતો. એના હાથમાં એજ નક્ષત્ર કંડારેલ વીંટી હતી. મને હતું કે હમણાં હું એને યુનિક વેમાં પ્રપોસ કરીસ અને સ્વપ્નની જેમ એ મને પૂરી કોલેજ વચ્ચે ચુંબનના વરસાદમાં નવડાવી દેશે. હું પણ એને એટલા જ ચુંબન આપીશ એટલો જ પ્રેમ આપીશ જેટલો હું એને સ્વપ્નમાં આપતી, હું કદાચ દિવસે સપના દેખવા લાગી હતી કેમકે હું જાણતી હતી કે એ બધું કોલેજમાં બધાની વચ્ચે શક્ય ન હતું,… કાસ એ મારા સપનાની જેમ ભેડા ઘાટ પર હોત! એ જગ્યા એકાંત છે અમે ત્યાં હોત તો વાત અલગ હતી. હું છેક્થી જ ડે ડ્રીમર હતી અને એમાય કપિલને જોયા બાદ તો લ્યુંસીડ ડ્રીમર થઇ ગઈ હતી એમ કહી શકાય.

એ તેના એ સુકલકડી મિત્ર જોડે વાત કરી રહ્યો હતો. અશ્વિની પણ ત્યાં હતી એ કપિલ ઉભો હતો એનાથી બે લોકર છોડીને ત્રીજા એટલે કે બેતાલીસ નંબરના લોકર પાસે ઉભી હતી, કદાચ એ પોતાના સ્પોર્ટના કપડા અંદર મૂકી રહી હતી.

મારું લોકર તેતાલીસ નંબરનું હતું એટલે મને ખબર હતી કે એ પોતાના સ્પોર્ટના કપડા લોકરમાં રાખતી, પહેલા દિવસે મેં એને જોઈ હતી. હા ત્યારે મને એનું નામ ખબર ન હતી એના નામનો પરિચય મને કિંજલે લંચ ટાઈમ દરમિયાન કેફેટેરિયામાં કરાવ્યો હતો.

“હાય.” મેં કપિલ પાસે જઈ કહ્યું. મને હવામાં એક અલગજ સેન્ટ ફેલાયેલું હોય એવું લાગતું હતું. હું મેટલના બનેલા એ ડમ્બ લોકરો વચ્ચે ઉભી હતી, જેમાંના ઘણાને તો કાટ ચડી ગયો હતો અને ખોલવા પણ મુશ્કેલ હતા છતાં મને એવું લાગતું હતું જાણે કે હું કોઈ ફૂલોથી ભરેલા બાગમાં ઉભી હોઉં, અને એ દરેક ફૂલ વસંતના આગમન સાથે ખીલી ઉઠ્યા હોય. જાણે હું એને કહેવા માંગતી હતી કે તે મને શું કર્યું છે? કયું કામણ લગાવી ગયો છે તું? આટલા દિવસોથી તું મને મારા સપનોમાં આવીને સતાવતો હતો અને હવે આમ અચાનક મારી આંખો સામે આવી ગયો.

સપનામાં અલગ વાત હતી, પણ વાસ્તવિકતામાં હું તારી સામે હોઉં ત્યારે હું હોશ ખોઈ બેસું છું મને મારું ભાન નથી હોતું, સાચેજ મને મારી જાતનું ભાન નથી હોતું, તને જોતાજ હું ફરી સપનાઓની દુનિયામાં ખોવાઈ જાઉં છું. કેમ કપિલ કેમ?
તુજ મને કહે તને જોયા પછી હું દિલને કઈ રીતે કાબુમાં રાખું? મારી જાતને તારા વિચારોથી દુર રાખવી મારા માટે કેમ મુશ્કેલ છે? હું કેમ તારા ખયાલોમાં જ ખોવાયેલ રહું છું? કેમ તું રોજ મારા સપનામાં કોઈ ચોરની જેમ આવે છે અને ચહેરો પણ બતાવ્યા વિના મારું હ્રદય ચોરીને જતો રહે છે?

હું ફરી એક વાર મારી જાત પર હસી, હું કદાચ મજનું બની રહી હતી. પણ મારા હાયનો જવાબ ન આવ્યો. મારા ગ્રીટિંગનો કોઈ જવાબ ન આવ્યો એટલું જ નહી પણ કપિલે મારી તરફ જોયુ જ નહિ. એકપળ માટે મારી બધી ખુશી મરી ગઈ, મારી બધી હિંમત તૂટી ગઈ. ના, ના, એણે સાંભળ્યું નહી હોય.

“હાય.” મેં ફરી કહ્યું, આ વખતે થોડા ઊંચા સ્વરમાં.
“નયના તને બોલાવી રહી છે.” તેના પેલા સુકલકડી મિત્રે કહ્યું ત્યારે એણે મારી તરફ જોયું.
“હા શું હતું?” એણે મને સામે હાય કહેવાને બદલે સવાલ કર્યો.
“હું થેંકસ કહેવા માંગતી હતી.” મેં મારી લાગણીઓના ઉભરાને રોકી રાખતા કહ્યું.

“એ તો તે ગઈ કાલે જ કહી દીધું હતું, હવે તું જઈ શકે છે.” કપિલે કહ્યું, એના ચહેરા પરના ભાવ વાંચી સકવા અશક્ય હતા, કદાચ એનો ચહેરો ભાવશૂન્ય હતો, પણ… પણ મારું હ્રદય તો ભાવશૂન્ય ન હતું… મને એમ લાગ્યું જાણે કે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય… મને એમ લાગ્યું જાણે મારા નાનકડા હ્રદયને કોઈએ પોતાની મજબુત મુઠ્ઠીમાં દબાવી નાખ્યું હોય… એક પળ પહેલા મારું હૃદય જે આખા બાગની સુવાસને ફૂલોના રંગ ભરીને બેઠું હતું એ એક્પળમાં કોરા કાગળ જેવું બની ગયું, એમાંના સપના ઉડી ગયા જાણે કે હવાના તૂફાનમાં સુકા પાંદડા ઉડી જાય, એમાંના સપના એમ વિખેરાઈ ગયા જેમ પાણીમાં પલળતા કાગળ પરની સહી.

મને એકાએક ખયાલ આવ્યો કદાચ મારા પપ્પાએ એને કઈક ખોટું લાગ્યું હોય એવું કહ્યું હશે.
“શું મારા પપ્પાએ તારી કોઈ લાગણી દુભાવી હતી? જો એવું હોય તો હું તારી માફી માંગું છું એમના વતીથી.” મેં ગળગળા અવાજે કહ્યું.

“એવું કાંઈજ નથી, બસ આપણા વચ્ચે દોસ્તી થવી જ ન હતી જોઈતી.. મારે તને મળવું જ ન હતું જોઈતું. બધી જ છોકરીઓ એક જેવી હોય છે… આઈ હેટ ગર્લ્સ.” એણે એજ કોઈ જ લાગણી વગરના અવાજે કહ્યું,
હું એનાથી પ્રેમના સપના દેખી રહી હતી અને એને મારાથી દોસ્તી કર્યાનો પણ અફસોસ હતો…!! મને મળ્યાનો એને અફસોસ હતો, જે ચહેરાને હું સજાવીને લાવી હતી એ ચહેરો જોયાનો એને અફસોસ હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે હું શ્વાસ લેવાનું ભૂલી રહી હતી, મારા હ્રદયને ઓક્સીજન મળતો બંધ થઇ ગયો હતો, જાણેકે હું મરી રહી હતી, કદાચ એ સમયે મને એટલું દર્દ થઇ રહ્યું હતું જેટલું સાપ કરડ્યો ત્યારેય ન થયું હોય.

“તું કેમ મને આમ ઇગ્નોર કરે છે.” મેં માંડમાંડ મારો શ્વાસ પાછો મેળવતા કહ્યું.પણ એણે કઈ જવાબ ન આપ્યો, એ જીમ તરફ ફરી ચાલવા લાગ્યો…..
મને કઈજ સમજાઈ ન હતું રહ્યું, એક પળમાં શું થઇ ગયું? કેમ એ મને આમ અપમાનિત કરી રહ્યો હતો?

“જો મને આમ તડપાવીને મારવી હતી તો મને બચાવીજ કેમ? મને મરવા દેવી હતી ત્યાં? તે મારાથી દોસ્તી કરી જ કેમ? તું મારા ઘરે જ કેમ આવ્યો?” મેં એટલા જોરથી કહ્યું કે આસપાસ ઉભેલા બધા સ્ટુડેન્ટસ મને જોવા લાગ્યા, સામાન્ય રીતે મને બહુ જ શરમ આવતી, મને બહુજ ડર લાગતો પણ એ દિવસે મને કેટલીયે આંખો જોઈ રહી હતી પણ મને ડર ન લાગ્યો.
“કેમકે હું કોઈને મરતા નથી જોઈ શકતો એટલે જ મેં તને બચાવી નહીતર પુછીલે કોલેજમાં કોઈને પણ હું ક્યારેય કોઈ છોકરીથી દોસ્તી નથી કરતો.” એના અવાજમાં જરાક ગુસ્સો હતો.
“પણ કેમ? એવું તો છોકરીઓએ શું કર્યું છે કે તું બધી છોકરીઓને નફરત કરે છે?” મેં કહ્યું.

“એ બધું મારે કોઈને કહેવાની જરૂર નથી.” કહી એ ઉલટો ફરી ચાલવા લાગ્યો.
મને નર્વસ લાગ્યું. મને કેટલીયે આંખો જોઈ રહી હતી પણ એ કેટલીયે આંખોની જાણેકે મને કોઈજ ચિંતા ન હતી, પણ જે આંખોની ચિંતા હતી એ આંખોએ પાછળ ફરી મારા તરફ જોયુ જ નહી. એને જતો જોવો મને ગમતો, હું એને જતો જોવા માંગતી હતી પણ મારી આંખોંમાં ઝળઝળિયાં આવ્યા જેમણે મને એને જતા જોતો અટકાવી.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે…..

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment