“પલ…” – દસ વર્ષ પછી આલોક અને પલ એકબીજાને મળ્યા હતા.. વાંચો શું થયું..

197

આલોક ધીમેથી બોલ્યો : “પલ…”

વ્હેલી સવારનો સાવ નાજુક-નમણો સમય !શહેરનાં છેવાડા બગીચાને છેવાડે ખૂણે અટૂલા પડેલાં બાંકડા પરથી છટકી જાવા મથતો સમય… સમયને ય જાણે હવે મૂંઝારો થવા લાગ્યો. કંઈ કેટલોય સમય વિત્યા પછી આલોક અચાનક બોલ્યો : “પલ….” આલોકનો અવાજ જાણે નીકળ્યો જ ન હોય એમ પળવારમાં સમી ગયો. ખુદ આલોક અનુભવી રહ્યો કે એનો અવાજ ગળામાંથી બહાર નીકળ્યો જ નથી. એને પોતાનાં અવાજ પર વિશ્વાસ ન આવ્યો. આ અવાજની જેમ એનાં કેટલાંય મનોભાવ સમી ગયા હતા.

હા ! દસ વર્ષ થયાં… પૂરા દસ વર્ષ…

આલોક અને પલ….

પલ અને આલોક

-ને પછી તો આલોક–પલ !!!

ફર્સ્ટ લેક્ચર શરૂ થવાનાં દોઢ કલાક પહેલાં રોજ આ જ બાંકડા પર આવીને બેસવું અને ખબર નહીં આ બાંકડો કેટલા લેક્ચર બંક થયાંનો સાક્ષી હશે ! આજે દસ વર્ષ પછી પણ એ જ બાંકડાની સાક્ષીએ આલોક ધીમેથી બોલ્યો : “પલ”

પણ મજા આવતી !

ખૂબ મજા આવતી.

આલોકને પલનાં ગાલ પરનાં ખંજન ખૂબ ગમતાં…. કેટલીય વાર સુધી પલનાં વ્હાલ નીતરતાં ચહેરાને જોયા કરતો. “પ્રિયકાન્ત મણિયાર”ની ખૂબ ગમતી કવિતાઓ યા “માય ડીયર જયુ”ની વાર્તાઓ વાંચતા–વાંચતાં પલનું ધ્યાન જાય ને અચાનક શરમાઈને આલોકનાં ગાલ પર એક નાનકડી થપાટ મારી દેતી. આલોક સાવ છળી મરતો – સાલું સમજાતું નહીં કે આ નટખટ સ્પર્શથી એને થાય છે શું ?

પણ ગમતું,

બન્નેને આમ પરસ્પર મજાક – મશ્કરી – મસ્તી – શરમ – છળી મરવું ખૂબ ગમતું, એટલે તો બેસતાં,કલાકોનાં કલાકો બેસતાં… બસ બેસી જ રહેતાં ! -ત્યારે ભાવ નીતરતી મુગ્ધતાથી બોલાવતો એટલી જ ભીનાશથીઆલોક બોલ્યો : “પલ”

પણ,

ત્રણ વર્ષ ક્યાં પૂરા થઈ ગયાં તેની ખબર જ ન્હોતી પડી…. થર્ડ યરનાં રિઝલ્ટને દીવસે છૂટા પડતી વખતે‌- આ ત્રણ વર્ષમાં પહેલી જ વાર એક બીજાને ભેટીને ખૂબ રડેલાં, એ પલ યાદ આવી ગઈ એટલે આલોક ધીમેથી બોલ્યો : “પલ…”

પલ તો સાવ જડવત હતી. જાણે સમાધીમાં હોય એમ.

હા, આવી જ સમાધી એકવાર આલોકને લાગી હતી. પહેલીવાર પલને જોઈ ત્યારે પલ એની એક્ટીવાને સેલ મારતી ‘તી. અચાનક જ આલોકની બાઈકને બ્રેક વાગી ગયેલી રોમ–રોમ સુંદર આ છોકરી –છોકરી નહીં,સૉરી.. ‘પરી’ -કેમ આમ રસ્તા વચ્ચે ? ને એ પણ એકલી? એને જોવામાં ને જોવામાં એ પણ ભૂલાઈ ગયું કે એ પરેશાન છે ને એને મદદ કરવી જોઈએ. પલે જરાક દયામણું મોં કરીને એને બોલાવ્યો ન હોત તો જોયાં જ કરત, આવી જ ભાવસમાધિમાં લીન થઈને… અત્યારે બન્નેને આવી જ ભાવ સમાધી લાગી હતી, ઉઘડતા દિવસની થોડી ફિકરથી જરા જાગૃત થાતાં આલોક ધીમેથી બોલ્યો : ”પલ” -ને એ શબ્દ જાણે હવામાં વિખરાઈ ગયો. કૉલજ-જીવનની કેટલીય ખટમીઠી યાદોની જેમ. કેન્ટીન પર ચા પીતાં એકવાર એક નટખટ મિત્રએ આલોકની પીઠ પર ધગધગતી ચા રેડી દીધી ને આલોક ચિત્કારી ઉઠેલો. જો કે એ એમની નિખાલસ મસ્તી હતી ને કદાચ રોજિંદી પણ. (જો કે આ જરા વધારે પડતી જ હતી) ખબર નહીં કેમ ? પણ પલથી આ સહન ન થયું… પેલા મિત્રનો તો ઉધડો જ લઈ લીધો. આલોક પોતે પણ હેબતાઈ ગયેલો પલનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને…

પલને જોઈને ક્યારેય આવું થયું જ નહોતું. એ વખતે તો આલોક પણ પલથી ડરવા લાગ્યો હતો, એટલી ઉગ્રતાથી પેલાને ઘમકાવી રહી હતી. મમતાથી કલાકો સુધી જોઈ રહેતો ત્યારે પલનાં આવાં ઉગ્ર સ્વરૂપની તો કલ્પના જ ક્યાંથી હોય ? શાંત બેઠી હોય ત્યારે બહુ જ પ્યારી લાગતી કલકલ વહેતી નદી જેવી નિતાંત, શાંત,સૌમ્ય ને સુંદર….. પણ અત્યારની શાંતિ આલોકને કળતી હતી. એનાં હાથની પકડ ઢીલી થવા લાગી હતી, પલ છૂટવા ન માગતી હોય એમ જડ હતી, જકડાએલી. ફરી એકવાર એ જ શાંત, નિતાંત, સૌમ્ય પલને પામવાઆલોક ધીમેથી બોલ્યો : “પલ”

દસ વર્ષ પછીનું પલનું આ મૌન અકળાવનારું હતું, પીડાદાયક હતું. દસ વર્ષ પછીની પલ વધુ શાંત થઈ ગઈ હતી, આ શાંતિ તોફાન પહેલાંની હતી કે શું ? કે કશા આક્રોશની ફલશ્રુતિ હતી ? કંઈ સમજાતું નહોતું. પણ આ મૌન કળતું હતું, અકળાવતું હતું. મૌનનો ભાર બહુ જીરવાયો નહીં એટલે આછા ચિત્કાર સાથે આલોક બોલ્યો : “પલ” પણ એના ચિત્કાર પર મૌનનું મોજું ફરી વળ્યું. દરિયાનાં મોજા પર કોઈ દરિયા-પંખીનો ટહુકાર શમી જાય એમ. સવાર ઘૂંટાઈને ઊગવા જઈ રહી હતી પૂર્વનાં આકાશમાં કેસરી ઝાંય દેખાવા લાગી હતી. બગીચાનાં વૃક્ષો પરનાં પંખીઓ જાગી ગયાં હતાં. ક્યાંક કોઈકનાં હોમથિએટરમાં મોટાં અવાજે વાગતુંશિવમહિમ્ન સ્તોત્ર સંભળાતું હતું. છાપાંઓ જાગવા લાગ્યાં હતાં. જરા–તરા જાગેલા અજવાળે આલોકને જાગૃત કર્યો – જરા ધ્યાનભંગ પણ કર્યું પણ પલ તો ખબર નહીં કેવી ધૂનમાં હતી ? જડ્વત હતી આંખો બંધ હતી. હાથ આલોકને વિંટળાએલા હતાં, બગીચાનાં દરવાજામાં દાખલ થતાં જ મધુમાલતિની વેલ આસોપાલવને વિંટળાઈને ઉભી છે એમ. આલોક એને પામવા મથતો હતો. પલની આંખોનાં ઉંડાણ કળાતાં નહોતા. એ ક્ળવા જ આલોક ધીમેથી બોલ્યો : “પલ”

ટી.વાય.ની ફાઈનલ એક્ઝામની રિસીપ્ટ સાથે જ પોતનાં લગ્નની કંકોતરી આલોકનાં હાથમાં મૂક્તા પલ શાંત થઈ ગયેલી, સાવ શાંત ! આલોક પણ મૂઢ બની ગયેલો. બેમાંથી એકેય કંઈ બોલી શક્યાં નહી પલને માટે આ પ્રેમનું બલીદાન નહોતું. પોતાનાં ભાઈની સગાઈ-લગ્ન કરાવવા માટેનો કરાર માત્ર હતો. આલોકને અંધાર ઘેરી વળેલો,પરીક્ષા માટે ‘બેસ્ટ લક’ પણ ન કહી શકાયું અને બન્ને છુટ્ટાં પડ્યાં. છુટ્ટાં પડતી વખતે પલનાં ચહેરા પર વેદનાનો શુમાર હતો ને આલોકને મૌસમની મુંઝવણનો ભાર….. ને વચ્ચે હતું અપરિમિત મૌન !!!

દસ વર્ષ પછીનાં મિલનની ક્ષણે આ મૌન એટલું જ તિવ્રતમ સંવેદન ઉપજાવી રહ્યું હતું. જાણે દસ–દસ વર્ષથી અકળ–અકથ–અકબંધ મૌન… દસ–દસ વર્ષથી જળવાયેલા આ મૌનને તોડવા આલોકનો વામણો ઉચ્ચાર : “પલ” જાણે કંઈ સંભળાયું જ નહીં !

લગ્ન પછી આલોકને એની પત્ની-વિધિ-એ સ્પષ્ટ કહ્યું કે “હું તપનને ચાહું છું, ને એના વગર નહીં જીવી શકું. ચાહો તો સાથે રહો, મને તરછોડી પણ શકો છો અથવા કોઈ અન્ય સ્ત્રી સાથે તમે સંબંધ પણ રાખી શકો છો, પણ મને તપન જોઈશે જ, નહિંતર….” પછીનું કાંઈ એને સંભળાયું નહોતું. આલોક સાગરકાંઠાંની રેત જેવો સુન્ન બની ગયો હતો. વિધિએ સાવ બેબાકપણે કહી દીધું,માણસ આટલો નિર્દયી કઈ રીતે બની શકે ? એને એનાં પ્રિયતમ પ્રત્યે લાગણી હોઈ શકે. એની ના નથી પણ એમાં પલનાં પ્રિયતમનો શું વાંક ? આલોકને તો આ સમજાતું જ નહોતું. છતાંય પરીવારનાં આગ્રહને વશ થઈને જે મળ્યું તે જીવન સ્વીકારી લીધું. નિત્યક્રમ હતો : તપન આવતો,આલોકની પત્નીને પોતાની સાથે લઈ જતો, પોતાની પત્નીની જેમ. આલોક બધું જ સ્વીકરી ચુક્યો હતો.

નિર્બળ નહોતો નિખાલસ હતો. પલને ગુમાવ્યા પછી બધું જ સહજ ભાવે સ્વીકારતો થયો હતો. જો કે પલને એણે મેળવી હતી એટલી તો ખુદ પલનો પતિ નિષધ પણ નહીં પામી શક્યો હોય. એણે “तेन त्यक्तेन भूंजीथा” માત્ર એસ.વાય.નાં પાંચમા પેપર પૂરતું સિમિત નહોતું રાખ્યું,જીવનમાં ઉતાર્યું- આચરણમાં ઉતાર્યું હતું. શરુમાં આલોકની પત્નીને થોડો કચવાટ થતો કે આલોક એનાં પ્રેમને નહીં સ્વીકારે તો ? પણ, એનો કચવાટ આલોકનાં વ્યક્તિત્વની સામે બહુ તુચ્છ સાબિત થયો. એ તો કાંઈ બન્યું જ ન હોય એમ સહજ જીવવા લાગ્યો. પુસ્તકો એના સાથીઓ હતાં, દર્દીઓ સંગી ! માત્ર સંગી જ નહીં સગાં જેવા- સગા જ કહો ને. એની ફેસબુક ટાઈમ-લાઈન કાવ્યપંક્તિઓ અને દર્દીઓ સાથેની સેલ્ફીઓથી ભરી પડી હતી. આલોક જાણે આલોક હતો જ નહીં, અંધકાર માનવદેહે અવતર્યો હોય એવો આલોક જાણે પલનો આલોક હતો જ નહીં. મશીનની જેમ જીવતો’તો. દુનિયા કરાવે એ ખેલ કર્યાં કરતો ‘તો. કોઈનાં પ્રત્યે કોઈપણ વેરભાવ નહિં, કોઈ ફરિયાદ નહિં, કે કોઈ અપેક્ષા ય નહિં… જીવન જાણે મૌન બની ગયું હતું. વિધિને તપન સાથે ફાવી ગયું હતું. આલોકને પોતાની એકલતા સાથે,એણે બન્નેનાં સ્નેહાળ સંબંધો સ્વીકારી લીધાં હતાં . એટલે તો બન્ને આલોકને દેવ માનતાં હતાં ને આલોક હતો ય ખરો ઈશ્વરની મૂર્તિ સમાન ધીર-ગંભીર અને મૌન…

હા,પલનું મૂર્તિ સમું મૌન આલોકને કળતું હતું. એક સમય હતો કે આલોકને પલનું મૌન ખૂબ ગમતું, અત્યારે પલ મૂર્તિ સમી લાગતી હતી કદાચ મૂર્તિ કરતાંય વધુ ગંભીર. પલનું ગાંભીર્ય આલોકને ભરડો લઈ રહ્યું હતું.શ્વાસમાં મૌન ખેંચાતું હતું ઉચ્છવાસમાં મૌન ફેંકાતું હતું. રગેરગમાં મૌન છવાઈ ગયું હતું. મૌનનો ભાર ન જીરવાતાં એકલતાની પીડાથી કણસીને આલોક ચિત્કારી ઉઠ્યો. પલ વર્ષોથી અંધ રહેલાં વ્યક્તિને જેમ આંખો મળે ને એ રંગને ઓળખી ન શકે. એમ વર્ષોની આલોકની એકલતા એનાં અવાજમાં ઘૂંટાઈને આવતી’તી. કદાચ એટલે જ આલોકનાં અવાજમાં દમ નહોતો રહ્યો. માંડ ધીમેથી બોલ્યો : “પલ” આંખે અંધારા આવી ગયાં… ના, ના આ તો વહેલી પરોઢનું અંધારું હતું. હજી પણ ઉજાસ નહોતો થયો. અત્યારે આ બગીચામાં છેલ્લાં બાંકડે પણ ઉજાસ નહોતો ને આમ પણ આ બન્નેમાંથી એકેયનાં જીવનમાં ક્યાં ઉજાસ હતો ?

પલને તો નિષધ મળ્યોએ ક્ષણે જ એનાં જીવનમાં અંધાર છવાઈ ગયેલો, સઘળું નિષિદ્ધ થઈ ગયેલું. લગ્નની પહેલી જ રાત્રે નિષધે પલને બધું જ કહી દીધું, સ્પષ્ટ સંભળાવી દીધું – “તારામાં ને મારામાં કોઈ ફરક નથી”. ભાઈનું લગ્નજીવન ટકાવી રાખવાં પોતાની બધી અપેક્ષાઓને મારીને પલે દસ-દસ વર્ષથી ચુપચાપ જીવ્યાં કર્યું. એનું સ્ત્રીત્વ જાણે હણાઈ ચુક્યું હતું. યૌવનથી ફાટ-ફાટ છલકાતું જોબન સાવ નિરર્થક જાણે ચારે કાંઠે ભર્યાં તળાવને કોઈ પંખીવછોયું કરી ગયું. ઉપરથી પિયરીયા-સાસરીયા, મિત્રો બધાં તરફથી અનહદ દબાણ : “કંઈક સારા સમાચાર આપો”શરૂઆતનાં ત્રણ–ચાર વર્ષ તો “હમણાં ઉતાવળ નથી”એ બહાને નીકળી ગયાં. છેલ્લાં પાંચેક વર્ષથી તો આ ખાલી આગ્રહ નહોતો, અત્યચાર થઈ પડેલો. બાધા,આખડી, દોરા-ધાગા, મંદીર, દેવળ… ઉફ્ફ્ફ્ફ….

પલની આ સ્થિતીને બલિદાન કહી શકાય ખરી ?પણ પલ તો આલોકને ગુમાવ્યાં પછી પરલોકનું જીવ. એને એનાં જેવી હજારો પલની ચિંતા થતી ને જીવને ભીતર-ભીતર કોરી ખાતી. છેલ્લાં દસ વર્ષથી એકધારા ઝીલેલાં ઘાવ પલના સમગ્ર વ્યક્તિત્વને બહેરું બનાવી ગયા. કોઈ ફરીયાદ ન હતી. આલોકની જેમ પલ પણ હવે આ નિત્ય પીડાથી ટેવાઈ ગઈ હતી. .એનું જીવન જાણે જીવન હતુ જ નહીં. અસ્તિત્વને ઓગાળી દીધું હતું વ્યવહારોમાં,અપેક્ષાઓને ઢબૂરીને જીવાવાનું શીખી લીધું હતું !

ટી.વાય.ની માર્કશીટ લઈને છુટ્ટાં પડ્યા ત્યારે નક્કી કર્યું હતું કે જીવનમાં ક્યારેય એકબીજાનાં સંપર્કમાં નહીં આવે. અને એટલે તો બન્ને એ સાથે જ -પોતાની જાતે જ એકબીજાનાં મોબાઈલમાંથી નંબર્સ પણ ડીલીટ કરી દિધેલાં. મિત્રોને પણ આ વાત આગ્રહથી સમજાવી દીધેલી એટલે જ વોટ્સએપનાં એક પણ ગૃપમાં આલોક-પલ કોમન નહોતાં. નક્કી જ કર્યું હતું કે કૉલેજ જીવન સાથે આપણું સહીયારું જીવન પૂર્ણ થયું. હવે માત્ર યાદોમાં જીવીશું. કારણ બહુ નજીવાં હતાં- ઘર,પરિવાર, સમાજ, સંસ્કાર… આલોક પોતાની પત્નીને અને પલ પોતનાં પતિને ખુશ કરવામાં જ જીવનની સાર્થક્તા માનશે એવાં કસમપૂર્વકનાં વચનો લાઈને બન્ને છુટ્ટાં પડ્યાં. ત્યારથી બન્નેનું જીવન મૌન…..

અલકનંદાનાં થીજી ગયેલાં પ્રવાહ જેવું હજ્જારો સૂર્યોને પ્ર્રતિબિંબિત કરતું મૌન, સેંકડો પંખીઓને પોષતાં વડલાએ ધરાણ કરેલું મૌન લાખો કોડભર્યાં ભક્તોનાં પગતળે કચડાતાં કોઈ મંદીરનાં પગથિયાં સમું મૌન…. મિત્રોની હાજરીમાં આલોકની સામે પલનું અને પલની સામે આલોકનું નામ બોલાઈ જાય ત્યારે એમનાં ચિત્કારથી છવાઈ જતું મૌન. બન્ને એક્બીજાંથી આવી રીતે જૂદેરાં થઈને જીવી લેવાની આદત પાડી દીધી હતી કે મજબૂરી હતી ? કંઈ સમજાતું નહોતું. જીવન ચાલ્યા કરતું ‘તું. પત્નીનાં પ્રેમીને પ્રેમથી આવકારતો આલોક ખરેખર માણસાઈનો ઉજાસ હતો. આલોકે તપનને પોતાનો અંગત મિત્ર બનાવી લીધેલો દુનિયાની નજરે બન્નેની મિત્રાતા બહુ ગાઢ હતી. અંગત જીવનમાં વિધિ–તપન પતિ-પત્ની હતાં. આલોક ઘણી વાર કહેતો કે તમે બન્ને લગ્ન કરી લો. વિધિ તરત કહેતી કે તમે અન્ય કોઈ સ્ત્રીને અપનાવી લો, આલોક ઈનકાર કરી દેતો ને એની આંખોમાં છવાઈ જતો સૂનકાર… અત્યારે વાતાવરણમાં છે એવો જ શૂન્ય સૂનકાર… કે આલોક ધીમેથી બોલે : “પલ” અને વાતવરણને બિલકુલ અસર જ ન થાય. અવાજને પણ ખાલી ચડે ? કળતર થાય ?

પલને નિષધ અનેકવાર કહી ચુક્યો હતો : “તું સ્વતંત્ર છે. તું શોધી લે તારો મન ગમતો પુરુષ, તને ગમે એને તું અપનાવી શકે છે‘ પણ સમાજનાં ડરથી ને ખાસ તો પોતાનાં ભાઈનાં સુખી દાંપત્ય જીવનને અકબંધ રાખવા માટે પલ મૌનનો શૃંગાર કરી લેતી.

ગઈકાલે ખ્યાતિ અચાનક જ આલોકને મળી ગયેલી જો કે ખ્યાતિએ એક-બે વાર તપન અને વિધિને બાઈક પર સાથે જોયેલાં પણ કાલે પૂછ્યાં વિના ન રહી શકી. ખૂબ આગ્રહ-પૂર્વક પુછ્યું. નહોતું જ કહેવુ છતાં આલોક બધું જ બોલી ગયો. દસ વર્ષનો ભારેલો અગ્નિ જાણે ભભૂકી ઉઠ્યો હતો. આલોકનાં ક્લિનીકમાં બેઠાં-બેઠાં જ બન્નેએ ખૂબ વાતો કરી. પલનાં જીવન અંગે પણ ખ્યતિએ આલોકને બધું જ કહ્યું અને છેલ્લે જતાં-જતાં ખ્યતિએ એક પ્રોમિસ માગ્યું, આલોકે આપવું ય પડ્યું. વિધિનો પણ ખૂબ આગ્રહ હતો એટલે અલોકે પ્રોમિસ પ્રમાણે કૉલેજકાળની પર મળવાનું કબૂલ્યું. ખ્યાતિએ કહ્યું હતું એ જ તારીખ ને સમયે. ખ્યાતિએ અગાઉથી પલને કહી રાખેલું. જો કે શરૂઆતમાં પલ પણ ના જ પાડતી હતી “હું આલોકને ફેસ નહીં કરી શકું.” આલોક પણ એમ જ કહેતો “મારાંથી પલની સાથે આંખો જ નહિં મેળવી શકાય.” એટલે જ તો આંખો બંધ રાખીને આલોક ધીમેથી બોલ્યો : “પલ”

સવારનાં પાંચનો સમય હતો. સાવ નાજુક સમય છેલ્લી પંદર મિનીટથી બાગનો છેલ્લો બાંકડો સાક્ષી હતો.. આલોક પલમાં સમાઈ ગયો હતો. પલ આલોકમાં ઓળઘોળ હતી. છેલ્લાં દસ વર્ષથી અહિં જ અકબંધ રહેલો સમય જાણે આ બાંકડા પરથી છટકી જાવા મથતો હતો. ક્યારેય એકબીજાને પ્રપોઝ નહીં કરી શકેલાં -જો કે એની જરૂર પણ નહોતી.. આ ક્ષણે પણ નહી. ભીની આંખે-ભીના હદયે દસ-દસ વર્ષથી સંઘરી રખેલા પ્રેમની તિવ્રતા મહેસૂસ કરી રહ્યાં હતાં -એકમેકમાં એકાકાર અને ઓળઘોળ થઈને. કયારનાં ય આમ જ ઉભા હતાં જાણે શિલ્પી હિરાધરની કોઈ સુંદર યક્ષકન્યાને આલિંગીને ઉભેલો સ્વર્ગનો કોઈ યક્ષ…

સમય પસાર નહતો થતો. સમય વહી રહ્યો હતો, યા કહોને વહેવાનાં વ્યર્થ પ્રયત્નો કરી રહ્યો હતો. થીજી ગયેલા સમયનાં ભારથી બન્ને ભીંજાઈ રહ્યાં હતા. દૂર ખૂણામાં બેઠેલો નિષધ ખ્યાતિનો હદયથી આભાર માની રહ્યો હતો. ખ્યતિ સમજતી હતી નિષધની પોતાનાં જેવી જ વંધ્ય સ્થિતિને (કદચ એટલે જ અપરણિત રહી હતી, ને અનેકવાર પૂછવા છતાં પલને એણે આજ સુધી કહ્યું જ નહીં) બાગનાં દરવાજે હાથમાં હાથ નાંખીને ઉભેલા વિધિ-તપન જેની રાહ જોઇ રહ્યાં હતાં. એ ઉજાસ હવે ધીમે ધીમે પથરાવા લાગ્યો. કોયલનો એક ટહુકો આંબાની ડાળ પરથી છૂટ્યોને વાતાવરણમાં પથરાઈ ગયો. એ ટહુકાની ભીની ખુશ્બૂ મહેસુસ કરતાં આલોક પલને ભાવસમાધીમાંથી જગાડવા મથતો હતો. પ્રગાઢ અલિંગનની ભાવ સમાધી હજુય ઢીલી તો નહોતી જ થઈ.

સૂર્યનું પહેલું કિરણ પારીજાતનાં પાનને ચુમી રહ્યું ને સામટાં સેંકડો દેવપુષ્પો ખરી પડ્યાં જાણે આ દિવ્ય-પ્રગાઢ મિલનને વધાવી રહ્યાં. પથરાતા અજવાસથી શહેર જાગૃત થયું હતું. પલની જાગૃતિ ઓસરતી જતી અનુભવી રહેલો આલોક ડરથી કણસી ઉઠ્યો, ગભરામણથી પીડાતા અવાજે બોલ્યો : “પલ…” પણ “પલ” શબ્દ ઉચ્ચારતાં જ પલનાં બંધ પડેલાં ધબકારનો અનુભવ થયો, છેલ્લો શબ્દ નીકળીને એનાં હોઠ પર જ થીજી ગયો એનાં ધબકારની જેમ… એ શબ્દ સાથે પલ-આલોક-પ્રેમ-અભરખા-સ્પર્શ-આલિંગન બધું જ બની ગયું અપરિમિત મૌન : “પલ…!”

લેખક :-
-ચિંતન મહેતા “સી.એમ.સરકાર”

પોસ્ટ :-
— વસીમ લાંડા “વહાલા”

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment