“તાળાને અનુરુપ ચાવી” – ખુબ નાની પણ સમજવા જેવી વાત છે..

153

“તાળાને અનુરુપ ચાવી”

મીના અને એની ફ્રેન્ડ શીલા માર્કેટમાથી ખરીદી કરીને, પાછા વળતા સોસાયટીમા દાખલ થયા. પાર્કિંગ એરીયામા કાર પાર્ક કરીને બન્ને કારમાથી બહાર નીકળ્યા અને જોયું તો મીનાની પુત્રવધૂ અદિતી એના પુત્ર રાહુલને પાર્કિંગ એરિયામા એક સ્કુટર પર બેસાડીને એક વાડકામાથી દાળ-ભાત ખવડાવી રહી હતી. દોઢેક વર્ષનો પુત્ર રમત કરતાં કરતાં ખાતો હતો, એટલે થોડુ ખાવાનું એના કપડા પર, સ્કુટર પર અને નીચે જમીન પર પડતું હતું.

એક પળ માટે આ અરુચિકર દ્રશ્ય જોઇને મીનાના મનમા અણગમાનો ભાવ આવી ગયો. પરંતુ બીજી જ પળે એણે અણગમો મનમા જ છુપાવીને, કોમળ સ્વરે અદિતીને કહ્યું, ‘બેટા,આ શું કરે છે તું? રાહુલને અહીં શા માટે ખવડાવે છે?’ અદિતીએ સ્વબચાવ કરતા કહ્યું, ‘શું કરુ મમ્મી, બહુ ટ્રાય કરી પણ રાહુલ ઘરમા બેસીને ખાતો જ નથી, એટલે છેવટે અહીં લઈ આવી. અહીં બધાને જોતો જોતો ખાઇ લે છે.’ મીનાએ કહ્યું, ‘તારી વાત બરાબર છે બેટા, પણ આ પબ્લિક પ્લેસ છે. અહીં કેટલાય લોકો આવતા-જતાં હોય. બધાની નજર એકસરખી ના પણ હોય.આપણા લાડક્વાયા રાહુલને કોઇની ખરાબ નજર લાગી જાય અને એ નજરાઇ જાય તો?’

અદિતી મીનાની વાત સાંભળીને વિચારમા પડી અને તરત જ કહ્યું, ‘ઓહ! મમ્મી. મને તો એ વાતનો ખ્યાલ જ ના રહ્યો. સારું થયું તમે મારું ધ્યાન દોર્યું તો. હવેથી એને ગમે તે રીતે સમજાવીને ઘરમા જ ખવડાવીશ.’ અને અદિતી રાહુલને લઈને તરત જ ચોથા માળે આવેલા એમના ફ્લેટમા જતી રહી. શીલા આશ્ચર્યથી મીનાની સામે જોઇ રહી હતી, તે જોઇને મીના હસી અને બોલી, ‘શીલા,તને મારી આવી વાત સાંભળીને નવાઇ લાગે છે ને?’ શીલાએ કહ્યું, ‘હા યાર. નવાઇ તો લાગે જ છે. તું એક મોડર્ન વિચાર ધરાવતી આધુનિક નારી છે. એક પ્રખ્યાત કંપનીમા ઉચ્ચ હોદ્દા પર રહી ચુકી છો. મેં તને ક્યારે પણ અંધશ્રધ્ધામા માનતી જોઇ નથી તેથી તારી ‘નજર લાગી જાય’ વાળી વાતથી મને આશ્ચર્ય જરુર થયું છે.’

મીના હસીને બોલી, ‘એમા એવું છે ને શીલા, જેને જે લાકડીથી હાંકી શકાય એને માટે તે લાકડી વાપરવી એવું હું જાત અનુભવે શીખી છું. અદિતી આજકાલના જમાનાની છોકરી છે. એને જો હું સીધે સીધું કહેત કે રાહુલને અહીં જમાડે છે તે સુરુચિપૂર્ણ નથી, એને ઘરમા જઇને ખવડાવ. તો એ મારી સાથે હજાર આર્ગ્યુમેંટ કરત. વાદવિવાદને અંતે કદાચ એ ઉગ્ર થઈને મને એમ પણ કહેત કે તમારે મને શીખવવાની જરુર નથી કે મારે છોકરાને કેમ ઉછેરવો.’ શીલાએ પુછ્યું, ‘પણ આ નજર લાગી જાય વાળી અંધશ્રાધ્ધા ની વાત ના સમજાઇ.’ મીના બોલી, ‘તું પૂરી વાત સાંભળ તો ખરી. અંધશ્રધ્ધા અદિતીને એની મમ્મી પાસેથી વરસામા મળી છે અને મેં જોયું છે કે એ એને મક્કમતા પૂર્વક વળગી રહેવા માંગે છે. એટલે વાદ-વિવાદ ના શસ્ત્રના બદલે મેં એની સામે અંધશ્રધ્ધાનું, એનું જ શસ્ત્ર વાપર્યું. અને તેં જોયું ને કે એ કેવું બ્રહ્માસ્ત્ર પુરવાર થયું. કેટલી સહેલાઇથી એણે મારી વાત માની લીધી. અને તું જોજે, હવેથી એ હમેશા રાહુલને ઘરમા બેસાડીને જ ખવડાવશે.’

શીલા અહોભાવથી મીનાને તાકી રહી અને હસીને બોલી, ‘કહેવું પડે યાર, તું તો બહુ ચાલાક નીકળી. હવે ખબર પડી, જોબમા તું કેવી રીતે ઉચ્ચ હોદ્દા પર પહોંચી અને વર્ષો સુધી ટકી રહી તે. માન ગયે જનાબ.’ મીનાએ શીલા સામે આંખ મીંચકારતા કહ્યું,’ એ તો એમ જ હોય સખી! તાળાને અનુરુપ ચાવી લગાડીએ તો મહેનત ઓછી પડે અને તાળું ઝટ ખુલી જાય.’ અને બન્ને સખીઓ હસી પડી.

લેખક : પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment