ખીલ હૈં કી માનતા નહીં…!!! વાંચો અને હસી હસીને લોટ પોટ થઇ જાવ…

201

“ખીલ કો મિટાને મેં ગયા; ખીલ મીટ્યોન એક
ગાલ બિગડા અપના; ખીલ સે બૂરાં ન કોઈ”…..

સ્થળ ગાલ. સોળ વરસની બાલી ઉંમરે મિત્ર રઘુના ગાલ પર એક ગાડીએ રોંગ પાર્કિંગ કર્યું. ગાડીનું નામ “ખી…લ”…. બે લાલચટ્ટક વિશાળ મેદાન પર ખીલના આડેધડ પાર્કિંગનો દંડ કેમ લેવો ? ત્રણ ભૂલ તો ભગવાન ય માફ કરે. બાકી “મૂળાનાં ચોરને ફાંસીની સજા નો હોય” મામૂલી ખીલની ગુસ્તાખી માફ. પણ રઘુના ઘરે મે’માન આવેલાં. મે’માને અમારાં મિત્ર રઘુના ખીલના રોંગ પાર્કિંગ પર સૌનું ધ્યાન દોર્યું…!! મે’માન બોલ્યા:
“હવે તમારો રઘુ જુવાન થતો જાય છે”
(રઘુડાને હૃદય પાસે ગ..લી..પ..ચી… થઈ હો..!!)

“હવે તમારે ઢોલ વગડાવવા પડશે”
( રઘુના મમ્મીનું હૃદય પણ સનેડાની ધૂને હિલોળાં લેવા માંડ્યું )
“વવ – બવ લાવવી પડશે”.
( હું બેંકમાં લોન લેવા કરગરું છું; એવું દ્રશ્ય રઘુડાના બાપાને દેખાણું.)
આ રઘુ અમારી મિત્રમંડળી માટે “રઘુડો” કે “રઘલો”. એના મમ્મી માટે “બેટા ર…ઘુ…!! આવી ગયો”. અમારાં ગામની દરેક છોકરીઓ માટે “રઘુભાઈ”. અને એના બાપા માટે “ર..ઘુ..ડા.. કયાં મરી ગયો..???”
મે’માનના શબ્દો ગણગણીને રઘુને બાળપણને ધક્કો મારવાનું મન થયું.. મન શું ?

બાળપણને ધક્કો મારી જ દીધો…માત્ર એક ખીલના પાવરે. “જેમ આપણા દેશના પડોશીઓ બીજા દેશના જોરે આપણને ધમકાવી જાય છે; એમ”…. અને અંદરથી મરદ મૂછાળો જુવાન પ્રગટ થયો. “આમેય ક્યાં સુધી બાળક બનીને રહું?” એમ રઘુએ ડોનાલ્ડ ટ્રંપ જેટલું જ વિચાર્યું.. અને રઘુ બચપણને રવાના કરી મર્દાનગી લેતો આવ્યો. મિત્રોની ટોળકીમાં વટથી કહેવા લાગ્યો… “મર્દકો કભી દર્દ નહી હોતા…” ( ઈ કોણ બોલ્યું કે ખીલ જરૂર હોતા હૈ)

રઘુડો ઘડીએ ઘડીએ અરીસામાં ખીલને નીરખે અને મે’માનના શબ્દો બબડે.. કે “વવ બવ લાવવી પડશે”… વવના લાવવાની વાતોથી “ખીલના પ્રેમમાં” રઘુડો ધૂબકો મારીને પડ્યો. મહેમાને બધાને વાતોમાં રાખીને નાસ્તો ઝાપટી લીધો. અને જતા જતા એક ફદિયુંય ન આપ્યું. પણ ઓલા રઘુડાનું રૂદિયું જીતી લીધું. રુદિયે તોંતેર કોઠે દીવડાઓ જગવા માંડ્યા…(ભૂલ-ચૂક લેવી દેવી) લગ્નના પાયામાં પેલો ખીલ.. “ખીલે રઘુનું દિલ જીતી લીધું” ઋષિમુનિઓ સમાધિમાં જેમ ઊંડા ઉતરે એમ રઘુ લગનના તરંગી પુલાવ ઠપકારવા લાગ્યો…(વિ…રા…ટ… સ્વપ્નાઓ) ખી…લ..!! લગન-બગન..!! મારે વવ આવશે…!! અને વવની વાહે સાળીયું. ( કોના દિલ પર ડોરબેલ વાગ્યો ?) જેમ બરફના ગોલાની ડીશમાં ઉપર ચેરી. અને સાસુ કહેશે જમાઈ આવ્યા જમાઈ આવ્યા (જમ કોણ સમજ્યું.. હેં..!!) એમ કહી સ્વાગત કરશે. આ “સાસરીનો શણગાર એટલે સાળીઓ” પતંગિયા જેમ ઉડાઉડ કરતી “સાળીઓ મારી સળીંયું કરશે.”
“સાળીની સળીંયું કોને ન ગમે” ? ( કોણ બોલ્યું બધાને ?) યુગો યુગોથી આ મસ્તીભરી ઘટના બને છે. “સાળી-ને મીઠાંવાળું પાણી”

નમક લાગા લાગા રે… મેરે ખીલકા… મેરી સાલીકા… હાય રે….!!!
રઘુને તેના મિત્ર દુદાયે તો સલાહ પણ આપી કે “જો સાળીઓ પાણીમાં મીઠું નાખીને લાવે તો ગટગટાવી જાવાનું. બાકી જો ના પાડીશ ને ડખ્ખો બખ્ખો થાશે તો બીજો મેળ પડતા ત્રણ-ચાર વરસ નીકળી જાશે. હમણાં સોકારવનો બોવ જમાનો નથી.” હાય રામ…..!! કુડીયોંકા હૈ જમાના…!!! રઘુને એના કાકાની શિખામણ પણ યાદ આવી કે જો કન્યા મોટી ઉંમરની હોય અને પગ દાબવા પડે તો ખોટું લગાડ્યા વિના દબાવી દેવાના.. વડીલોની સેવાનો લ્હાવો ક્યાંથી ? ( ઈ કોણ બોલ્યું: કાકા કાકીના પગ દબાવે છે?)

એક ખીલ ની પાછળ આટલા બધાં સ્વપ્નાઓ..!!! જેમ જેમ સ્વપ્નાઓ વધ્યા તેમ તેમ રઘુને ખીલ વધવા લાગ્યા. ખીલ “કીમ જોંગ ઉન”ની જેમ લોઠકા નીકળ્યા. જેમ સૂર્યાસ્ત બાદ ઇન્દ્રજીતની શક્તિ બમણી થતી તેમ રઘુના ખીલ દિવસે ન વધે તેટલાં રાત્રે વધે… રાતરાણીની જેમ ખીલ તો ખીલ્યાં… હવે લગનની કલ્પનામાં રાચતા રઘુને ખીલ ડંખવા લાગ્યા. રોજ રોજ રોંગ પાર્કિંગ કરી ગાલ પર અડ્ડો જમાવવા લાગ્યા.

નહિવત ભાડે રાખેલી રૂમ વધારે વળતર આપી ઘરમાલિક ખાલી કરાવે એમ અહી ગાલમાલિક રઘુ ખીલને ગાલરૂપી ખોલીને ખાલી કરાવવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગ્યો. જેમ ચૂંટણી ટાણે રાજકારણી આમ જનતાને લાડ લડાવે એમ ખીલ ને પાવડરથી સજાવે.. જાત જાતની ટ્યૂબ…સાબુઓ… રૂમાલથી ખીલને પ્યારું પ્યારું પંપાળેય ખરો.. પણ ખીલનું અટ્ટહાસ્ય રાક્ષસની જેમ હા… હા… હા… અમારાં કાઠિયાવાડી નવજોત બુધ્ધુનો બબડાટ ખીલ માટે આવો છે….

ઓ ગુરુ….
“આનંદ કહે પરમાનંદા, ખીલે ખીલે ફેર;
એક મટે તો ડાઘ રહે, બીજો ખાડો પાડી જતો રહે”… બજાઓ તાલી….
રઘુએ ગાલ પર ખીલ હટાવવાના કે…ટ…લા…ય… ઉપાયો કર્યા પણ ખીલ વિશ્વનાથ આનંદની જેમ જીતી જાય.. અંતે રઘુ મારી પાસે આવ્યો.

“જણાવો કે આ ખીલ તમને કેમ મટેલાં?” પુછડિયા જેમ એક જ રન બનાવી પેવેલિયનમાં બેસી જાય તેમ રઘુ પ્રશ્ન પૂછી સોફામાં બેસી ગયો..
મારી મુસ્કાન ઉવાચ….
“ત્રેવીસ વર્ષે ખીલને ઉંમર સાથે ડખ્ખો થયો ને ખીલ ચાલી નીકળ્યા ”
રઘુડો ખુશ થયો… બબડ્યો પણ ખરો… હાશ…!!! “હવે ખીલને એક જ વર્ષ સહન કરવા પડશે”…
(સમજે ક્યા?)

લેખન : નરેન્દ્ર જોષી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment