“વ્યક્તિત્વ અને નેતૃત્વનો સમાનતા મંત્ર” – વાંચો અને શેર કરવાનું ભૂલાય નહી.

156

ગાંધીજીએ કહ્યું છે કે “મેં મારા અંતઃકરણની શુદ્ધિ માટે ઘણી વાર મનન-મંથન કર્યું છે. આત્મશુદ્ધિમાં તમારા વ્યક્તિત્વને પ્રબળ અને સબળ બનાવવાની તાકાત રહેલી છે.” ગાંધીજીમાં ગજબની નેતૃત્વશક્તિનો ગુણ રહ્યો. તેમને વર્લ્ડ-લીડર તરીકે દુનિયાભરના દેશો સત્ય અને અહિંસાના પુજારી તરીકે આજે પણ યા કરે છે. મનની મક્કમતા અને કાર્ય કરવા પ્રત્યેનો અડગ નિર્ધાર, આ બે બાબતો ગાંધી બાપુની આગવી તાકાત હતી.

આજે આપણે યુવા જોશ શ્રેણીમાં વ્યક્તિત્વના ઘડતરમાં અગત્યના પાસાઓ વિશે વાત કરીએ. વ્યક્તિત્વ અને નેતૃત્વની સમાનતા વિશે પણ મુલ્યાંકન કરીએ. રોબર્ટ ફોર્સ્ટ નામના વિચારકે કહ્યું છે કે માણસ ભુલો કરે છે, એમાંથી જ કંઈક નવીન અને નૂતન શીખે છે. જો માણસ કામ જ નહીં કરે તો એની ભુલો થવાની સંભાવના શૂન્ય રહી જશે અને તે નેગેટિવ અર્થમાં પરફેક્ટ તો ગણાશે પણ વર્ક પ્રોડક્ટિવિટીના મુદ્દે ઝિરો રિઝલ્ટ આવશે.

જ્યારે લોકો તમારા કામની જ્યારે ટીકા કરે ત્યારે તેમનો આભાર માનવો જોઈએ, કેમ કે તેમણે તમારા કામને જોવા અને મૂલ્યાંકન કરવા માટે સમય આપ્યો. તમારા કામની જો કોઈ ટીકા જ નહીં કરે તો તમને એમ જ લાગવા માંડશે કે બધું બરોબર થઈ રહ્યું છે. જ્યારે ટીકા થાય છે ત્યારે સમસ્યા એ ઉભી થાય છે કે ટીકાને લોકો વ્યક્તિગત અર્થમાં લઈ લેતા હોય છે. ખરેખર તો તમારી ટીકા કરવામાં આવતી નથી, પરંતુ તમે કરેલા કામની ટીકા અથવા તમારા કામની કોઈક ખામી બતાવવામાં આવી હોય છે. કામની ટીકાને વ્યક્તિત્વ યા વ્યક્તિગત રીતે જોડવાની કોઈ જરુર નથી.

કોઈ વ્યક્તિ તમારી ખામી બતાવે ત્યારે એનો અર્થ એવો જરાય નથી કે તમે ખામીયુક્ત અથવા ખરાબ વ્યક્તિ છો. ખામી અથવા ટીકા કાર્ય માટે હોય છે, તેને આપણા વ્યક્તિત્વ યા પર્સનાલિટી સાથે જોડી દેવાની કોઈ જરુર હોતી નથી. જેમ કે કોઈ ક્રિકેટરનું કોઈ એક મેચ પુરતું પરફોર્મન્સ કદાચ ખરાબ હોઈ શકે, ત્યારે એના પરફોર્મન્સની અવશ્ય ટીકા થઈ શકે, પરંતુ એનો અર્થ એવો તો નથી કે એ ક્રિકેટર જ ખરાબ છે, અથવા એ ક્રિકેટર જ લાયકાત વિનાનો છે.

વાસ્તવમાં જ્યારે આપણે કોઈ પણ ટાસ્ક હાથ ઉપર લઈએ છીએ ત્યારે મોટા ભાગે એવું ટાસ્ક કદાચ પહેલી વારનું પણ હોઈ શકે. આવા સંજોગોમાં કોઈ કાર્ય પહેલી વાર કરવામાં આવતું હોય ત્યારે એવા કાર્યમાં કોઈક ખામી રહી શકે છે. પરંતુ પોઝિટીવ થિન્કિંગ એટલું જ કે પહેલી વાર કરવા લાયક કાર્ય માટે આપણે હિંમત તો કરી. કારણ કે આપણી આસપાસના બીજા લોકો જ્યારે કોઈ ટાસ્ક મુશ્કેલ છે, એમ કરીને કરવા માટે તૈયાર થતા નથી યા તો એવું ટાસ્ક છોડી દે છે, ત્યારે આપણે એવી ચેલેન્જ ઊપાડી લઈએ છીએ.

આપણે જ્યારે વ્યક્તિત્વ અને નેતૃત્વશક્તિની વાત કરીએ છીએ ત્યારે નેતૃત્વનો અર્થ રાજકારણ સાથે જોડી દેવાની જરુર નથી. નેતૃત્વશક્તિ યાને લીડરશીપ એ રાજકારણ યા રાજકીય પક્ષ માટે ઉપયોગી અવશ્ય છે, પરંતુ નેતૃત્વ એટલે માત્ર અને માત્ર રાજકારણ પણ નહીં. ઓફિસ હોય કે બેન્ક હોય કે બજાર હોય કે શાળા-કોલેજ હોય, એમ હર કોઈ જગ્યાએ જ્યારે વહીવટી તંત્ર ચલાવવાનું હોય ત્યાં ત્યાં કુશળ અને સફળ વ્યવસ્થાપક એ જ વ્યક્તિ સાબિત થઈ શકે છે કે જેનામાં નેતૃત્વશક્તિ અને નેતૃત્વની ભાવના પ્રબળ હોય.

વ્યક્તિમાં ટીમવર્ક હોય એટલે કે પોતાની સાથેના લોકો અને પોતાના હસ્તક, પોતાના હાથ નીચેની કેડર મળીને તમામ કેડર, તમામ વર્ગના લોકોને એક સમાન રીતે સમજી વિચારીને સાથે રાખીને ચાલી શકે એ વ્યક્તિમાં નેતૃત્વની સફળતા ગણાવી શકાય. આપણા કાર્યોની સરાહના થાય કે ટીકા થાય, આગળ વધતા રહો. ટીકામાંથી શીખતા રહો પરંતુ સરાહના માર્ગમાં રુકાવટ ન બને એનું પણ ધ્યાન રાખવું જરુરી છે.

આપણે લાગણીશીલ બનીએ ત્યારે આપણી વિચારસરણી સંકુચિત પણ બની જતી હોય છે. આપણે લાગણીથી નહીં બુદ્ધિથી પણ વિચારવું રહ્યું કે આપણે જે કાર્ય કરીએ છીએ તે આપણને કઈ દિશામાં લઈ જશે. યા તો આપણે આપણા કાર્ય દ્વારા કઈ દિશામાં જવા માગીએ છીએ. આપણા નાના-મોટા કાર્યો જ આપણને નક્કી કરેલી મંઝિલ યા લક્ષ્ય સુધી પહોંચાડતા હોય છે.

કોઈ પણ ટાસ્ક માટે સામેથી ટીકા આવે ત્યારે સહેજ પણ વિચલિત થયા વિના ટીકાથી અલિપ્ત રહીએ તો જ પરિણામ સારું આવશે. ટીકાને એટલી બધી ગંભીરતાથી પણ ન લેવી જોઈએ કે જેથી આપણને નાહકનું ટેન્શન અનુભવાય. દરેક ટીકાને સ્મિત માત્રથી વેલકમ કરીએ તો તનાવ પણ રહેશે નહીં. જો ટીકાકાર સામે લડવા જશો તો આપણી જ શક્તિઓ વેડફાશે. ટીકાનો પ્રતિકાર કરવાની કે એને રિસ્પોન્સ આપવાની કોઈ જ જરુર નથી.

ખરેખર તો આપણા પ્રત્યેક કાર્ય માટે આપણને ટીકા મળે અથવા કોઈ આપણી ભુલ બતાવે તેને આપણે ફીડબેક તરીકે સ્વીકારીએ તો એનું પોઝિટીવ રિઝલ્ટ મળશે. આપણે આપણી ખામીઓ કે ભુલોમાંથી શું શીખવા માગીએ છીએ અને કયા કયા સુધારા કરવા માગીએ છીએ, એવી બધી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણે મંઝિલની નજીક પહોંચી શકીશું.

આપણે નકારાત્મકતાથી દૂર રહીએ તો આપણી ઈમેજ પણ આપોઆપ બદલી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ઓફિસમાં કે જાહેર જીવનમાં આપણને ક્યારેક એમ લાગ્યા કરે કે કોઈ વ્યક્તિ આપણા વિશે ખોટું વિચારે છે યા તો અપપ્રચાર કરે છે. આવી પરિસ્થિતિ આપણા માટે ક્યારેક ફ્રસ્ટેશનનું કારણ પણ બની શકે છે.

મહત્વની વાત એ છે કે તમે જે નજરથી અન્ય લોકોને જુઓ છો, એ જ નજરથી અન્ય લોકો તમને ના જ જોતા હોય. ફંડા એ છે કે દરેક વ્યક્તિનો તમને યા કોઈ અન્ય વ્યક્તિને જોવાનો અને તેનું મુલ્યાંકન કરવાનો એપ્રોચ અને થિન્કિંગ જુદા જુદા લેવલના જ હોય. જો તમારા વિશે કોઈ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની ગેરસમજણ ફેલાવેલી હોય તો તમારે ખુલીને સામે આવવાની જરુર છે. સામે આવીને તમારા ટારગેટ ઓડિયન્સ એટલે કે તમારા ઓફિસ-સર્કલ કે ફ્રેન્ડ-સર્કલ સમક્ષ હકીકતો પેશ કરવી જોઈએ.
જો તમારી છાપ વિશે કોઈને ગેરસમજ હોય તો એવી ગેરસમજ દૂર કરવાનું કામ તમારું જ છે. આ કામ તમારા વિના અન્ય કોઈ વ્યક્તિ ના જ કરી શકે. એટલું જ નહીં, જો કોઈક પ્રકારની ગેરસમજણમાં તમારો દોષ પણ હોવાનું તમે માનતા હોવ તો એના વિશે જાહેરમાં માફી માગી લેવામાં પણ તમને કોઈ પ્રકારનો સંકોચ હોવો જોઈએ નહીં.

યાદ રાખવા જેવી એક વાત એ છે કે સચ્ચાઈ હંમેશા જીત અપાવે છે. સત્યનો જ આખરમાં તો વિજય થતો હોય છે. સચ્ચાઈ જ વ્યક્તિત્વની સૌથી મોટી તાકાત હોય છે. બેસ્ટ વેપન સત્ય છે. કોઈ પણ કાર્યને સરળ બનાવવા માટે વ્યક્તિગત કાર્ય-લક્ષ્યાંકની સાથોસાથ ટીમ-વર્ક કરવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. જેમ સેના અથવા સૈનિકો વિનાનો સેનાની યા કેપ્ટન નકામો અથવા નિરર્થક ગણાય, એ જ પ્રમાણે ટીમ, જૂથ, સમૂહ વિના માણસ એકલો પડી જતો હોય છે. સફળતાનો સ્વાદ ચાખવા માટે અને જિંદગીમાં પણ આગળ વધવા માટે તમારી પાસે મેન-ફોર્સ અને ટીમ-વર્ક હોવું જરુરી અને અનિવાર્ય છે.

વ્યક્તિત્વ અને નેતૃત્વ આમ અલગ બાબત ભલે લાગે પરંતુ તે એક જ સિક્કાની બે જુદી જુદી બાજુઓ જ છે, એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો. વ્યક્તિ જે કોઈ પણ કાર્ય કરે છે તેના વડે તેનું વ્યક્તિત્વ ઘડાતું જાય છે અને તેનું નેતૃત્વ પણ વિકસતું જાય છે. જો વ્યક્તિમાં ટેલેન્ટ હોય તો એ વ્યક્તિ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈને જ રહે છે. જ્યાં કોઈ ભલે ન પહોંચી શકતું હોય, જિનિયસ વ્યક્તિ ત્યાં સુધી પહોંચીને દુનિયાને બતાવી આપે છે.

બાપુના મતે સત્ય ત્રણ તબક્કામાંતી પસાર થતું હોય છે. એક તો સૌપ્રથમ સત્યની ટીકા યા નિંદા થતી હોય છે. બીજું કે લોકો સત્યની વિરુદ્ધ બોલતા અને લડતા પણ હોય છે. ત્રીજું કે આખરે તો સત્યને સ્વીકારી જ લેવામાં આવે છે. આપણા આંતરશત્રુઓની વાત કરીએ તો આપણા બે જ શત્રુ હોય છે, એક તો (1) કોઈ પણ કાર્યની શરુઆત કરતા પહેલા કંટાળો આવવો અને બીજું કે (2) મૂડ નથી એવો જવાબ આપવો. ખરેખર તો કોઈ પણ કાર્યમાં રસ ઉભો કરવામાં આવે તો આપણને કંટાળો નહીં આવે. બીજું કે કોઈ પણ કાર્ય પ્રત્યે પોઝિટીવ થિન્કિંગ કરીએ તો મૂડ આપોઆપ આવી જશે.

અંગ્રેજી લેખક થોમસ મેર્ટનના પુસ્તક “ધ વિઝડમ ઓફ ધ ડેઝર્ટ”માં લખ્યું છે કે “તમે જીવનના મૂલ્યને સમજો તો તમને જીવનને વધારે નજીકની જોવાની અને અનુભવવાની તક મળશે. જીવનને કોઈ ભાર વિના બિલકુલ સામાન્ય રીતે જીવો, જે રીતે નદી વહેતી રહે છે, નિરંતર.”

લેખક : મહર્ષિ દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment