વેજીટેબલ કટલેટ કેવી રીતે બનાવશો ?

107

વેજીટેબલ કટલેટ એક ખુબજ સારો અને પૌષ્ટિક નાસ્તો છે, જે બહારથી કરકરો અને અંદરથી મુલાયમ હોય છે. આ વેજીટેબલ કટલેટને બટેટા અને ઘણી બધી લીલી શાકભાજી માંથી બનાવવામાં આવે છે. જયારે આ કટલેટને મસાલેદાર ફૂદીનાની ચટણી અથવા આંબલીની ખાટી મીઠી ચટણી સાથે ખાવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ અનેરો આવે છે. આ નાસ્તો બાળકો માટે ખરેખર શ્રેષ્ઠ અને સૌથી સારો નાસ્તો છે કારણ કે તેમાં મોટા ભાગના લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. જે બાળકો માટે ખુબજ લાભદાયક છે. તો ચાલો આજે અમે તમને ઘરે તમારી જાતે જ કઈ રીતે કટલેટ બનાવવી તેની રેસીપી જણાવીએ.

વેજીટેબલ કટલેટ બનાવવા માટેની સામગ્રી :

મસળીને છૂંદો કરેલા મીડીયમ સાઈજના 3 નંગ બાફેલા બટેટાનો માવો, તાજા કે ફ્રોઝન કરેલા ½ કપ લીલા વટાણા, તાજા કે ફ્રોઝન કરેલા1/3 કપ મકાઈના દાણા, ½ કપ બારીક સમારેલું ગાજર, ¼ કપ બારીક સમારેલું ફ્રેંચ બીન્સ, 1/3 કપબારીક સમારેલુ બીટ, 1 સમારેલું લીલું મરચું, 1 ટેબલ સ્પૂન સમારેલું આદૂ, ½ કપ બ્રેડક્રમ્બ, 2 ટેબલ સ્પૂન મેંદો, 1 બારીક સમારેલી નાની સાઈઝની ડુંગળી, ½ ટી સ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટી સ્પૂન ધાણાજીરું, ¼ ટી સ્પૂન હળદર, ½ ટી સ્પૂન ગરમ મસાલા પાવડર, 2 ટેબલ સ્પૂન બારીક સમારેલી લીલી ધાણાભાજી (કોથમીર), 1 ટી સ્પૂન લીંબુનો રસ, 2 ટી સ્પૂન તેલ, સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ.

વેજીટેબલ કટલેટ બનાવવા માટેની રીત:

૧.) એક કથરોટમાં મેંદો લઇ તેમાં આશરે ચારેક ટેબલ સ્પૂન પાણી નાખીને તેને સારી રીતે હલાવી મિક્સ કરી ચીકણી પેસ્ટ તૈયાર કરો.

૨.) હવે મીક્ષ્ચરના એક નાના બાઉલમાં આદુ અને મરચાને પીસીને તેની પણ પેસ્ટ બનાવી લો.

૩.) એક મીડીયમ સાઈઝના કુકરમાં આશરે ત્રણેક કપ પાણી લ્યો. પછી એક બાઉલમાં લીલા વટાણા, ગાજર, મકાઈ અને ફ્રેંચ બીન્સ મૂકી તે બાઉલને પાણી નાખેલ કુકરની અંદર મુકો.

૪.) હવે આ કુકરનું ઢાંકણ બંધ કરી તેને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી તેને મધ્યમ તાપ પર 8 થી10 મિનીટ સુધી પકાવા દયો. 8 થી10 મિનીટમાં કુકરમાં રહેલ તમામ શાકભાજી પાણીની વરાળથી બફાઈ જશે.

૫.)ગેસને બંધ કરી કુકરને નીચે ઉતારી કુકરમાં રહેલ વરાળ ઓછી થાય પછી કુકરનું ઢાંકણું ખોલી નાખો. જો કુકરમાં વધારે પાણી રહી ગયું હોય તો તેને ગળણીથી ગાળીને શાકભાજીને એક ડીશમાં કાઢી લો.

૬.) હવે એક કડાઈને ગેસ પર મૂકી તેમાં 2 ટી સ્પૂન તેલ નાખી ગેસને ચાલુ કરો. તેલ સારી રીતે ગરમ થઇ જાય પછી તેમાં સમારેલી ડુંગળી નાખો. જ્યારે આ ડુંગળી હલકા ગુલાબી રંગની થાય ત્યારે તેમાં ક્રમ નંબર 2 મુજબ તૈયાર કરેલ આદુ અને મરચાને પીસીને તૈયાર કરેલ પેસ્ટ નાખી તેને સારી રીતે હલાવી મિક્ષ કરો અને થોડી સેકંડ સુધી પકાઓ.

૭.) હવે તે કડાઈમાં કુકરમાં બાફેલ શાકભાજી, કાપેલું બીટ અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે હલાવી 3 થી 4 મિનીટ સુધી પકાવી તેમાં લાલ મરચા પાવડર, ધાણાજીરું, હળદર અને ગરમ મસાલા પાવડર નાખી તેને સારી રીતે હલાવીને મિકસ કરો. અને તેને એકાદ મિનીટ સુધી પકાઓ.

૮.) ગેસ બંધ કરી કડાઈમાં તૈયાર થયેલ મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લો. તેને 4 થી 5 મિનીટ સુધી ઠંડુ થવા દયો. પછી તેમાં મસળીને છૂંદો કરેલા ૩ બાફેલા બટેટાનો માવો, ¼ કપ બ્રેડક્રમ્બ, સમારેલી લીલી કોથમીર અને લીંબુનો રસ નાખી તેને સારી રીતે હલાવી મિક્સ કરો. તેને ચાખી જુઓ. જો જરૂર લાગે તો વધારાનું મીઠું અને લીંબુનો રસ નાખો.

૯.) હવે બટેટાના અને શાકભાજીના મિશ્રણના એક સરખા 9 ભાગ કરી લો. તેમાંથી એક ભાગ લઈને તેને બંને હથેળીની મદદથી ગોળ ગોળ બોલ જેવો બનાવો. હવે આ ગોળ બોલને બંને હથેળીની વચ્ચે રાખી તેને ધીરેથી દબાવીને ½ ઇંચ જેટલી સાઈઝનું લુવું બનાવો. (બજારમાં મળતા કટલેસ બનાવવાના કોઇપણ આકારના સાધનનો પણ ઉપયોગ કરી શકાય છે.)

૧૦.) આવીજ રીતે બાકીના આઠ ભાગને પણ ગોળ બોલ બનાવી લુવા તૈયાર કરી લેવા.

૧૧.) હવે એક નાની પ્લેટમાં ¼ કપ બ્રેડક્રમ્બ લઇ દરેક કટલેટને કોટ કરવા માટે પહેલા ક્રમ નંબર 1 મુજબ બનાવેલી પેસ્ટમાં ડુબાડીને પછી તેને બ્રેડક્રમ્બથી વીંટાળી લેવા.

૧૨.) આવી રીતે દરેક કટલેટ તૈયાર કરી એક થાળીમાં મુકવી.

૧૩.) હવે એક નોન સ્ટીક ફ્રાઈંગ પેનમાં અથવા સમતલ તવામાં 1 થી 2 ટેબલસ્પૂન તેલ લઇ તેને ગેસ પર મધ્યમ તાપ પર ગરમ કરો. જ્યારે તેલ મધ્યમથી થોડું વધારે ગરમ થઇ જાય ત્યારે તેમાં 2 થી 3 કટલેટ મુકવી.

૧૪.)જ્યારે આ કટલેટનો નીચેનો ભાગ સોનેરી ભૂરા રંગનો થવા લાગે ત્યાં સુધી તેને પકાવો. તેને પાકવામાં લગભગ 1 થી 2 મિનીટ જેટલો સમય લાગશે. હવે કટલેટને ઉલટાવી, ઉપરના ભાગને નીચે કરી તેને પણ સોનેરી ભૂરા રંગનો થાય ત્યાં સુધી પકાવો. પછી એક થાળીમાં પેપર નેપકીન પાથરી તેના પર કાઢી લો. આવી રીતે દરેક કટલેટને બંને સાઈડ પકાવી પેપર નેપકીન પાથરેલ થાળીમાં કાઢી લેવા.

૧૫.)હવે તમારી કરકરી અને સ્વાદિષ્ટ કટલેટ સ્વયં ખાવા માટે અને અન્યને પીરસવા માટે તૈયાર છે.

સુચના અને વિવિધતા :

ક્રમ નંબર ૩ અને ૪ મુજબ શાકભાજીને કુકરમાં વરાળથી બાફીને પકાવી શકાય છે અથવા તો પાણીમાં ઉકાળીને પણ પકાવી શકાય છે. પણ શક્ય હોય ત્યાં સુધી શાકભાજીને કુકરમાં જ વરાળથી પકાવવી. જેથી શાકભાજીના પૌષ્ટિક તત્વો સારી રીતે જળવાઈ રહે છે. હથેળીમાં કટલેટના ગોળ ગોળ બોલ બનાવતા પહેલા બંને હથેળીમાં તેલ લગાવી લેવું. બજારમાં મળતા કટલેટને આકાર આપવાના અલગ અલગ પ્રકારના અને ડિઝાઈનના સાધનોનો ઉપયોગ કરી શકો છો. જો તમારે તમારા આરોગ્યને ધ્યાનમાં રાખીને કટલેટ બનાવવી હોય તો પેનમાં ખુબજ ઓછા તેલમાં કટલેટને શેકો, પણ તેને તેલમાં તળવા નહિ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment