“તમારી દીકરી અમારે ત્યાં સહીસલામત હોવી જોઈતી હતી, પણ…” એટલું બોલતા તો એ રડી પડયા ! – જય વસાવડા

42

આ તસવીરમાં ડાબી બાજુ દેખાય છે, નાની બચ્ચીને તેડીને ઉભેલા એ છે જેસિંડા આર્ડન. ન્યૂઝીલેન્ડના વર્તમાન વડાપ્રધાન. એવા રેરેસ્ટ નેતાઓમાંના એક જે દેશ સભાળતા હોય, ત્યારે બાળકને જન્મ આપ્યો હોય. આ પહેલાના રિટાયર્ડ કીવી પ્રાઈમ મિનિસ્ટર વિશે મેં લેખ લખેલો, જે એકધારી સફળતા બાદ ચૂંટણી જીતી શકે એમ હતા, તો ય પરિવાર સાથે રહેવા માટે એમણે ઇનફ કહીને રાજકારણ છોડી દીધું. ન્યુઝીલેન્ડ છે જ આવો દેશ. રળિયામણો ને ડાહ્યોડમરો. લોકો ખુશહાલ ને મદદગાર. વાતાવરણ તો સ્વર્ગ સમાન સુંદર. એના નવા સુકાની આ નાની ઉંમરના જેસિંડાબેન આજે જાહેરમાં રડી પડ્યા !

થયું એવું કે ફોટામાં જમણી બાજુ જે મસ્ત સ્મિત ફરકાવતી રુડી યુવતી દેખાય છે, એ બ્રિટનની ગ્રેસ બેકપેકર તરીકે ન્યુઝીલેન્ડ ફરવા આવી હતી. બિચારી કમનસીબ ગ્રેસ ! એની લાશ હમણાં ઓકલેન્ડ નજીક ઝાડીઓમાંથી મળી આવી. માત્ર 22 વર્ષની સ્ટુન્ડન્ટ ગ્રેસની હત્યા માટે પોલીસે આરોપી યુવક પણ ગિરફ્તાર કરી લીધો છે. બેઉના અગાઉની કોઈ જૂની ઓળખાણ હોવાના કોઈ પુરાવા નથી કે આમાં ગ્રેસનો કોઈ વાંક હોય. આજે એ ગુનેગારની કોર્ટમાં પેશગી હતી.

ત્યારે યુવા વડાપ્રધાને દેશ વતી ગ્રેસના પરિવારની માફી માંગી અને કહ્યું કે, “તમારી દીકરી અમારે ત્યાં સહીસલામત હોવી જોઈતી હતી, પણ…” એટલું બોલતા તો એ રડી પડયા ! એમણે કહ્યું : આખું ન્યુઝીલેન્ડ ઓલરેડી શરમિંદા છે કે એમની અતિથ્યભાવના પર આ કાળી ટીલી લાગી ! ન્યુઝીલેન્ડ એવો સુખી દેશ છે કે જેમાં હત્યા, બળાત્કાર જેવા હોમીસાઈડ ક્રાઇમ્સ પચાસ લાખની વસતિમાં પૂરા પચાસ નથી થતા ! જયાં પ્રવાસી તરીકે અકસ્માત થાય તો સરકાર મોંઘી સારવાર કરાવે !

આવું પરદેશનું જરાક સાચું ને સારું લખીએ કે કો’ક રાફડાખોર કોબ્રા ફેણ ચડાવી મહાન સંસ્કૃતિનો ઝંડો લઈ ઉભો થાય. પણ તંત્રના સર્વોચ્ચ વડા એક યુવતીના જાનમાલની સલામતી માટે કડી નિંદાના પાઠ કર્યા વિના, જવાબદારી દેખીતી ન હોય તો ય સ્વીકારીને માફી માંગતા રડી પડે – એવી ઘટના આપણા સંસ્કારોની વાતોથી છલોછલ દેશમાં દુર્લભ તો છે જ. વાત ટોચ પર પહોંચ્યા પછી પણ ટકી રહેતી ભીતરની માનવતા અને સંવેદનશીલતાની છે. કોને ખબર, માતૃત્વના તાજા અનુભવનો ય આ ચમત્કાર હોય. પણ દુઃખદ ઘટનામાં ય એક શાતા છે. આવા વ્યક્તિઓ છે, હજુ આપણી આસપાસ ! બાકી, રાજકારણ અને સત્તા માણસને લાગણીહીન અને રૂથલેસ બનાવી દે છે. જેમના માટે પછી આશ્વાસનના શબ્દો ય યંત્રવત અભિનય બની જતા હોય કારણ કે, ફીલિંગ જેન્યુઇન આવતી ન હોય !

ગ્રેસ તો પાછી નહિ આવે, રેસ્ટ ઈન પીસ. પણ આપણા દરેક પક્ષના /રાજ્યના / કેન્દ્રના શાસકોમાં આ કીવી પીએમ જેસિંડા જેવો ‘ગ્રેસ’ આવે તો ય ગંગ નાહયા !

લેખન અને સંકલન : Jay Vasavada & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment