“બાબુ સલેન્ડર (સિલિન્ડર)” – ગજબની સ્ટોરી છે આ નામ પાછળ.. વાંચો અને શેર જરૂર કરજો..

346

દિવાળીની રજાઓમાં હું મોટેભાગે સુરત જાવ છું. બા -બાપુજી, નાના ભાઈઓ, સગા સંબંધીઓ બધાંજ સુરત રહેતાં હોઈ બીજે કયાંય જવાનો વિકલ્પ જ હોતો નથી. અને આમેય કાઠીયાવાડીઓ માટે સુરત એ બીજું વતન છે. રોન્ઢા ટાણે ઘરે બેસીને કંટાળ્યો તો વિચાર થયો કે ચાલ ને મોટા વરાછાના પુલ પર આંટો મારી આવું,થોડું વોકિંગ પણ થઇ જાય અને “કુંભણીયા” પણ ખવાઈ જાય. વરાછા પુલ પરનાં “કુંભણીયા” તો દાઢે વળગે એવાં. મને ઘણીવાર વિચાર આવે કે ચણાનો લોટની શોધ ના થઇ હોત તો અમારાં કાઠીયાવાડીનું શું થાત??

ચોકડી વટાવીને હું પુલ તરફ વળ્યો, કે તરત જ એક પહાડી અવાજ આવ્યો.

” એય માસ્તર ભાઈ ઉભા રહો” પાછું વાળીને જોયું તો એક બેઠી દડીનો, મજબૂત,ભીને વાન જેવો એક ભાઈ આવીને મારી પાસે ઉભા રહ્યો. ચહેરો થોડો પરિચિત લાગ્યો પણ ઓળખાણ ના પડી.

” ભૂલી ગ્યાને માસ્તર ભાઈ, અમારાં જેવાને તમે ક્યાંથી યાદ રાખો,માસ્તર ભાઈ”?

અચાનક જ મને માસ્તર ભાઈ પર થી કશુંક યાદ આવ્યું. ત્યાં એ ભાઈ જ બોલી ઉઠ્યા કે

” સલેન્ડર,!! બાબુ સલેન્ડર…!! જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં બાબુ બોલ્યો.

” અરે બાબુ તું અહીં ક્યાંથી? તું કેટલો બદલાઈ ગયો છે.” મેં કહ્યું ના કહ્યું ત્યાં બાબુ મને ભેટી પડ્યો…અને કહે ચાલો આપણી હોફિસે… ઓફીસ!! મને નવાઈ લાગી. પણ એણે તો મારો હાથ ઝાલીને મને ખેંચવા માંડ્યો..હાલો તો ખરા.. અને હું ભૂતકાળમાં સરી પડ્યો…..30 વરસ પહેલાની ઘટનાઓ જાણે કે તાજી થઇ.

મારી પ્રાથમિક શિક્ષક તરીકેની પ્રથમ નિમણૂંક શેત્રુંજી કાંઠાનાં એક અંતરિયાળ ગામમાં થઇ હતી. સાવ જર્જરિત થયેલાં બે ઓરડા એકમાં બાજુ લોકો બકરાં ભરે અને બીજામાં બાળકો ભણે. ઓરડો પણ તૂટેલી હાલતમાં ઉપર લગભગ નળિયા નહિ,નીચે તળિયા નહિ,અને રમવા માટે કોઈ ફળિયું નહિ, 1 થી 4 ધોરણ 40 ની સંખ્યા. એક શિક્ષક -કમ-આચાર્ય હતાં. મને જોઈને ભેટી પડ્યા તરત હાજર કરી દીધો. છોકરાને રજા આપીને મને ઘરે લઇ ગયા.લાપસીને ભજીયા બનાવ્યાં.એમની મહેમાનગતિ જોઈને હું દ્રવિત થઇ ગયો. ભગવાનનો પાડ માન્યો. આવો આચાર્ય મને મળ્યો,હું તો રાજીના રેડ થઇ ગયો,અને આમેય પ્રાથમિક શાળાનાં શિક્ષક ને સારો આચાર્ય,અને સારી પત્ની મળે તો એનો ભવ સુધરી જાય એવી એ વખતે માન્યતા હતી.અને આજે પણ એજ માન્યતા છે!! પણ મારી ખુશી લાંબી ના ટકી. જમીને થોડી આડા અવળી વાતો કરીને એ ગર્વભેર ઉભા થયા. પોતાનાં પલંગ નીચેથી આઠેક કાગળિયા કાઢીને કીધું કે કરવા માંડો સહી. જોયું તો એમનો બદલીનો ઓર્ડર અને ચાર્જ લિસ્ટ હતું.

‘ મારી બદલી થઇ એને વરસ થઇ ગયું,પણ કોઈ આવે તો હું છુટ્ટો થાવને? એ બળુકા અવાજે બોલ્યાં. જાણે તિહાર જેલમાંથી છૂટ્યા હોય એવી એમની મુખ મુદ્રા હતી. આમ હું એ શાળાનો સર્વે સર્વા શિક્ષક -કમ-આચાર્ય બની ગયો.

નિશાળની બાજુમાં જ બાબુ અને તેમનાં ભાઈઓનાં મકાન. પહેલે જ દિવસે મેં છોકરાઓ ને ધમકાવ્યા,અને ધોકાવ્યા ય ખરાં. પેલે દિવસે જે છાપ પડે એ છેક સુધી રહે એ આશય મારો. આમાં બાબુનાં બેય છોકરા પણ ઝપટે ચડી ગયેલાં, તે રીશેષ પછી બાબુ આવ્યો નિશાળે!! બેય હાથ પાછળ મોઢામાં માવો, લાલચોળ આંખો,કસાયેલા બાવડા, કધોણીયો થઇ ગયેલ શર્ટ. બારણાની વચ્ચે ઉભો રહ્યો..

“માસ્તર ભાઈ, નવા આવ્યા છો?

” હા “ મેં હાજરી પત્રકમાં નજર નાંખીને કહ્યું.

” આ અમારા છોકરાને તમે માર્યા”?

” હા” મેં જવાબ આપ્યો”

” આવી રીતે અમારાં છોકરાને નહિ મારવાના માસ્તર ભાઈ”

” તો કેમ મારવાનાં” મેં પણ નક્કી કર્યું કે ઢીલું તો નથી મુકવું જ. જોકે અંદરથી તો ધ્રુજારી છૂટી જ ગઈ હતી..!!

” એ એને આમ મારવાનાં !!” કહી ને બાબુના બે હાથ પાછળ હતાં. તે આગળ આવ્યા. અને તે હાથમાં બાવળની સરોડયા વગરની નાની સોટી હતી. તે સોટીથી એણે પોતાનાં બેય છોકરાને મંડ્યો ઝુંડવા.

હું ઉભો થઇ ગયો. સોટી લઇ લીધી બાબુ તો ચાલુ જ હતો કહે ” અમારી આ ગામડાની અડબાઉ વેજા, તમારાં લાફા અને ઢીકાને તો આ મારા બટા ઘોળીને પી જાય, અને આને તો સરોડયા વગરનાં બાવળના સોટા જ જોઈએ તો જ આ વાનરસેના સુધરે. માસ્તર ભાઈ તમે તમારે સીધા દોર કરી નાંખો અને જો કોઈ ફરિયાદ લઈને આવે તો કેજો કે બાબુ સલેન્ડરે કીધું છે, આ ગામમાં તમારાં જોગા માસ્તરની જ જરૂર હતી. આ મારો બાબુ સાથેનો પહેલો પરિચય…!! પછી તો બાબુ શાળાનો પર્યાય બની ગયો.

શાળામાં કોઈ કામ હોય બાબુ હાજર જ હોય, નળિયા સરખા કરવાના હોય કે આજુબાજુના બાવળિયા કાપવાના હોય,બાબુને બોલાવોને એક માવો ખવરાવો એટલે બાબુ પછી ચોંટી પડે!! ગમે ત્યારે બાબુ હાજર હોય. બાબુ આખા ગામના કામ કરે. આખા ગામનો હાથ વાટકો એટલે બાબુ. લગ્ન પ્રસંગ ગમે ત્યાં હોય, બાબુ ની હાજરી હોય, મગબાફણા ફાડવાથી માંડી ને જાન વળાવવા સુધીનાં દરેક કામમાં બાબુ મૌર્યનો મોર્ય જ હોય. મોળા પ્રસંગે પણ બાબુ અચૂક હાજર જ હોય. સ્મશાને લાકડા પહોંચાડવાથી માંડીને પાણી ઢોળ સુધીનાં બધાજ કામમાં બાબુ પાછી પાની ના કરે.

બાબુ ને “સલેન્ડર” કેમ કહે છે,એનો ઇતિહાસ પણ મને જાણવા મળ્યો. વરસો પહેલાં જીલુભા બાપુ ને ટ્રેકટર હતું. એક વખત બાપુને અચાનક આઘેરું ખરખરે જવાનું હતું ને ટ્રેક્ટરનાં આગળના પૈડામાં હતું પંચર. ગામમાં બે દિવસથી લાઈટ નહિ એટલે હવા પુરાય કે પંચર થાય એમ નહોતું. જીલુભા મૂંઝાણા કે હવે કરવું શું? એમાં આવ્યો બાબુ જીલુભાને કહે લાવો તમારો રેકડાનો પંપ હું હવા ભરી દઉં. બાપુ એ નાં પાડી કે “માળા ખોટું કર્યમાં, હવા ના ભરાય” બાબુ કહે તમે સુઈ જાવ સવારે તમારા ટાયરમાં હવા હશે. જીલુભા તો ગયા,અને આ બાબુ મંડાણો, સવાર થયું ત્યાં સુધીમાં તો ટ્રેકટરનું પંચરવાળું પૈડું ફુલીને દડા જેવું થઇ ગયું. જીલુભા તો સવારે આંખો ચોળતા જ રહી ગયા,અને બસ ત્યારથી બધાં બાબુને “બાબુ સલેન્ડર” કહેતાં,અને બાબુને એનો કોઈ વાંધો જ નહોતો.

બાબુ ને ગામ જ નહિ તાલુકા વાળા પણ ઓળખે, મામલતદારથી માંડીને તલાટી સુધીના બધાજ બાબુ ને ગોતતા હોય. એમાંય ચૂંટણી વખતે તો પોલીસ વાળા ને “ખાવા”થી માંડીને “પીવા”ની વ્યવસ્થા પણ બાબુ કરી આપે. બાબુ ખરેખરો જીવરો. શાળાનાં પ્રવાસમાં હું બાબુને સાથે લઇ જતો. બાબુ છોકરાનું બરાબર ધ્યાન રાખે, ડ્રાઈવર સાથે જ એ બસમાં આગળ બેસે સુવે જ નહિ. ” ડ્રાઈવર ને એકલો ના મુકાય,એને વાતોએ ચડાવાય,નહીંતર એને જોકુ આવે ને આપણને સુવરાવી દે” બાબુ કહેતો..

દસેક વરસ પછી મારી બદલી થઇ. બાબુ મને ભેટીને રડ્યો. પછી અવારનવાર બાબુ ને મળતો. પછી એક દિવસ સમાચાર મળ્યાં કે બાબુને દુદા શેઠ મુંબઇ લઇ ગયાં છે. તે છેક આટલા વર્ષે બાબુ મને સુરતમાં મળ્યો…

” આ આવી ગઈ આપણી હોફિસ” સિદ્ધકુટિર પાસેની એક રો હાઉસ ટાઇપની સોસાયટી ગેટ પાસે એક સિક્યુરિટી ઓફિસમાં બાબુ મને લઇ ગયો. મને બેસાડ્યો. અને ખીસામાંથી “માર્કો પોલો” સિગારેટ કાઢીને મને કે “માસ્તર ભાઈ તમને તો અચરજ લાગતી હશે ને કે હું અહીં ક્યાંથી”?

” હા નવાઈ તો લાગે જ ને” મેં કહ્યું

“વાત જાણે એમ બની હતી કે” સિગારેટનાં ધુમાડાના ગોટા ઉડાડતા બાબુ બોલ્યો.. ” તમે દુદા શેઠને તો ઓળખો ને, હું ને દુદો સાથે ભણતાં ત્યારની ભાઈ બંધી, તમે ગયા પછી બેક વરસ પછી દુદા શેઠ મુંબઈથી કોઈકનું બેક કરોડનું ફુલેકું ફેરવીને ગામડે આવ્યા. પેલી મુંબઇ વાળી પાર્ટી દુદા શેઠને ગોતતી ગોતતી ગામડે આવી ને શેઠ ને પકડીને ગાડીમાં નાંખી ને લઇ જતા હતાં અને હું સામો મળ્યો. તે એક ગોબો નાંખ્યો ને તે કાચ તોડીને ડ્રાઈવરને વાગ્યો. ગાડી પડી ઉંધી. પછી તો સરોડયા વગરની બાવળની સોટીએ એવાં તો ઝુડ્યા કે બધા ગયા ઉભી પૂંછડી એ. શેઠ પછી મને કહે ચાલ મુંબઇ તને હું મો માંગ્યો પગાર,તે હું તમારા બેન અને બેય છોકરાને લઈને બેક વરસ મુંબઇ રહ્યો.

પછી આ સોસાયટી દુદા શેઠે બંધાવી એમાં થોડોક લોચો હતો તે મને અહીં મુક્યો છે. એક મકાન આપ્યું છે છેલ્લે ત્યાં હું રહું છું. આ સોસાયટીમાં પહેલા ‘લૂખી બટાટના”નો ત્રાસ હતો. એક બેનાં ટાંટિયા ભાગ્યા મેં. બે વરસ તો જેલ માં પણ ગયો. પણ હવે આજુબાજુમાં ધાક બેસી ગઈ છે. મારા બેય છોકરા પરણી ને દુદા શેઠ સાથે મુંબઇ જ રહે છે. હું અહીંયા . આ સોસાયટીમાં 100 જેટલા રો હાઉસ છે બધા મહિને 500 રૂપિયા આપે છે. મહિને 50000 જેટલું મળી રહે છે.. વળી સોસાયટીમાં આપણું નામ ખરું. તમે કહો “સલેન્ડર ક્યાં છે?’ તો તમને મારા ઘર સુધી મૂકી આવે.. આજુબાજુ ચોરી થાય પણ અહીંયા તો સલેન્ડર જીવતો બેઠો છે એટલે ચોર ફરકે પણ નહિ” બાબુ એ સિગારેટ પુરી કરતા કહ્યું

હું બાબુને તાકી રહ્યો. કિસ્મત માણસ ને ક્યાંથી ક્યાં લઇ જાય છે. પરાણે આગ્રહ કરીને બાબુ એ લોચો મંગાવ્યો ખાધો.બાબુ એ ફરી આવવાનો આગ્રહ કર્યો. અને હું બાબુમય થઈને ઘર તરફ પાછો ફર્યો…!!! જેનું નસીબ પાધરું હોય એને બધી બાજુ બખ્ખાં જ હોય છે !!

લેખક : મુકેશ સોજીત્રા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment