રામ મોરીની કલમે લખાયેલી મિત્રતા વિશેની શ્રેષ્ઠ વાર્તા…

191

“સેજલ, તારા પપ્પા એક ગુપ્ત કોયડા જેવા છે. ક્યારેય કોઈ વાત આપણને ખુલીને કહેતા નથી.” મમ્મીની આ હંમેશાની ફરિયાદ. કદાચ મમ્મી ખોટી પણ નથી. નાનપણથી મેં જોયું છે કે પપ્પા પોતાની ઓફીસની વાતો, પોતાના મિત્રોની વાતો ઘરે આવીને ક્યારેય અમને લોકોને કરતા નહોતા. બસ અમને તો એટલું યાદ છે કે છેલ્લે પપ્પાને એક જ ફ્રેન્ડ હતા, અરૂણ અંકલ. દહેરાદુનથી પપ્પાની અહીંયા બેંગ્લોરમાં બદલી થઈ ત્યારે અરૂણ અંકલ અમને લેવા આવેલા શાલ ઓઢીને. એ પછી અમે બેંગ્લોરનું ક્વાટર છોડ્યું અને અરૂણ અંકલના નાનકડા ઘરમાં શીફ્ટ થયા.

પપ્પાએ મમ્મીને એ વખતે કહેલું કે અરૂણની બદલી ગુજરાત થઈ છે તો આ ઘર એણે આપણને આપી દીધું છે. બસ, અરૂણ અંકલના એ પછી કોઈ સમાચાર પપ્પાના મોઢે કેટલાય દિવસો સુધી સાંભળ્યા નહોતા. દર મહિને કે પંદર દિવસે પપ્પા અરૂણ અંકલને મળવા જતા.મમ્મી ઘણીવાર કહેતી કે અરૂણભાઈ કેમ છે ? તો પપ્પા જવાબમાં માત્ર માથું હલાવતા. એ પછીના ત્રણેક વર્ષોમાં વહેલી સવારે પપ્પા રડતા હતા ત્યારે હું ડઘાઈ ગયેલી અને મમ્મીએ મને કહેલું કે, “અરૂણભાઈને કેન્સર હતું અને આજે સવારે જ એમનું અવસાન થયું છે.” બસ, એ પછી પપ્પાના મોઢે ક્યારેય અરૂણ અંકલની વાત નીકળી નથી કે નથી તેઓ ક્યારેય ગુજરાત ગયા. હું પરણીને બેંગ્લોરમાં જ સેટલ થઈ. વર્ષો વીતવા લાગ્યા.

રવિવારની સવારે મમ્મીનો ફોન આવ્યો, રડમસ. સેજલ તારા પપ્પાએ મને ઝિંદગીભર અંઘારામાં રાખી, એમને કોઈક બીજી દીકરી પણ છે ! મમ્મીને માંડ શાંત પાડી. પપ્પા સાથે તો ફોનમાં શું વાત કરવી એ કંઈ સમજાયું જ નહીં. તાત્કાલીક મમ્મી પપ્પાના ઘેર પહોંચી. મમ્મી રડી રડીને અડઘી થઈ ગયેલી. પપ્પા મને કહેવા લાગ્યા કે, “સેજલ, તારી મમ્મીને સમજાવ. આ ઉંમરે આ શું રાડારોળ મચાવી છે” મમ્મીએ તરત પપ્પાની ડાયરી અને બેન્કની પાસબુક બતાવી,

“સેજલ, તું આ ડાયરી અને પાસબુક જો. તારા પપ્પા દર મહિને એમની દીકરી મિતાલીને પંદર હજાર મોકલતા રહે છે.” હું ડાયરી અને પાસબુકને જોતી રહી પણ મને કશું માન્યામાં નહોતું આવતું. મેં પપ્પાની સામે જોયું એમના ચહેરા પર આ આખી ઘટનાનો કંટાળો દેખાઈ આવ્યો. મમ્મીને મેં માંડ શાંત પાડી અને ચા બનાવી. સાંજનો સમય હતો અમે ત્રણેય વરંડામાં ચા પીવા બેઠા. મમ્મી હજું પણ નારાજ હતી રડી રડીને એની આંખો સુઝી ગયેલી. અચાનક પપ્પા મારી તરફ ફર્યા,

“સેજલ, તારી મમ્મી જેને મારી દીકરી કહીને આ બધા ઉધામા કરી રહી છે એ મિતાલી મારી નહીં પણ અરૂણઅંકલની દીકરી છે.” હું અને મમ્મી બંને ચોંકી ગયા.
“અરૂણ અંકલની દીકરી ?”

“હા, આપણે દેહરાદૂનથી અહીં આવ્યા એ પહેલાં જ મિતાલીએ લવમેરેજ કર્યા.અરૂણઅંકલની મરજીની વિરુદ્ધ. બાપદીકરી વચ્ચે ખાસ્સો ઝઘડો ચાલ્યો. અંતે એ જતી રહી. બાપદીકરી વચ્ચે અબોલાં રહ્યા. મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ કશું થયું નહીં.”
“ પછી શું થયું પપ્પા ?” મેં પપ્પાના હાથ દબાવ્યો. આજે વર્ષો પછી એ જાણે કેટલાય વર્ષોનું એકસાથે બોલી રહ્યા હતા.

“પછી સીધા ન્યુઝ મળ્યા કે મિતાલી પ્રેગનેન્ટ છે અને તેના વરનું એક્સિડેન્ટમાં મૃત્યું થયું છે. અરૂણને ખબર પડી એણે તાત્કાલિક મને ફોન કર્યો. અમે લોકો ત્યાં ગયા તો મિતાલીના સાસરિયાએ અરૂણનું બહું અપમાન કર્યું કે તમારા જાદુટોણાથી જ અમારો દિકરો ગુજરી ગયો.

અરૂણ માટે આ અપમાન અસહ્ય હતું પણ મિતાલી માટે એનાથી વધારે અસહ્ય હતું કે એના પપ્પાનું જાહેરમાં આ રીતે પેલ્લીવાર અપમાન થયું એ પણ પોતાના લવમેરેજના કારણે…”
મમ્મી આઘાતની મારી પપ્પા સામે જોઈ રહી.

“ બસ પછી તો બાપ કે દિકરી કોઈ સામસામે એકબીજાનો સંપર્ક કરી શક્યા નથી. અરૂણની બદનામી ન થાય એ માટે હું પણ આ ઘટના દબાવી રાખીને બેઠો હતો. અરૂણ સતત તણાવમાં રહેતો અને એ પછી તો કેન્સર થયું.અરૂણે મારી પાસે વચન લીધું કે એણે મિતાલી માટે બધી આર્થિક વ્યવસ્થા કરી રાખી છે એટલે દર મહિને મિતાલીને પંદર હજાર પહોંચાડવાનું કામ મારે કરવાનું છે. અરૂણના રૂપિયામાંથી હું મિતાલીને દર મહિને પૈસા મોકલું છું.”

“મિતાલીને તો ખબર પણ નથી કે અરૂણભાઈ જીવે છે કે નહીં ?”
“ જ્યાં સુધી પૈસા મિતાલી પાસે જશે ત્યાં સુધી એ માનશે કે પપ્પા અહીંયા જ છે. જો એને ખબર પડશે કે અરૂણ નથી તો પોતાના પતિની જોડાજોડ પપ્પાના મૃત્યુ માટે પણ મિતાલી પોતાને જવાબદાર ગણાવશે અને જીંદગીભર એ ભાર સાથે જીવશે. અરૂણે આ રહસ્ય સંતાડી રાખવા મને મિત્રતાના સોગંધ દીધા છે. અરૂણ માટે એટલું તો હું કરી જ શકુંને” અંધારામાં શાલ ઓઢીને બેસેલા પપ્પા મને બિલકુલ અરૂણ અંકલ લાગ્યા.

લેખક : રામ મોરી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment