“મા બનવાનો અધિકાર” – શું છે આ વાર્તાની હકીકત તમે જાતે જ વાંચીને જાણો, દિલ દ્રવી ઉઠશે તમારું..

475

“ वैसे ही कुछ कम नहीं है बोझ दिल पर जिंदगी में..
और ये दर्जी जेब बायीं ओर सिल देता है कम्बख़्त..!”

અનુનો આજે ગાંધીનગરમાં પહેલો દિવસ હતો. જામનગરથી એના ક્લાસ-વન ઓફિસર પતિની અહીં ટ્રાન્સફર થઈ હતી. સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી અનુને અહિં પુરતી છુટ મળશે એ વિચાર આનંદિત કરી જતો હતો. એ સિવાય બીજી કોઈ વાતે એને ગાંધીનગર આવવું પસંદ ન હતું. એના પતિએ પણ અનુને કંઈ તકલીફ ના પડે એ માટે સરકારી ક્વાર્ટર ને બદલે ભાડાનું ઘર જ એક સારી સોસાયટીમાં લઈ લીધું હતું.

આજકાલ કરતાં ત્રણ મહિના વીતી ગયા. ધીરે ધીરે અનુ નવી જગાએ, નવા માહોલમાં ગોઠવાતી જતી હતી. અનુનાં રસોડાની બારીમાંથી પાછળના ઘરની એક બારી દેખાતી. એમ કહોકે બન્ને બારીઓ સામ સામે હતી. અનુ જ્યારે રસોડામાં હોય ત્યારે કોઈ કોઈ વખત એને સામી બારીમાં એક સ્ત્રી દેખાતી. એ ગર્ભવતી હોય એવુ લાગતું હતું. અનુ જ્યારે પણ એ બેનને જોતી એ ફોન પર કોઈની સાથે વાતો કરતી જ જોવા મળતી. ઘણી વખત રાતના સમયે એમના ઘરમાંથી ઝઘડાના અવાજો આવતા…સ્ત્રી અને પુરુષ વચ્ચેના ઝઘડાના !

“ટિંગ ટોંગ…”

બેલ વાગતાં જ અનુએ બારણું ખોલ્યું. સામે જે બહેન ઊભા હતા એમને અનુ રોજ જોતી હતી, એના રસોડાની બારીથી.

“કેમ છો? મજામાને?” આવનાર બાઈએ પુછ્યું. “મને ના ઓળખી? હું કંચન! તમારા ઘરની પાછળ જે મકાન છે એમાંથી આવું છું.”

“હા, હા તમને તો હું લગભગ રોજ જ જોઉં છું.” અનુએ હસીને આવકાર આપ્યો. “આવોને અંદર બેસીએ.”

બન્ને જણાએ થોડી આડી અવળી વાતો કરી. વાતવાતમાં કંચને જણાવ્યું કે એનો પતિ દારુડીયો છે. વરસોથી પીવાની ટેવને લીધે હવે એ જ્યારે પિધેલો ના હોય ત્યારેય પીધેલા જેવો જ લાગે છે, ને એનું વર્તન પણ કોઈ ગાંડા જેવું છે. દારુ, જુગાર, ચોરી, આવારાગીરી કરવી એજ હવે એનું કામ છે! સરકારે એને નોકરીમાંથીય કાઢી મેલ્યો, આવાને રાખે કોણ? આતો મારે છઠો મહિનો જાય છે એટલે એની સાથે જેમતેમ નિભાવે જઉં છું. એક્વાર ખોળો ભરાવીને પિયર ચાલી જઉં પછી કોઈ દા’ડો અહિં પાછી નહિ આવું. છેલ્લે કંચને જણાવ્યું કે એના પતિની નજર ને નિયત બન્ને બહુ ખરાબ છે! અનુએ એનાથી થોડું સંભાળીને રહેવું! આખો દિવસ એ ઘરમાં એકલી હોય છે એટલે પડોસીના ને, એથીયે વધારે એક સ્ત્રીના નાતે એ ચેતવવા આવી હતી!

અનુને અહિં આવે હવે ઘણો સમય થઈ ગયો હતો. રાજ, એના પતિએ એને એક ગાડી અપાવી દીધેલી જેથી એ એકલી પણ આરામથી બહાર આવ-જા કરી શકે. અનુએ કેટલીક નવી બહેનપણીઓ પણ બનાવી હતી. કંચનનો પતિ ઘણી વાર એને રસ્તા ઉપર આવતા જતા ભટકાઈ જતો. એ હંમેશા નશાની હાલતમાં ડોલતો જતો જોવા મળતો. કોઈ કોઈ વખત અનુને લાગતું કે, એ જાણે એની આસ પાસ જ ફરી રહ્યો છે. ઘણીવાર એવું થતું કે અનુ દરવાજો ખોલે અને એના ઘરની સામેના રોડ પર પેલો ઉભેલો દેખાય! અનુ ઘરના બધા દરવાજા બરોબર બંધ કરીને રાખતી. એને કંચનની કહેલી વાત બરોબર યાદ હતી. એ થોડી થોડી ગભરાતી હતી…

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઈબ્રંટ ગુજરાતનો કાર્યક્રમ ચાલતો હતો. રાજને પણ ત્યાં હાજર રહેવું પડતું. એમાં એક દિવસ એર-શોનું આયોજન હતું. અનુની એક સખીએ અનુને પણ એ શો જોવા જવા માટે મનાવી લીધી હતી. રાજને તો જરીકે નવરાસ ન હતી એટલે અનુ જાતે જ ગાડી લઈને નીકળી હતી. એર-શો પત્યા પછી અચાનક અમદાવાદ જવાનું બધી સખીઓએ પ્લાનિંગ કર્યુ. એ બધીને માટે અમદાવાદ ખરીદી કરવા જવું આમ વાત હતી. અનુ અજાણી હતી. એણે જરીક આનાકાની કરી પછી, એ પણ જવા તૈયાર થઈ ગઈ. આમેય રાજની પાસે એના માટે સમય નહતો, ને શોપિંગ કરવાનું કઈ સ્ત્રીને ના ગમે!

બધી સખીઓ અમદાવાદમાં ફરીને પાછી આવી ત્યારે રાતના આઠ વાગી ગયેલા. અનુની સાથે એની ગાડીમાં રસ્તો બતાવવા બેઠેલી સખી સેક્ટર-ચારમાં રહેતી હતી. એને ઘરે ઉતારીને અનુ પોતાને ઘરે જવા નીકળી. અનુનું ઘર સેક્ટર ૨૦માં હતુ. હવે અનુને ગાંધીનગરના રસ્તા થોડા થોડા યાદ રહી ગયા હતા. એ હવે જલદી ઘરે પહોંચી જવા ઈચ્છતી હતી. પણ, અહિંજ નિયતિએ એના માટે કંઈક નવું જ નિર્ધારીત કર્યુ હતું. રોજ એ જે રસ્તેથી અવર-જવર કરતી હતી એ અત્યારે લોકોની ભીડને કંટ્રોલ કરવાના હેતુથી બંધ કરી દેવાયો હતો. એ સહેજ ગભરાઈ છતાં, એને થયું કે રાજની સાથે એ લગભગ બધાજ રસ્તાઓ પર ઘણી વખત ફરી ચુકી છે. દરેક જગાએ સર્કલ પર એ જગાનુ નામ તો લખેલું જ હોય છે, ને એની ગાડીમાં જીપીએસ છે! હાથમાં મોબાઇલ! ડરવાનું કે ગભરાવાનું કોઈ કારણ ન હતું. એણે ગાડી મારી મુકી…

રાતનો સમય હતો. જે ગાંધીનગર સર્કલે ભર્યુ ભર્યુ ને જીવંત, રોશનીથી ઝળાંહળાં લાગતું હતું એ અહિં પાછળના માર્ગ પર જાણે ઠંડીમાં ઠુંઠવાઈને ઘરમાં કોઈ ખૂણે છુપાઈ ગયું હતું. એક તો અંધારુ, નવો રસ્તો ને થોડી ગભરાહટ! થઈ જ ગયું જે થવાનું હતું, અનુ રસ્તો ભુલી ગઈ !

રસ્તા ઉપર સરિતા ઉધાનનું પાટિયું આવીને ગયું. અનુને ખયાલ આવી ગયો કે એ રસ્તો ભુલી છે. છતા એ હિંમત ના હારી એને યાદ હતું કે અહિંથી આગળ જતાં અક્ષરધામ વાળો રોડ આવશે. ત્યાંથી ઘરે પહુંચાશે. એને બસ હવે એ વળાંકને જ ધ્યાનમાં લેવાનો હતો. એણે ગાડીને ત્રીજા ગેરમાં નાખીને ત્રીસ-ચાલીસની સ્પીડે, આગળ આવતા વળાંકને ધ્યાનમાં રાખી ગાડી આગળ વધારી. બહાર અંધારું કાળા ડીબાંગ વાદળ જેવું ધરતી પર ઉતરી આવ્યું હતું. આસપાસ કોઈ અવર જવર ન હતી. એનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. ગળામાં શોષ પડી રહ્યો હતો. એને પોતાને એના હ્રદયના ધબકારા સાફ સાફ સંભળાઈ રહ્યા હતા. કોઈ અજાણ્યો ભય એના ઉપર હાવી થયે જતો હતો. કશુંક અજુગતું બનવાની જાણે એનું મન એને ચેતવણી આપી રહ્યું હતું.

“ઢીઈજ્સ્સ્સ્સ્સ્સ્……ધડ્ડ્ડ્….”

અચાનક એની ગાડી નીચે કશુક જોરથી અથડાયું. એણે હતું એટલું જોર વાપરીને બ્રેક પર પગ દબાવ્યો. એક જોરદાર આંચકા સાથે ગાડી ઉભી રહી ગઈ. અનુને આખા શરીરે પરસેવો વળી ગયો. ગાડીમાંથી નીચે ઉતરીને પાછળ જોવાની ઇચ્છાતો થઈ પણ હિંમતના ચાલી. એના મને કહ્યું,

“પહેલા અપની જાન બચાઓ!”

ગાડીમાં એણે ચાવી ગુમાવી.

“ઘુર્ર્ર્રરર ….ઘુર્ર્ર્ર્ર્રરર ….”

જોઈએ એવી ગાડીના ઘુર્રાઈ, મતલબ કે ચાલુ ના થઈ! અનુએ બે, ત્રણ, ચાર વખત પ્રયાસ કર્યો. એની આંખોમાં આંસુ આવી ગયા, ગાડી ચાલુ ના થઈ! અનુએ એનો મોબાઈલ હાથમાં લીધો, રાજને ફોન જોડ્યો. અફસોસ નેટવર્ક ના હતું…

અનુને હવે એની જાત પર જ ગુસ્સો ચડ્યો, શું જરુર હતી શોપિંગ કરવા જવાની? રાજ સાથે પછીથી ના જઈ શકત? રાજ? એને વાયડાને ટાઇમ જ ક્યાં હોય છે? આખો દાડો નોકરો જ કરવો તો, તો પરણ્યોજ શું કામ? બધો વાંક એનો જ છે! અહિં મને કોઈ ગુંડો મારીયે નાખે તો એને શું ફરક પડી જવાનો? વરસ થશેને કોઈક બીજીને પરણી જશે. આમેય એને તો દિપીકા ગમે છે ને હું તો માધુરી જેવી લાગું છું! અનુ હવે રડી રહી હતી. એને આસપાસનું જાણે કોઈ ભાન જ ના હતું. ડરની મારી બિલ્લી જેમ આંખો મીંચી દે એવી એની હાલત હતી.

“પૂઊઓ…પૂઓ…”

જોરથી ગાડીનો હોર્ન સંભળાયો, એના ઉપર જ કોઈ લાઇટ ફેંકી રહ્યુ હતુ.

“અંદર એક લેડી છે.” કોઈ બોલ્યુ, “રસ્તામાં કેમ ગાડી ઉભી રાખી છે?” એની ગાડીનો ગ્લાસ ખખડાવી કોઈ પુછી રહ્યું હતું.

અનુ પહેલાથી જ ડરેલી હતી. હવે એના મગજે કામ કરવાનુ લગભગ બંધ કરી દીધેલુ. એણે જોયુ કે એની ગાડીની સામે કોઈક પરિચિત ચહેરો હતો. હા, એ માણસને હું ઓળખું છુ, એના મને કહ્યું. એક જબકારો થયો, આતો પેલો છે, પેલો દારુડીયો, કંચનનો પતિ. એક જ સેકંડમા એણે નિર્ણય લિધો.

“ભાઇ, હું અનુ, તમારી પાડોશી. મારી ગાડી બગડી છે, પ્લીઝ મદદ કરો.” તુટક સ્વરે એનાથી આટલું જ બોલાયુ એ ગાડીની બહાર આવી ચુકી હતી. જે હવાલદાર ગાડીનો દરવાજો ખખડાવતો હતો એને ધક્કો મારીને! એ પડતાં પડતાં બચેલો. એના મોઢામાંથી ગાળ નીકળવા જ જતી હતી કે અનુના માનેલા ભાઈએ એની તરફ હાથ ઉંચો કરીને ચુપ રહેવા ઈશારો કરેલો.

“બહેન તમે આ ગાડીમાં બેસી જાવ, હું ઘરે જ જઈ રહ્યો છું, તમને તમારા ઘરે ઉતારી દઈશ.” પેલો દારુડીયો, કંચનનો પતિ બોલ્યો.

અનુ બેસી ગઈ, એ સિવાય છુટકો જ ક્યાં હતો? “ જરીકે ડરતી નહીં બહેન, તું ગુજરાત ક્રાઇમ બ્રાંચના ઇન્સપેક્ટરની સાથે છે. તને તારા ઘરે સલામત પહોંચાડીશ.”

અનુ ડરી રહી હતી પહેલા પણ, હવે અનુનો ડર ગાયબ થઈ ગયો. એણે નોધ્યું કે ગાડી ચલાવતાં એક વાર પણ એ માણસે પાછળ નજર સુધ્ધાં કરી ન હતી. શાંતિથી મધ્યમ ગતિએ ડ્રાઇવ કરીને એણે અનુને છેક એના ઘરના દરવાજે ઉતારી ને, એ એનાએ જ રસ્તે પાછો વળી ગયો. રાતે રાજ ઘરે આવ્યો ત્યારે એની સાથે એક ડ્રાઇવર અનુની ગાડીને પણ લઈને આવેલો. ગાડી મુકીને એ જતો રહ્યો. ઘરમાં આવતાં જ અનુ રાજને ભેંટી પડી. રાજે એના માથા ઉપર સાંત્વના આપતો હાથ ફેરવ્યો.

“ગાડી કેમ બંધ પડી ગઈ હતી?”

“ મેડમ, ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયેલું. ને અંધારામાં તને રસ્તા પર પડેલો મોટો પથ્થર ના દેખાયો. તને જેણે ઘરે મુકી એણે મને ફોન કરેલો. એણે જ બધી વાત કરી. ” રાજ હસીને બોલ્યો.

“એ બધું પછી પહેલા એ કહે કે આ ઇન્સપેકટર કેવો માણસ છે?”

“કેવો એટલે, એકદમ ઈમાનદાર અને બાહોશ! તું અહિં આવી એના થોડા દિવસ પહેલા જ એની જાંઘ પર ગોળી વાગેલી, બુટલેગરે મારેલી. હજી ત્યાં પાટો બાંધેલો છે, બિચારો સરખી રીતે ચાલી પણ નથી સકતો છતા સરકારને એની જરુર હતી તો હાજર થઈ ગયો.” રાજ કહી રહ્યો અનુ આશ્ચર્યથી સાંભળી રહી.

“આજથી બે વરસ પહેલાય એને એક સર્જરી કરાવવી પડેલી, એ પછી એ ક્યારેય બાપ નહિં બની શકે ને એની પત્નિની હાલત જો! સાવ છીનાળ છે ! છતાં, એ એને રાખે છે ! કહે છે, એને મા બનવાનો અધિકાર છે….”

લેખક : નિયતી કાપડિયા 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment