મિલકત અને વાસ્તુદોષ….સ્ટોરી મિરરની એક અદભુત વાર્તા આજે જ વાંચો

193

મિલકત અને વાસ્તુદોષ

જતીનભાઈ અને મમતાબેનનો સવારમાં સાત વાગ્યાનો દેવ દર્શનનો નિયમ. પોશ એરિયામાં વર્ષો પહેલા લીધેલો બંગલો. બંગલામાંથી બહાર નીકળી સામે બગીચો. બગીચાની પાછળ રાધાકૃષ્ણનું મંદિર.દરરોજ સવારે સાડા ૬ વાગે નીકળી બગીચામાં થઈ ને મંદિરે પહોંચી જ ગયા હોય. જતીનભાઈ ૬૨ વર્ષના અને મમતાબેન ૬૦ વર્ષના પણ બંને હજુ પણ સશક્ત હતા. તેમને સંતાનમાં એક દીકરો સુશીલ અને દીકરી સ્વાતી. સ્વાતિને ભણાવીને ૨૪ વર્ષની ઉમરે વિદાય કરી. સાસરામાં દીકરી સુખી હતી. કોઈ ફરિયાદ નહોતી. સુશીલ ને પણ અમી સાથે પરણાવીને માબાપ તરીકેની જવાબદારીમાંથી મુક્તિ લીધી.

સંતાનોના દામ્પત્ય જીવના જોઇને માતા પિતા ખુશ હતા,અમી ખુબ જ સંસ્કારી વહુ હતી.ધાર્મિક હતી.ઘરને ખુબ જ કુશળતાથી ચલાવતી હતી.સાસુ સસરાની સેવા કરવામાં કોઈ કમી રાખતી નહિ. કોઇપણ દિવસ ઝગડો કે કંકાસ નહી કરે. આમ એ જતીનભાઈ અને મમતાબેનની પુત્ર થી પણ વધુ એવી લાડકી પુત્રવધુ બની ગઈ હતી.જતીનભાઈની કરિયાણાની દુકાન હતી. દીકરો સ્નાતક સુધી ભણીને દુકાન પર બેસી ગયો હતો.સુશીલ સવારે ૯ વાગે એટલે અચૂક દુકાન પહોચી જ જતો. જતીનભાઈ બપોરે ૧૨ વાગે દુકાન જતા. કુટુંબ નો એક વણ લખ્યો નિયમ હતો. કે સવારનો ચા નાસ્તો બધા એ સાથે બેસી ને જ કરવાનો. બધા એકમેક સાથે એકમેકના મનથી જોડાયેલા હતા. કોઈ ફરિયાદ કોઈને કોઈ માટે હતી નહી.દીકરી વર્ષમાં એક વખત વેકેશન ગાળવા અચૂક આવી જતી. અને ત્યારે સમગ્ર કુટુંબ આનંદ કિલ્લોલ કરતું. ઘરની બારસાખે ખુશીના તોરણો ઝૂલવા લાગતા.

એક દિવસ મદિરમાં જતીનભાઈ અને મમતા બેન દર્શન ઉઘડવાની રાહ જોઇને બેઠા હતા. અને મિત્રો સાથે સંસારની મીઠી ગોઠડી કરતાં હતા. એમાં એમના એક મિત્ર એ પોતાના ઘરને વાસ્તુ દોષ નડે છે માટે ઘરની તોડફોડ કરાવવી પડશે એમ જણાવ્યું. અને જતીન ભાઈ ને પણ સલાહ આપી કે પણ જોવડાવી લ્યો કે તમારા ઘરને પણ વાસ્તુ દોષ નડે છે કે નહી. ત્યારે જતીન ભાઈ એ હસતા હસતા કહ્યું ,” જે ઘરમાં દીકરી ને પુત્રવધુના સુખની છોળ ઉડતી હોઈ તે ઘરને કોઈ વાસ્તુ દોષ નહી નડે.” અને તરત જ એમના કથનની સાક્ષી પુરાવતી મંદીરની ઝાલર વાગી અને બધાએ લાલાના દર્શન માટે દોટ લગાવી.અને અચાનક જ મંદિરેથી પાછા ફરતા જતીનભાઈ ને છાતીમાં દુખાવો ઉપડ્યો.મમતા બેન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એમને હોસ્પિટલ લઈ ગયા.અને ત્યાં નિદાન થયું જતીન ભાઈ ને હ્રદય રોગનો હળવો આંચકો આવ્યો હતો.દીકરી જમાઈ દોડતા આવી ગયા. પરિવાર ચિંતાતુર થઈ ગયો. બધા જતીનભાઈની દિલથી સેવા કરવા લાગ્યા. હોસ્પિટલ ના ડોક્ટર પણ બોલી ઉઠ્યા “ જતીન ભાઈ તમે ખુબ જ નસીબદાર છો”.

૧૦ દિવસ પછી જતીનભાઈ ઘરે આવી ગયા. એમણે એક મહત્વનો નિર્યણ કર્યો મનોમન. કોઈને પણ ખબર ન પડવા દીધી.અને એમણે એમના નિર્યણને શબ્દ રૂપ આપ્યું. પત્ર સ્વરૂપે.. દીકરા વહુને રૂમ માં બોલાવી આ પત્ર આપી દીધો. અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા. પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો, અને થોડું ઘણું અમારા ઘડપણ માટે આરક્ષીત રાખજો. કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ નહી લંબાવવો પડે એ ધ્યાન રાખજો. બાકીની તમામ મિલકત મળી સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે.હા એક ખાસ વાત…તમારી બાને આ વાતની જાણ નથી.જતીનભાઈ અને મમતાબેન બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા. મમતાબેન એટલું જ બોલ્યા કે “ મને મારા બાળકો,તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર ભરોસો છે. “ જતીન ભાઈ બોલ્યા,“જોઈએ તારા સંસ્કાર શું કહે છે?.આ બાજુ ત્રણ જણ પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા. બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું.એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે તેના પતિ ને કહ્યું,“તમે જે નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ. તમારી સહધર્મચારીણી છું. સાચા અર્થમાં ધર્મ નિભાવીશ. બીજી સ્ત્રી આ ઘરની એક દીકરી હતી તેણે પોતાના ભાઈ ને કહ્યું,“ભાઈ આપણે બંને એક જ મા ની કુખ માંથી અવતર્યા છે. તું જે નિર્ણય લેશે તે મને માન્ય છે. હું સહોદર માં ઉછર્યાનો ધર્મ નિભાવીશ.સુશીલ બંને સ્ત્રીઓને વહાલથી ભેટી પડ્યો.ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્વાસની. તેઓ બહાર આવ્યા . માતા પિતાની સામે ઉભા રહ્યા. સુશીલે અમી ને કહ્યું ,’’ અમી,જા રસોડામાં આજે લાપસી બનાવજે. હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું’”. અને અમી રસોડામાં ચાલી ગઈ. દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી. સુશીલ અને સ્વાતી માતા પિતા પાસે આવ્યા. ને એમની આંખો માં આંખ પરોવી.અમી રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની.ભાઈ બહેન માતા પિતાને પગે પડ્યા.અને ચારેયની આંખ માં ચોમાસું બેસી ગયું. દીકરો ભાવુક હ્રદયે બોલ્યો,“ પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે.પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી.અક્ષય પાત્ર છે.એ મિલકત છે મારા માતા પિતા.મમ્મી તને તારા સંસ્કાર પર ભરોસો નથી? પપ્પા તમને મારા પર વિશ્વાસ નથી? અરે,મને તો કાંઈ જોઈતું નથી.મને તો મારા મા બાપ જ જોઈએ છે.એ જ અમારી ધરોહર છે.અમારી સાચી મિલકત છે. અમારા મા બાપ.” આ સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું.અને એમણે મીઠા ઠપકા ના સૂરમાં જતીન ભાઈ ને કહ્યું,“મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે.. જતીન ભાઈ પણ રડવાનું ખાળી ન શક્યા.દૂર ઉભેલી અમી પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા.અને જતીનભાઈએ કહ્યું,” અરે વહુ બેટા આજે તો ખરેખર લાપસી મુકો.આવી અમુલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહિ જ નડે.

સૌજન્ય : સ્ટોરી મિરર 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment