“બહુજ સારું કર્યું” – રામ મોરીની કલમે લખાયેલી ઘરેલું હિંસાથી પીડાતી સ્ત્રીઓની પીડાદાયક પરિસ્થિતિની વાર્તા…

166

શીતલનો ફોન આવ્યો ત્યારે મીનળ કપડાં સુકવતી હતી. સોમવારની બપોર હતી. મીનળનો વર નરેન્દ્ર ઓફીસે હતો અને દીકરી ગુડ્ડી સ્કૂલે હતી.શીતલ અને મીનળ કોલેજ સમયથી બેસ્ટ ફ્રેન્ડ. કોલેજ છૂટી અને કોન્ટેક્ટ પણ છૂટી ગયો. બંને પરણીને પોતપોતાને સરનામે દસ વર્ષ પહેલાં જમા થઈ ગયેલી.શીતલનો અવાજ સાંભળીને પહેલાં તો મીનળ સીધી રોઈ પડી કેમકે વર્ષો પછી પાક્કી બહેનપણીનો અવાજ સાંભળ્યો.
“મીનળ, ગાંડી, રડવાનું બંધ કર. હું મારા કઝીનના લગ્નમાં તારા શહેરમાં આવી છું. મને તારું સરનામું આપ, મળવા આવું છું.”

એ જ અલ્લડ અવાજ એ જ રણકો.સરનામાની આપલે થઈ. મીનળે ડ્રેસ કાઢીને ફૂલ સાઈઝનું બ્લાઉઝ અને કોટનની સાડી પહેરી લીધી.લગભગ ત્રણેક વાગ્યે શીતલ રીક્ષામાંથી ઉતરી ત્યારે મીનળ પોતાના ઘરની બહાર એની રાહ જોતી ઉભી હતી. બંને ભેટી પડી. સોફા પર ગોઠવાઈ. વઘારેલા મમરા અને ચાય સાથે પાછલા વર્ષોના કેટલાય પાના ઉઘડ્યા.તાળીઓ.

ખીખીયાટા. પેટમાં દુખવા આવી જાય એટલું હસ્યા. મમરાં ખવાયા એની કરતાં વધારે ઢોળાયા. શું કરે છે..શું નહીં…એકબીજાના લગ્નમાં ન આવી શક્યાનો વસવસો..લગ્નની વાતો.. આંખો નીચે વધી રહેલી કાળાશની વાત અને રસોઈમાં આવેલા નવા મસાલાની વાત. અચાનક મીનળનું ધ્યાન ગયું કે શીતલના ગળામાં મંગળસુત્ર નથી.
“શીતલ, તારું મંગળસુત્ર…’’
‘’ મીનળ, છ મહિના પહેલા મારા ડિવાર્સ થઈ ગયા છે. ’’
‘’ વ્હોટ ? અને તું મને અત્યારે કહે છે ?’’

‘’ કંઈ નહીં યાર, વાઈફ કમ અને પંચીંગ બેગ વધારે હતી હું. દરેક વાતમાં મારવા અને ટોકવા જોઈએ.’’
‘’હાય હાય…પછી ?’’
‘’ રોજ સાંજે મારા મારી થતી. આખી સોસાયટીની સામે તાયફો ચાલતો. વાસણોના છુટ્ટા ઘા કરતો.’’ શીતલ ગુસ્સામાં બોલતી હતી. મીનળ ફાટી આંખે શીતલના આખા શરીરને જોઈ રહી.
‘’ ઓહ મા. શીતલ, તું વિરોધ નહોતી કરતી ? મુંગા મોઢે માર ખાઈ લેતી હતી ? ‘’

‘’ હા મીનળ, શરું શરુંમાં તો હું સહન જ કરતી. એવું વિચારતી કે ગમ્મે એવો સનકી હોય પણ મારો વર છે. અને સાચું કહું તો મારામાં સામનો કરવોની હિંમત પણ નહોતી.’’મીનળ આઘાતભરી નજરે ફરી શીતલની આંખોને જોઈ રહી જાણે પાછલા કેટલાક વર્ષોના મારના નિશાન ફંફોસતી હોય.
‘’શીતલ, કોલેજમાં તો તું રાણી લક્ષ્મીબાઈના રોલ કરતી અને સાચ્ચે જ જ્યાં સામનો કરવાનો આવ્યો ત્યાં તું…’’

‘’ મીનળ, મેં સામનો કર્યો જ ને. થોડો મોડો પણ કર્યો ખરો. આ બધા તાયફા વચ્ચે એને બાળક જોઈતું હતું અને હું શ્યોર હતી કે આ રોજના ભવાડા મારું બાળક જુએ એવી સ્થિતિ હું ઉભી થવા નહીં દઉં.’’
‘’ બરાબર છે !’’ મીનળે શીતલના હાથ પર પોતાનો હાથ મુક્યો.
‘’ શીતલ,એ યાર આવો હતો તો તે લગ્ન કેમ કર્યા ?’’

જવાબમાં શીતલ પહેલાં તો હસી પડી. ‘’ આપણે ત્યાં હજું પણ ઘણા ઘરમાં છોકરીઓનું મન પૂછવાનો રિવાજ નથી મીનળ. છોકરો કમાય છે, સારું ઘર છે, શહેરમાં છે એટલે બધું પરફેક્ટ અને છોકરી માટે બે જ લાયકાત કે રૂપાળી હોવી જોઈએ અને રસોઈ આવડતી હોવી જોઈએ.’’ રૂમમાં પંખાનો ખટક અવાજ આવતો હતો. બંને ક્યાંય સુધી ચૂપ રહી. મીનળે ખાલી કપ અને ડીશ રસોડામાં મુક્યા. શીતલે મોઢું ધોયું અને પોતાના વાળ બાંધવા પર્સમાંથી બોરીયું શોધતી હતી તો મીનળે આપ્યું અને શીતલે વાળ બાંધ્યા. શીતલે એકવાર આખા ઘરમાં નજર કરીને મીનળના ભર્યા ભાદર્યા સુખને નિહાળ્યું. બંને ભેટ્યા.
‘’ મારું જે થયું તે પણ આઈ એમ હેપી ફોર યુ મીનળ કે તું તારા ગભરું સ્વભાવ પ્રમાણે સારા ઘરમાં સેટ થઈ ગઈ.તારા વરને અને બેબીને યાદ આપજે મારી.’’

‘’ હા શીતલ, ગુડ્ડીના પપ્પા મારું બહું જ ધ્યાન રાખે છે. મને લાઈફ સામે કોઈ જ ફરિયાદ નથી. પણ એક વાત તો છે જ કે તે જે સહન કર્યું એવું મારાથી તો બિલકુલ ન થાય. કોઈ આપણી ઉપર હાથ ઉપાડે એ વાત જ મને માન્ય નહીં. બહું જ સારું કર્યું કે તું એ માણસથી છૂટી થઈ ગઈ.’’ જતાં જતાં બંને ફરી ભેટ્યા. શીતલ જતી રહી.મીનળે ઘડિયાળમાં જોયું. સાંજના છ વાગ્યા હતા. નરેન્દ્રનો ઓફિસથી આવવાનો ટાઈમ થયો. ફટાફટ ચા મુકી. હમણા સ્કૂલ બસ આવશે ગુડ્ડીને પણ લેવા જવાની છે. મીનળ બેડરૂમમાં આવી, સાડી અને ફૂલ સાઈઝનું બ્લાઉઝ કાઢીને અરીસા સામે ઉભી રહી.

‘’ આ કોટનની સાડીમાં અને ફૂલ સાઈઝના બ્લાઉઝમાં ગરમી બહું જ થાય છે પણ સારું કર્યું સાડી પહેરી રાખી. નહીંતર શીતલને મારા ગળા અને પીઠ પર ઉપસેલાં નરેન્દ્રના મારના નિશાન દેખાય જાત.’’

લેખક : રામ મોરી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment