અદભુત !! આમાંથી અમુક શિવમંદિરો વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યુ હોય -શિવભક્તો માટે ખાસ

210

ગિરનારનું એક એવું શિવાલય, જ્યાં કોઇને નથી ખબર કે ક્યારે-કોણ કરી જાય છે પૂજા

જોગણીયા ડુંગરમાં બિરાજે છે ગુપ્તેશ્વર મહાદેવ,સોનાપુરીથી ઉપરનાં ભાગે માતાજીનાં સ્થાનકથી એક કલાકનો રસ્તો :-

જૂનાગઢ એટલે સંત અને શૂરાની સાથે શિવાલયોની પણ ભૂમિ. શહેરમાં તો અનેક શિવાલયો છે. પણ જૂનાગઢ જેની તળેટીમાં વસેલું છે એ ગિરનારની ગિરીમાળાઓ અને તેના જંગલમાં પણ અનેક જાણીતા, ઓછા જાણીતા અને ગુપ્ત હોય એવા સ્થળોએ શિવાલયો આવેલાં છે. આવું જ એક શિવાલય છે જોગણીયા ડુંગરમાં.

સોનાપુરીથી ઉપરનાં ભાગે માતાજીનાં સ્થાનકથી એક કલાકનો રસ્તો :-

ગિરનાર રોડ પર અશોક શિલાલેખની સામે જ દ્રવ્યેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. બાજુમાંજ ટબુડી વાવ છે. આ સ્થળ એટલે જોગણીયા ડુંગરની તળેટી. જોગણીયા ડુંગરમાં આવેલા મહાકાળી માતાજીનાં સ્થાનકે અસંખ્ય લોકો જાય છે. સોનાપુરીની પાછળ બાળ સ્મશાનમાંથી તેનો રસ્તો પસાર થાય છે. આ રસ્તે સાવજો, ઘોરખોદીયાં ખુબજ હોય છે. મહાકાળીની જગ્યાથી એકાદ કલાકનાં રસ્તે એક ગુફા આવેલી છે. તેમાં પ્રવેશવા માટે માણસે ગોઠણીયાભેર નમીને અંદર પ્રવેશવું પડે. જોકે, આ ગુફા અંદરથી 4 થી 5 લોકો સમાઇ શકે એવી મોટી છે. ગુફાની અંદર ઠંડક હોય છે. અહીં પૌરાણિક શિવલીંગ છે.

રોજેરોજ અહીં કોઇ આવીને પૂજા કરી જાય છે :-

ગાઢ જંગલમાં માનવીની અવરજવર જ નથી એવા આ સ્થળે ગિરનારમાં ફરવાનાં શોખીનો શ્રાવણ મહિનામાં ખાસ જાય જ છે. શહેરનો માનવી અહીં વર્ષમાં ભલે એકાદ વખતજ આવે. આ મંદિરની ખાસિયત એ છે કે, અહીં કોણ આવીને પૂજા કરી જાય છે તેની હજુ સુધી કોઇને ખબર નથી પડી. પણ આ શિવલીંગ અપૂજ નથી. રોજેરોજ અહીં કોઇ અાવીને પૂજા કરી જાય છે. ગમે ત્યારે ત્યાં જાવ મહાદેવ પર ચઢાવેલાં ફૂલ અને બિલીપત્ર તાજાંજ લાગે, તો વળી ક્યારેક ઘીનો દિવો પણ ચાલુ હોય. અહીં આવતા ભાવિકો આ સ્થળને ગુપ્ત ગુફા અને તેમાં બિરાજતા મહાદેવને ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે. અહીં ઘણી વખત આવતા વિજય ચુડાસમાનાં કહેવા મુજબ, અહીં આપણને સાક્ષાત શિવજીની ઉપસ્થિતીનો અહેસાસ થાય.

ભાવિકોએ તેનું નામ ગુપ્તેશ્વર મહાદેવ પાડ્યું :-

અહીં જતા ઘણા લોકો પૂજા કરવા કોણ આવે છે એ જોવા માટે આખો દિવસ અને ક્યારેક તો રાત પણ રોકાયા છે. પણ હજુ સુધી કોઇ એ પામી નથી શકયું કે કોણ પૂજા કરીને ચાલ્યું ગયું. શું કોઇ ગુફામાં અંદરનાંજ ગુપ્ત માર્ગેથી આવીને પૂજા કરી ગયું. એવા સવાલો પણ ઉઠે છે. કદાચ આથીજ ભાવિકોએ તેનું નામ ગુપ્તેશ્વર મહાદેવ પાડ્યું છે.

======xxx======

અહિં છે ગુજરાતનું દરિયાઈ અમરનાથ, 150 ફૂટની ગુફામાં મહાદેવજી

ઓટ સમયે અલૌકિક વાતાવરણ વચ્ચે ગુફામાં પહોંચીને દર્શન કરવામાં રિયલ એડવેન્ચર છે

શ્રાવણ મહિનામાં શિવભક્તો ભક્તિમાં લીન છે ત્યારે ભાવનગર જિલ્લામાં દયાળ ગામના દરિયાકાંઠે 150 ફૂટ ઊંડી ગુફામાં આવેલા મિની અમરનાથ જેવા રતનેશ્વર મહાદેવના દર્શનનો લહાવો લેવા જેવો છે. મહુવાથી ગોપનાથ તરફ દરિયે ચાલતા ઊંચા કોટડા પહેલા આ પૌરાણિક સ્થાન આવે છે. ખડકો વચ્ચે ગુફા આવેલી હોવાથી ઓટના સમયે દુર્ગમ યાત્રા કરીને દર્શન કરી શકાય છે.

ગુફામાં પહોંચીને દર્શન કરવામાં રિયલ એડવેન્ચર છે :-

ભરતી સમયે તો ગુફામાં પણ પાણી રહે છે, માટે તેના ખડક ઉપર બહાર પણ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેથી ભક્તોને ખાલી હાથે પાછા ન ફરવું પડે. મૂળ દયાળ ગામના નિવાસી અને હાલ મહુવાના મહેશભાઈ દોલતરાય મહેતા પરિવાર તરફથી રત્નેશ્વર મહાદેવનો 6 વર્ષ પૂર્વે જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. જો કે જે રીતે ટટ્ટુ ઉપર બેસીને અમરનાથ યાત્રા કરવામાં કે તેની તસ્વીરો જોઈને દર્શન કરવામાં સાચી મજા નથી એ જ રીતે અહીં પણ ઉપરથી દર્શન કરવા કરતાં ઓટ સમયે અલૌકિક વાતાવરણ વચ્ચે ગુફામાં પહોંચીને દર્શન કરવામાં રિયલ એડવેન્ચર છે.

======xxx======

એક અનોખું મંદિર જ્યાં મોજૂદ છે 1 કરોડ શિવલિંગ, શું છે તેની પાછળનું રહસ્ય? જાણો મંદિરની વિશેષતા

શ્રાવણ માસ એટલે શિવજીનો માસ, આ પવિત્ર માસમાં મહાદેવની પૂજા, અર્ચના, દર્શન વગેરેનુ વિશેષ મહત્વ છે. તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા ભક્તો આ માસમાં તેમની ખાસ પૂજા કરે છે અને તેમના મંદિરોમાં દર્શન કરવા જાય છે.કર્ણાટકના કોલાર જિલ્લામાં કામ્માસાંદરા ગામમાં કોટિલિંગેશ્વર ધામ મંદિર આવેલુ છે. પાવન, સુંદર અને શાંત પ્રકૃતિમાં સ્થિત છે મહાદેવનું આ અનોખું મંદિર. આ મંદિરમાં મોજૂદ છે દુનિયાનું સૌથી ઊંચુ શિવલિંગ અને આશરે 1 કરોડ શિવલિંગ. આ મંદિરમાં પ્રવેશ કરતાં જ ભક્તો મંદિરના આકારને જોતાં જ રહી જાય છે કારણ કે અહીં મુખ્ય મંદિરનો આકાર જ શિવલિંગના રૂપમાં છે. અહીં વિશ્વનું સૌથી ઊંચુ શિવલિંગ પણ છે. શિવલિંગ રૂપમાં આ મંદિરની ઊંચાઈ 108 ફુટ છે જેના દર્શન કરી ભક્ત શિવમય થઈ જાય છે. શિવલિંગની પાસે 35 ફુટ ઊંચાઈવાળા નંદીની પ્રતિમા છે. શિવલિંગની પાસે માતાજી, શ્રીગણેશ અને શ્રી કુમારસ્વામીની પ્રતિમાઓ સ્થાપિત છે.આ મંદિરના દરેક ખૂણામાં તમને મહાદેવ દેખાશે, કારણ કે અહીં આશરે 1 કોરોડ શિવલિંગ મોજૂદ છે. આ શિવલિંગની પણ અલગ કથા છે.માનવામાં આવે છે કે ગૌતમ ઋષિએ ઈન્દ્રને શ્રાપ આપ્યો હતો, આ શ્રાપથી મુક્તિ મેળવવા ઈન્દ્રએ કોટિલિંગેશ્વર મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યુ હતું અને 10 લાખ નદિઓનાં પાણીથી શિવલિંગને અભિષેક કર્યો હતો, ત્યારથી આજ સુધી તે શિવલિંગ અહીં મોજૂદ છે.આ જ કારણથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા પર પોતાની શક્તિ મુજબ અહીં 1 ફુટથી લઈને 3 ફુટ સુધીના શિવલિંગની સ્થાપના કરે છે. મંદિરમાં આશરે 1 કરોડ શિવલિંગ છે અને સંખ્યા દિવસે દિવસ વધી રહી છે.

======xxx======

ત્રણેય બાજુ દરિયાથી ધેરાયેલું આ શિવમંદિર, રામાયણ સાથે છે પૌરાણિક સંબંધ

ભગવાન શિવના મંદિર આખી દુનિયામાં બનેલાં છે. ભગવાન શિવના ઘણાં એવા મંદિર છે, જેનો સંબધ પૌરાણિક સમય સાથે જોડાયેલો છે.ભારતના દક્ષિણ ભાગના કર્નાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લો છે, આ જિલ્લામાં જ મુરૂદેશ્વર મંદિર છે. આ મંદિર અરબ સાગરના તટ પર બનેલું છે. સમુદ્ર કિનારે હોવાના કારણે અહીંનું પ્રાકૃતિક વાતાવરણ દરેક વ્યક્તિને મોહી લે છે.

આ માટે છે આ જગ્યાનો સંબંધ રામાયણકાળથી :-

કથાઓ પ્રમાણે, રામાયણ કાળમાં રાવણ જ્યારે શિવજી પાસેથી અમરત્વનું વરદાન પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહ્યો હતો, ત્યારે શિવજીએ પ્રસન્ન થઇને રાવણને એક શિવલિંગ આપ્યું, જેને આત્મલિંગ કહેવામાં આવે છે. આ શિવલિંગના સંબંધમાં શિવજીએ રાવણને કહ્યું હતું કે, આ આત્મલિંગને લંકા લઇ જઇને ત્યાં સ્થાપિત કરવું, પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે આ શિવલિંગને જ્યાં મુકવામાં આવશે તે ત્યાં જ સ્થાપિત થઇ જશે. આ માટે જો તું અમર થવા માંગે છે જો આ લિંગને લંકામાં જ સ્થાપિત કરવું.રાવણ આ આત્મલિંગને લઇને ચાલ્યો ગયો. બધા દેવતા ઇચ્છતાં ન હતાં કે રાવણ અમર થઇ જાય આ માટે ભગવાન વિષ્ણુએ છળ કરીને તે શિવલિંગને રસ્તામાં જ મુકાવી દીધું. જ્યારે રાવણને વિષ્ણુનું આ છળ સમજાયું ત્યારે તે ગુસ્સામાં આવી ગયો અને આ આત્મલિંગને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ આ લિંગ પર ઢંકાયેલું એક વસ્ત્ર ઉડીને મુરૂદેશ્વર ક્ષેત્રમાં આવી ગયું હતું. આ દિવ્ય વસ્ત્રને કારણે આ સ્થાન તીર્થ માનવામાં આવે છે.

મંદિર પરિસરમાં બનેલી છે ભગવાન શિવની વિશાળ મૂર્તિ :-

મુરૂદેશ્વર મંદિરમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિ સ્થાપિત છે, જેની ઊંચાઈ લગભગ 123 ફૂટ છે. આ મૂર્તિ ભગવાન શિવની દુનિયાની બીજી સૌથી ઊંચી મૂર્તિ માનવામાં આવે છે. આ મૂર્તિને એવી રીતે બનાવડાવવામાં આવી છે કે, આખો દિવસ તેના ઉપર સૂર્યનો પ્રકાશ પડતો રહે અને તે ચમકતી રહે.

ખૂબ જ સુંદર છે અહીંનું દ્રશ્ય :-

આ મંદિર એક પહાડ ઉપર બનેલું છે અને તેની ત્રણેય બાજુ અરબ સાગર છે. પહાડ, હરિયાળી અને નદીના કારણે આ ક્ષેત્ર ખૂબ જ સુંદર અને આકર્ષર લાગે છે. મંદિરમાં ભગવાન શિવનું આત્મલિંગ પણ સ્થાપિત છે. મંદિરના મુખ્ય દ્વાર પર બે હાથીની મૂર્તિઓ સ્થાપિત છે.

માહિતી અને સંકલન : ગિરિરાજભાઇ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment