“માધા ગીલાએ સિંહ દેખાડ્યો” – માધાની વાતો વાંચીને તમારી આંખો પણ પોહળી થઇ જશે..

160

કુંડલાની માથે દસેક ગાઉં દૂર એક ગામ.. ડુંગરની નાની નાની હારમાળા!! ગામની ઉગમણે બાજુ એક નાની એવી નદી. નદીને કાંઠે ઘેઘુર ઝાડવાં!! ગામની વસ્તી હશે માંડ માંડ પંદરસોની !! પચરંગી વસ્તી.. ગામની ઉગમણી બાજુએ એક નાની પણ સરસ મજાની શાળા.. આઠ ધોરણ અને આઠનો સ્ટાફ.. બે નવા વિદ્યાસહાયક ગામમાં જ રહે.. બાકીના ફૂલ પગારવાળા કુંડલામાં રહે!! શિક્ષકોની એક બાબત હંમેશા મેં નોંધી છે કે જેમ પગાર વધતો જાય એમ એ મોટા મોટા શહેરોમાં સેટલ થતાં જાય!! વિદ્યાસહાયક ટૂંકો પગાર અને ગામમાં ખર્ચા ઓછાં. અને આમેય કાઠીયાવાડમાં લગભગ નઈ જેવાં ભાડામાં મોટા મોટા મકાન રહેવા મળી જાય!! એય પાછા ડેલાબંધ, એક ઓશરીએ પાંચ પાંચ ઓરડાં અને રસોડા ને પાણીની ભરપુર સુવિધા સાથે મળી જાય!! તમારાં ભાગ્યમાં હોય તો કોઈ ડોસા હોય મકાનમાં બાકી મોટાભાગનાં મકાન ખાલી હોય!! ગામમાં જુવાનીયા ઓછાં જોવા મળે!! સુરતમાં જેમ ચારે બાજુ “ઓન્લી ઢોસા” જોવા મળે એમ કાઠીયાવાડનાં ગામડામાં તમને “ઓન્લી ડોસા” જોવા મળે !!!

આવાજ એક ખાલી પડેલા પટેલના મકાનમાં બે વિદ્યાસહાયક રહે!! નોકરીને વરસ પણ નહોતું પૂરું થયું. એકનું નામ જયદેવસિંહ અને બીજાનું નામ હરપાલસિંહ બંને ખેડા બાજુનાં ક્ષત્રિયો.. એક જ તાલુકાનાં!! એટલે બેય ભેગા રહે.. ફૂલ ફેસીલીટીવાળી જિંદગી જીવે!! ફૂલ ફેસીલીટીવાળી જિંદગી એટલે એ લોકો હજુ પરણ્યાં નહોતાં!! જાતે રાંધે ને નોકરી કરે!! સ્વભાવ સારો એટલે ગામ સાથે ફાવી ગયેલું અને આમેય ગામમાં રહેતાં શિક્ષક્નુ વિશેષ માન હોય ગામડામાં!! આ મકાનની પડખે જ એક બીજું મકાન એમાં માધો રહે.. થોડી પોતાની જમીન અને થોડી ભાગવી વાવે.. આ માધો અને આ બંને બાપુઓને સારું એવું જામી ગયેલું!! ખાઈ પીને આ બને સાહેબો બહાર ઓટલે બેઠા હોય ને માધો નીકળે.. હાથમાં એક મોટી ચાર્જીંગ બેટરી હોય!! એક કડીયાળી ડાંગ હોય!! માથે મફલર જેવું હોય ને ડાંગ પછાડતો પછાડતો હાલ્યો આવે ઓટલાની બાજુમાં!!

“જમી લીધું સાબ, તમે તો ભારે ઉતાવળા નહિ”

“ હા નવરા બેઠાં બેઠાં ખાવા સિવાય બીજું કરવુંય શું” જયદેવસિંહ બોલે, મોબાઈલ ઘૂમરડતા ઘુમરડતા!!

“ હા ઈ વાત સાચી ખાવાનું અને જાવાનું ટાઈમસર હોય એ સારું બાકી નાવાનું તો અઠવાડિયે પણ ચાલે !!બાકી તમારે જલસા હો, ભણાવો કે ના ભણાવો પગાર તો આવે જ , ભાગ્યશાળી ખરા હો બાકી અમારા જેવાને માથાકૂટ ને બળતરા બધું ઉધડુ જ રાખેલું” માધો કહેતા કહેતા સુરેશ તમાકુ ચોળે ને પછી મોઢામાં ચડાવે અને પછી વાત નો દોર કરે ચાલુ તે રાતે ક્યારેક અગિયાર વાગે કે બાર વાગ્યે !! ગામ આખું જંપી જાય પણ આ માધો ના જંપે!! અને આ બન્ને શિક્ષકો એનાં સારા એવાં શ્રોતા તે માધા ને મન તો રાત એટલે જામો કામો ને જેઠવો!!! માધાના દાદાનો ઈતિહાસ ખુબ જ સારો એવો હતો. એ જુના વખતનાં સગડના જાણકાર અને ગામમાં એવી વાતું થતી કે જૂનાગઢના દીવાન પણ માધાના દાદાને ચોરના સગડ ગોતવા માટે બોલાવતા!! અને ટપુ દાદા એ સગડ પરથી ચોરને ઓળખી પણ જતાં!!! રોજ નવી નવી વાતું કરે માધો!!! અને વાતું પણ કેવી જાણે એક અજબ જ દુનિયા!!!

“સાબ તમે નહિ માનો” એમ કહીને માધો વાત શરુ કરે!!!

“આ ગામ પહેલાં ગર્યમાં ગણાતું, આહિથીજ ગર્ય શરુ થતું. પણ એક વખત આ ગામમાં સિંહ આવી ગયો ને મારા બાપનો મગજ ફાટીને ધુમાડે ગયેલો ને તે થયાં સિંહની વાહે તે સીમાડાવા છેટે સિંહને મૂકી આવ્યાં, સિંહ પણ પરસેવે રેબઝેબ ને મારા બાપુ પણ પરસેવે રેબઝેબ!! ને એમાં ફોરેસ્ટના સાહેબો ભાળી ગયાં ને તે મારા બાપને ખીજાણા કે “ ગીલા ભાઈ તમે આ ખોટું કરો છો. સરકારી કાયદા પ્રમાણે સિંહને તમે હેરાન ના કરી શકો.. તે મારા બાપુ પણ કહે કે એણે મારા ગામમાં આવવું જ શું કામ જોઈએ.. હું ગામનો પહાયતો.. ગામ મારા ભરોસે નીંદર કરે ને સિંહ આવે એ આ ગીલાને નો પાલવે. તે આવું લગભગ દર અઠવાડિયે હાલતા ને ચાલતા બને પછી ફોરેસ્ટ વાળા કંટાળ્યા અને અમને ગર્યમાંથી બહાર કાઢી નાંખ્યા. એટલે હવે ગર્ય તો આઘું વહ્યું ગયું આહીથી બાકી મને હજુ સાંભરે નાનપણમાં કે હું જેમ કુતરા હારે રમતો એમ જ સાવજના બચ્ચા સાથે પણ રમતો..!! સાવજ હારે અમારો પનારો તો ગળથુંથીમાંથી જ પડેલો. તે હે સાબ તમે સાવજ જોયેલો??

“અમારી બાજુ તો સિંહ છે નહિ પણ જુનાગઢ અને અમદાવાદનાં પ્રાણી સંગ્રહાલયમાં જોયેલો બે વાર” હરપાલસિંહ જવાબ આપે.

“ એ સરકસના કહેવાય સરકસના!!!! ન્હોર કાઢી નાંખેલા હોય એનાં!!! તાકાત વગર ના હોય, એ થોડાં સાવજ કહેવાય!!! એ તો ઓડા કહેવાય ઓડા!!!! બાકી સાવજ જોવો હોય તો આ બાજુ જોવા મળે!!!! હજુય ક્યારેક ભૂલમાં સાવજ આવી જાય અહિ ને એ વખતે ગામ મને ગોતે બાકી કોઈની દેન છે કે સાવજની સામો થાય!! ત્યારે હાલો હવે હું પણ ખેતરે જાવ હમણા રોઝ ખુબ વધી ગયાં છે ટાઈમે ના જાવને તો મારા બટા એ પાકનો તો સોથ વાળી દેશે!!” આમ કહીને માધો ઉપડે બતીનો શેરડો કરતો કરતો.

થોડાં જ સમયમાં આ બને શિક્ષકો માધાના પ્રભાવમાં આવી ગયાં. એ ગીરની અને આજુબાજુના પરિસરની એવી તો ધારદાર વાતું કરે કે આ બને જણા અભિભૂત થઇ ગયાં. એક રાતે એણે વનસ્પતિની વાત ઉપાડી!!!

“સાબ તમે નહિ માનો આ જે ડુંગરા છે ને ડુંગરા એ ડુંગરા એ કાઈ જેવા તેવા ડુંગરા નથી જો કોઈ જાણકાર હોય ને તો એની માલીપા એવા છોડવા ઉગે કે એમાંથી તમે સોનું બનાવી શકો સોનું!! ખુબ માતમ છે આ ડુંગરાનું!! પેલો ડુંગરો છે ને એની ઉપર ઘા બાજરીયું થાય ઘા બાજરીયું.. લ્યો કોઈની શું કામ હું મારી જ વાત કરું!! લગભગ પાંચેક ચોમાસા પહેલાની વાત છે આ તમારી નિશાળ પાહે જે ઉંડો ઘૂનો છે ને ત્યાં એક મગર આવી ચડેલો તે મને ખબર જ નહિ. એક સવારમાં હું ત્યાં ખરચું પાણી કરવા ગયેલો ને પછી મને એમ થયું કે હાલ્યને હું અઠવાડિયેથી નાહ્યો નથીને તે નાહી લઉં!! તે હું પડ્યો ઘુનામાં ખળખળયુ ખાવા!!! અને ઘુનામાં ક્યાંકથી મગર આવી ચડેલો એ મને ખબર નહિ ને મગરે પકડ્યો સીધો મારો પગ અને હુંય કાઈ ગાંજ્યો જાવ!!!! તે પાણીમાં ઉંડો નાખ્યો હાથ અને હાથમાં આવ્યું એક અણીદાર ચીપરું!!!!

તે લઈને મેં તો મગર પર બોલાવી ઝીંક !! ઘડીક તો મગરે બળ કર્યું પણ અણીદાર ચીપરું કાઈ એનું સગું થાય?? એનું તો અડધું માથું ચિરાઈ ગયું ને પછી મગર મારો પગ છોડીને ભાગ્યો પૂંછડી પટપટાવતો પટપટાવતો. અને ચારે બાજુ પાણી લાલચોળ થઇ ગયેલું અને પછી મેં મારો પગ જોયો, સાહેબ હાડકા દેખાઈ ગયાં તા બે ત્રણ જગ્યા એ!! મારો અડધો પગ મગરે લોહી લુહાણ થઇ ગયો હતો. કોઈ કાચોપોચો હોયને તો એ બીકમાંને બીક્માજ મરી જાય ત્યાને ત્યાં પણ મારે તો નાનપણ થી જ આ જંગલ હારે પનારો પડેલો ને તે મેં તો પછી લંગડાતે પગે ગયો એ ડુંગર પર અને લીલું કાચ ઘા બાજરીયું ગોત્યુંને એનાં પાંદડાનો રસ ચોપડ્યોને અને એક જ અઠવાડિયામાં પગ હતો એવો ને એવો અને જુઓ આ પગ” એમ કહીને માધાએ પગ બતાવ્યો . એક પણ નિશાન નહોતું. જયદેવસિંહ અને હરપાલસિંહ તો આ વાત સાંભળીને દંગ જ થઇ ગયાં!!!

વળી એક રવિવારે માધાએ બીજી વાત છ્કાવી..

“તમે નહિ માનો સાબ, આ બાજુ પેલાં ચિતળ બહું થાતા, હજુય જોવા મળે પણ ક્યારેક ક્યારેક”

“ચિતળ કેવું હોય?” જયદેવસિંહ ને રસ પડે.. અને માધાને મોજના ફુવારા છૂટે!!

“તમે નહિ માનો સાબ, એ નાગ કરતાં મોટો આવે અને અજગર કરતાં નાનો આવે અને અડધા નાડાવા જેટલો લાંબો હોય ને શરીરે કેસરી પટ્ટા હોય !!! એ ઇસ્કુટર જેવો અવાજ કરે અને દોડીને બટકું ભરે એને તમે જેમ એને લાકડીએ લાકડીએ મારોને એમ એનું શરીર ફૂલે!!! મુકેજ નહિ આવો નાગ હોય ચિતળ!! એ કરડે પછી એ પગ સડે!!! એ મટે જ નહિ બોલો”

“ એ ઘા બાજરીયાથી ય ના માટે “ હરપાલસિંહે પૂછ્યું અને માધાએ તરત જ જવાબ આપ્યો.

“એમાં ઘા બાજરીયું કામ નો આવે, એમાં પાણા ફાડ નામનો છોડવો આવે, ઈ છોડવો ઓલ્યા ડુંગરે થાય!!”એમ કહીને માધો સહુથી આઘેનો ડુંગર બતાવે…!!

“ આ બધું હું મારા દાદા અને બાપા પાસેથી શીખ્યો છું સાબ!! તમે નહિ માનો સાબ મારા દાદા મારા દાદાએ મને વીંછી ઉતારવાનો મંતર આપેલો!! એ મંતર હું બોલુંને તો વીંછીના બાપથી ય ઉતરવું પડે બોલો!! પણ એ મંતર કોઈને કેવાય નહિ, સાબ તમને વીંછી કરડે તો મને કેજો ઘડીના છટ્ઠા ભાગમાં હું વીંછી ઉતારી દઈશ.. હાલો સાબ તમેય ખાટલા ભેગા થાવ અને હું થાવ ખેતર ભેળો” આમ કહીને માધો જાય ખેતરે અને આ બેય શિક્ષકો પણ સુઈ જાય!!! આમને આમ દિવસો કપાતા જાય!!!

એમાં એક દિવસ સવારે શનિવારે નિશાળમાં બાળકોએ વાત કરી કે હાદાબાપુની વાડી બાજુ સિંહ દેખાણો છે!! છોકરાઓ અલગ અલગ વાત કરતાં હતાં, કોઈ કહે કે બે સિંહ છે, તો કોઈ કહે કે સિંહ, સિંહણ, અને બે બચ્ચાં છે. કોઈના બાપાએ સિંહને જોયો તો કોઈની બેને સિંહ ને જોયો, કોઈના ભાગીયાએ સિહ જોયો તો કોઈના પાડોશીએ સિંહને જોયો!! એવી આડા અવળી વાત શાળામાં ચાલી. જયદેવસિંહ અને હરપાલસિંહ ને થયું કે આજ મોકો છે અસલી સાવજ જોવાનો..!! અગિયાર વાગ્યાને બાળકો છૂટ્યા ને શિક્ષકો વછુટ્યા કુંડલા બાજુ..!! વધ્યા આ બે વિધ્યાસહાયક!! જેવું તેવું ખાધું અને ગોત્યો માધાને!! માધો ક્યાંક ખરખરે ગયેલો તે આવીને સૂતેલો!! બેય જણા એ માધાની ખડકી ખટખટાવી!!!

“માધાભાઈ એય માધાભાઈ, ખડકી ખોલો” માધો બહાર આવ્યો..

“હાદા આપાની વાડીએ સિંહ આવ્યો છે એમ છોકરાં કહેતા હતાં. તે અમને સિંહ બતાવોને” જયદેવસિંહે કીધું..

“પણ અત્યારે એ નો આવે ઈ મારણ કરીને સુતો હોય એ દી આથમ્યે જ બારો નીકળે, અત્યારે બાવળના ઝાળામાં કે ક્યાંક શેરડીનાં વાડમાં પડ્યો હોય. આ બાજુ સિંહ આવે ને ત્યારે તમને બરકી જઈશ..”માધા એ ચોખવટ કરી!!

“નહિ આજ જોવો જ છે અને તમારે આવવાનું જ છે ભલાદમી ભાઈબંધ થઈને તમે સાવજેય નો બતાવી શકો” હરપાલસિંહે કીધું..

“પણ બાપુ એમાં ગાઢ જોઈએ, બીવો તો નો હાલે. સાવજ પણ માણાહ ઓળખે.. એ જે બીવે એની ઉપર જ હુમલો કરે, પછી ન્યા ગ્યા પછી તમે ભાગો તો સિંહ તમારી વાહે થાય પછી મારી જવાબદારી નહિ.. અને હાદાબાપુની વાડી આવી ત્રણ ગામને તરભેટે!!!!!! ત્યાં વાહન લઈને જ જાવું પડે,, અને નથી વાહન મારી પાસે કે નથી તમારી પાસે!! માધો આવી દલીલ કરે છે ત્યાજ કેશુરબાપુ નીકળ્યાં બુલેટ લઈને અને વાત સાંભળીને કીધું..

“સાબ લઇ જાવ આપણું બુલેટ અને માધીયા તારો તો આ બાપદાદાનો ધંધો સાવજ બતાવવાનો અને તું સાળા આ સાહેબોને ના પાડશ!! એક તો આ ગામમાં માંડ માંડ માસ્તર આવે ને તું ના પાડ્ય!! આવું ને આવું કરશો તો ડોહો કોઈ માસ્તર નહિ ટકે!! સાબ લઇ જાવ બુલેટ અને જ્યાં સુધી સિંહ નો ભાળો ને ત્યાં લગી પાછા ના આવતા, ડીઝલ ખૂટે એમ નથી બુલેટમાં!! કાલ જ કુંડલામાં ફૂલ ટાંકી કરાવી છે.. હાદાબાપુની વાડીયે નો હોય ને તો તમે આગળ જાજો તમતમારે ધારી સુધી લઈ જાવ આ બુલેટ!! અને એય માધીયા બેહ બુલેટમાં!!!

અને બુલેટ ઉપડ્યું ત્રણ સવારીમાં… જયદેવસિંહ, હરપાલસિંહ અને વચ્ચે માધીયો!!! વગડો વીંધતું બુલેટ થોડીવારમાં ટેકરીઓની વચ્ચે હાદાબાપુની વાડીયે પહોંચ્યું..!! વાડીયે કોઈ ન્હોતું. ચારે બાજુ ટેકરી અને વચ્ચે વાડી.. એક બાજુ મોટું વેણકુ એની પાસે એક મશીનની ઓરડી!! ઓરડીની સામે બે મોટાં સ્લેબ વાળા મકાન!!! હાદાબાપુ એમાં કપાસ ભરે!!! ઓરડીની પાસે એક મોટી કુંડી એમાં તાજું પાણી ભરેલું પડખે એક ચીકુડી એનાં થડીયે પીવાના પાણીનું માટલું!! માટલાં ઉપર પાણી પીવાના બે છાલિયા.. પડખે ચા કરવાનો મંગાળો!! વાડીની નજીક જ ધોરીયા પાસે રજકો વાવેલો એનીની બાજુમાં વરીયાળી નો કેરો,મરચી નો કેરો અને આઘે જોઇએતો ૫૦ વીઘાનો શેરડીનો વાઢ ઉભેલો!!! બરોબર વચ્છે એક ઘેઘુર અને ઘટાદાર આંબો..ઓરડી પાસે બુલેટ ઉભું રાખ્યું.. કુંડીમાં બેય સાહેબો એ મોઢું ધોયું.. માધો આજુબાજુ જોતો હતો. ચીકુડી નીચેના માટલામાંથી પાણી પીધું.. અને એવામાં સિંહની હળવી ત્રાડ આવી ને માધો બોલ્યો…

“સાબ મારું માનો તમે બેય સાહેબો આ આંબા પર ચડી જાવ . તમે જો બીય જાશો તો ભારે થાશે.. મને તો સાવજ કાઈ નહીં કરે,,, પણ પછી તમારા માવતર આવીને મને તમારૂ પૂછે તો મારે એને કહ્યા મોઢે જવાબ દેવો!! મારું માનો સાહેબ તમે ઝાડ પર ચડી જાઓ અને જો ન્યાય બીક લાગે તો હુંય ભેગો આવું, હવે કાઈ” એમ કહીને માધો સૌથી પહેલાં ચડી ગયો!! પાછળ પાછળ બેય બાપુ પણ ઝાડ પર ચડ્યા!! છેક ઉપર મજબુત ડાળી પર માધો ગોઠવાણો અને બેય સાહેબોને ત્યાં બોલાવી લીધા અને કીધું કે તમને સાવજ ની ખબર નો હોય એ વીસ ફૂટનો તો ઠેકડો મારે ઠેકડો!!! એવામાં ત્રાડ સંભાળાણી!! બધાય રસ્તા બાજુ જોવા લાગ્યાં.. ધીમે ધીમે અવાજ નજીક આવતો ગયો.. ત્રણેય ફાટી આંખે જોઈ રહ્યા પણ સિંહ દેખાણો નહિ અને જયદેવસિંહએ પાછળ જોયું તો સિંહ મશીન ની ઓરડી પાસેથી વેણકામાંથી અવળી દિશામાં થી આવ્યો હતો … એય ને ડાલામથ્થો, ગીર કેશરી. બે મીટર જેટલો લાંબો હશે ધીર ગંભીર ચાલે થોડું ચાલ્યો.. જયદેવસિંહે હરપાલસિંહ ને ઈશારો કર્યો.. હરપાલસિંહે પણ સિંહ જોયો… અસલી સાવજ…!! પણ માધો તો હજી વાડીના રસ્તા તરફ જ જોઈ રહેલો.. જયદેવસિંહે માધાનું મોઢું ફેરવ્યું અને સિંહ બતાવ્યો… અને માધા એ સિંહ જોયો… એય ને વિકરાળ તેમ છતાં એક મહારાજાને છાજે તેવી અદા!! અને સિંહ એક ડગલું આગળ ચાલ્યો અને અવાજ આવ્યો !!!!!!!!

“તડડડડડડડડડડડડડડડડડડ…………………………………..”

બેય શિક્ષકો ચોંક્યા આવો અવાજ અને જોયું તો નવાઈનો પાર નહિ!! માધાની ચોરણી નીચેથી પીળા રંગની ધાર થતી હતી..માધો ધ્રુજવા લાગ્યો.. બેય જણા એ પકડી રાખ્યો… અને સિંહે માધાની સામે જોયું અને માધાએ સિંહની આંખમાં જોયું… સામે ઉભેલું મોત દેખાણું અને સિંહે આળસ મરડીને ત્રાડ પાડી !!! એક રાજવીની ત્રાડ!! એક વિજયની ત્રાડ!!! એક ગર્વીલી ત્રાડ!!!! અને પાછો અવાજ આવ્યો !!!! આ વખતે આવો અવાજ હતો!!!

“પડડડડડડડડડ………..ડડડડડડડડડડડડડ……………………..”

માધાની ચોરણીમાંથી આ વખતે લીલી ધાર થાતી હતી!!!!…. કાચું કાઢી નાંખ્યું હતું કાચું ..!!!!!!!. આ વખતે…… સવારે ધોળા લૂગડાં પહેરીને ખરખરે ગયો હતો માધો,!!! એક દમ નવી નકોર ધોળી બાસ્તા જેવી ચોરણી.. લીલા અને પીળા પટ્ટાથી જેતપુરની બાંધણી જેવી થઇ ગઈ હતી!!!! માધો ધ્રુજી રહ્યો હતો.!!!!!. જો બેય શિક્ષકોએ પકડ્યો ન્ હોત તો એ પડી જ ગયો હોત..!! માધાનું આખું શરીર ધ્રુજે જેમ ઢોલ પર રાઈનો દાણો ધ્રુજે એમ જ!!! માધાએ રાડ પાડવા મોઢું ખોલ્યું કે હરપાલે મોઢા આગળ હાથ મૂકી દીધો અને જયદેવે ડોળા કાઢીને ચુપ રહેવા જણાવ્યું.. સાવજ હવે બરાબર … આંબા નીચે આવ્યો.. હમણા જ નીચે પડેલા માધાનાં અવશેષો જોયાં!! અને સિંહ જાણે આઘો ભાગ્યો !!! એક તિરસ્કાર ભરેલી દ્રષ્ટિ નાંખી અને પછી પોતાની મસ્તી થી એ “ગીર રત્ન” શેરડીના વાડ પાસે ગયો અને ત્યાંથી દૂર જતો રહ્યો.. આંખોમાંથી સિંહ ઓઝલ થયો એટલે બધાં હેઠા ઉતર્યા અને હરપાલે તો કાંઠલો પકડ્યો માધાનો,,..!! જયદેવે એને વાર્યો.. માધો હજુય ધીમું ધીમું ધ્રુજતો હતો.. પાંચેક વાગવા આવ્યાં હતાં.. બેયે પકડીને માધાને નાંખ્યો પાણી ની કુંડીમાં!! કુંડી પણ આછા પીળા અને આછા લીલા રંગના મિશ્રણ જેવી થઇ ગઈ… બુલેટ પાસે આવીને પલળેલ કપડે માધો બોલ્યો..

“સાહેબ કોઈને કહેતા નહીં , આમ જો આજથી તમારી ગા, આજથી બડાઈ જ નહિ કરું, આ તો શું જીવનભર સસલાં સિવાય મેં કાઈ જોયું જ નથી.. આ તો બાપા પાહેથી બધી વાતું સાંભળેલી.. બાકી મેંય સાવજ આજ પેલી વાર જોયો અને બીય ગયો.. ભલા થઇ ને ગામમાં વાત ના કરતાં.. ગામ મારી ઠેકડી ઉડાડશે.. મારે ગામમાં જીવવું ભારે થશે!! તમે તો ભણેલ ગણેલ અને ડાહ્યા કહેવાવ”

“અરે આ બુલેટ લઈને તો હજી સિંહની વાહે જાવું છે ને પછી ઓલ્યે ડુંગરે ઘા બાજરીયું, ને ઓલ્યે ડુંગરે પાણાફાડ પણ લેવાની છે , હાલ્ય બેહ બુલેટમાં મારા હાળા ફાન્કોડી “ હરપાલસિંહ બોલ્યાં..

“એ ભાઈ સાહબ રહેવા દ્યો , તમારી ગા છું બેય માસ્તર સાબને પગે પડું છું હવે જાળવી જાવ મારા બાપલા!!“ માધો બોલ્યો હાથ જોડીને!!!

અને પછી બેય શિક્ષકો હસી પડ્યા અને સાંત્વના આપી કે માધા મુન્જામાં અમે તારી વાત ક્યારેય નહિ કરીએ પણ તું બીમાં ખોટો… આજ થી હવે ખોટી બડાઈ ના મારતો..

જીવનમાં ક્યારેય એટલી બધી ફાંકા ફોજદારી પણ ના કરવી કે પેન્ટ અથવા ચોરણી પણ પણ બગડી જાય અને દયાજનક સ્થિતિમાં મુકાવું પડે….

લેખક:- મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment