ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતનું ધાર્મિક મહત્વ…

66

વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિને માનવામાં આવે છે. આપણી આ સંસ્કૃતિમાં ઊજવવામાં આવતા તહેવારોમાં ધાર્મિક,આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ રહેલો છે. સમયે સમયે થતા ઋતુઓના ફેર બદલાવની મનુષ્યના આરોગ્ય પર થતી અસરથી આપણા ઋષિ મુનીઓ વાકેફ હતા. આમ જુઓ તો મકર સંક્રાંતનું પર્વ સૂર્ય નારાયણ સાથે સંકળાયેલું છે. આયન એટલે ગમન કરવું. ખગોળ વિજ્ઞાન મુજબ સૂર્યનું દક્ષીણ દિશામાંથી ઉત્તર દિશામાં ગમન કરવું એટલે ઉત્તર દિશામાં જવાની ક્રિયાને ઉત્તરાયણ કહે છે. આપણા આયુર્વેદની દ્રષ્ટીએ ઋતુ ચર્યા અને રોજીંદી દિનચર્યાને જાગૃત કરે છે. આપણા ઋષિઓએ પ્રાચીન ગ્રંથોમાં ઋતુચર્યાઅને રોજીંદી દિનચર્યાનું ખાસ સ્પષ્ટતા કરેલી છે. આપણાદેવ દેવી દેવતાઓમાં સૂર્યદેવ સૌથી પ્રત્યક્ષ અને સર્વ વ્યાપક દેવ છે.

સૂર્ય છે તો પૃથ્વી પર જીવન છે. સૂર્યવીના જીવન સંભવી શકે નહિ. ઉત્તરાયણનો તહેવાર સૂર્યઅને મકર રાશી સાથે સંકળાયેલ છે. આ કારણથી જ ઉત્તરાયણને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આપણા વેદોમાં પણ સૂર્ય નારાયણને વિશ્વનો આત્મા કહેવામાં આવ્યો છે. આમ જુઓ તો આપણી દરેક રાશી પર સૂર્ય નારાયણનું ખાસ પ્રભુત્વ રહેલું છે જેના કારણે સૂર્ય નારાયણ એક વર્ષમાં બારેય રાશિમાં ભ્રમણ કરે છે. સંક્રાંત એટલે સૂર્ય નારાયણનો એક રાશી માંથી બીજી રાશીમાં પ્રવેશ કરવો. રાશિઓના ક્રમ પ્રમાણે નવમી રાશી ધન માંથી તે દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આપણા શાસ્ત્રોના કથન મુજબ મકર રાશીમાં પ્રવેશતા પહેલા એક મહિનો સૂર્ય નારાયણ ધન રાશિમાં હોવાથી તે એક મહિનાના સમય ગાળાને “ધનારખ”કહેવામાં આવે છે. આવીજ રીતે જ્યારે સૂર્ય નારાયણ કુંભ રાશીનું ભ્રમણ પૂરું કરીને જયારે મીન રાશિમાં પ્રવેશે છે ત્યારે તેને “મીનારખ” કહેવામાં આવે છે શાસ્ત્રોક અનુસાર આ બંને ધનારખ અને મીનારખમાં શુભ કાર્યો કરવા વર્જ્ય નિષેધ મનાય છે. આ ધનારખ કે મીનારખ ઉતરતા લગ્ન કે વાસ્તુ જેવા શુભ મંગલકારી કાર્યો થઇ શકે છે. આમ દરેક રાશિમાં સૂર્ય દેવએક એક મહિનો રહેતા હોવાથી જે રાશિમાં સૂર્યદેવનું ભ્રમણ ચાલુ હોય તે રાશી પર સૂર્ય નારાયણનો પ્રભાવ પડે છે.

આમ જુઓ તો સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે તેવીજ રીતે ઉત્તરાયણ કે મકર સંક્રાંત પણ એક ખગોળીય ઘટના જ છે. આપણી પૃથ્વીને બે કલ્પિત ધ્રુવ છે તેમ માનવામાં આવે છે. એક ઉત્તર ધ્રુવ (નોર્થ પોલ) અને બીજો દક્ષીણ ધ્રુવ (સાઉથ પોલ). આપની પૃથ્વીઆ બંને ધ્રુવની ઊભી કલ્પિત ધારીએ 22 પૂર્ણાં ક½ અંશે નમેલી છે. આ સ્થિતિમાં પૃથ્વી પોતાની આ કલ્પિત ધરી પર પરિભ્રમણ કરે છે અને અ સ્થિતિમાં પરિભ્રમણ કરતા કરતા તે સૂર્યને પણ પરીક્રમણ કરે છે. આ બંને કારણોસર અવકાશી ખગોળીય ઘટનાઓ બનવા પામે છે. આ ઘટનાઓમાંની એક ઘટના એટલે આપણી મકર સંક્રાંત ઊર્ફે “ઉત્તરાયણ.”

આમ જોવા જઈએ તો દર વર્ષે મકર સંક્રાંત ઊર્ફે “ઉત્તરાયણ.” 14 જાન્યુઆરીના દિવસે બનતી અવકાશી ખગોળીય ઘટના છે. આમ છતાં ક્યારેક પૃથ્વીના પરીભ્રમણ, પરીક્રમણ અને ગ્રહો તથા સૂર્ય પૃથ્વી વચ્ચેના અંતરમાં થતી દૂરીને કારણે ક્યારેક બનતી અવકાશી ખગોળીય ઘટનામાં એકાદ દિવસનો ફર્ક માલુમ પડે છે. જેથી દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે આવતી મકર સંક્રાંત ઊર્ફે “ઉત્તરાયણ.” આ વખતે શાસ્ત્રો અને પ્રખર પંડિત જ્યોતિષીઓના કહેવા મુજબ 15 જાન્યુઆરીના દિવસે આવશે. આપણા ઋષિમુનીઓએ અને પ્રાચીન પૂરાણ શાસ્ત્રોએ 12 મહિના (365 દિવસ કે 1 વર્ષને) ને બે ભાગમાં વિભાજિત કરીને એક વર્ષને છ છ મહિનાના ભાગ કરેલ છે જેમાં પહેલો ભાગ તે ઉત્તરાયણ એટલે કે આપણી મકર સંક્રાંત અને બીજો ભાગ  એટલે દક્ષિણાયણ. આમ બંને ભાગનો સમયગાળો છ છ મહિનાનો કરવામાં આવેલ છે.

મકર સંક્રાંતિમાં લોકોએ મગ, લોટ, તલ, શેરડી તથા લીલા ચણા (જીંજરા લીલવા) નું દાન કરવાનો અને મગની ખીચડી, નવી જુવાર કે ઘઉંનો ખીચડો ખાવાનો રીવાજ છે. આ દિવસે લોકો ગાયને લીલો ઘાસચારો ખવડાવીને પૂણ્ય કમાય છે. કારણ કે ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાઓનો નિવાસ છે. ભારતના સુરતમાં કેળા, ઘી અને ખાંડ  સાથે રોટલી ખાવાનો રીવાજ છે. ઋતુઓને ધ્યાનમાં રાખીને આપણા ઋષિમુનીઓએ અને શાસ્ત્રોએ લોકોના આરોગ્ય બાબતનો ખાસ ખ્યાલ રાખીને આ બધું કરેલ છે.  જેમ કે શિયાળાની ઠંડી અને ટાઢની ઋતુમાં પિત્તનો સંચય થતો હોવાથી તેને અટકાવવા માટે પિત્તનો નાશ કરનાર મધુર દ્રવ્યો અને તેલવાળા તલ જેવા ખાદ્ય પદાર્થો ખાવાનો રીવાજ છે. શિયાળાની ઠંડી અને ટાઢની ઋતુમાં ખીચડો ખાવાથી ઉનાળાની ગ્રીષ્મ ઋતુમાં થતા પિત્તના પ્રકોપથી આસાનીથી બચી શકાય છે. મંદિરોમાં ભગવાનને પણ પ્રસાદ તરીકે ખીચડો ધરવાની પ્રથા છે.

શાસ્ત્રકારો અને પ્રખર પંડિત જયોતિષીઓનું કહેવું છે કે ઉત્તરાયણ દેવતાઓનો દિવસ છે અને દક્ષિણાયણ દેવતાઓની રાત્રી છે. દિવસ જ્યોતિર્મય હોવાથી તેને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. જયારે રાત્રી અંધકારમય હોવાથી તેને અજ્ઞાન અને મૂઢતાના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. આમ ઉત્તરાયણ દેવતાઓનો જાગૃત દિવસ હોવાથી તેનું મહાત્મ્ય ખુબજ ઊચું માનવામાંઆવે છે. તમે ક્યાંક ને ક્યાંક વાંચેલ કે સાંભળેલ હશે કે, કૌરવો અને પાંડવોના મહાભારતના યુધ્ધમાં જયારેશ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે ત્યારે અર્જુનને કહે છે કે, હે પાર્થ ! ઉત્તરાયણના છ મહિનામાં શુક્લપક્ષમાં જે વ્યક્તિનું મૃત્યુથાય છે તે બ્રહ્મલોકમાં કે વિષ્ણુ લોકમાં જઈને મોક્ષ ગતિને પામે છે. આકારણથી જ કૌરવો અને પાંડવોના મહાભારતના યુધ્ધમાં જયારે અંતિમ દિવસોમાં બાણશૈયા પર સુતેલા રહેલા શાંતનું અને ગંગાના પુત્ર દેવવ્રત એટલે કે ભીષ્મ પિતામહે મૃત્ય સમયે દક્ષિણાયનનો સમય ચાલતો હોવાથી પોતાના મૃત્યુને પણ યોગ બળથી અને તેમના પિતાશ્રી દ્વારા મળેલ ઈચ્છા મૃત્યુના વરદાનથી મોક્ષ પ્રાપ્તિ માટે 56 દિવસ સુધી દક્ષિણાયનનો સમય પૂરો થઈને ઉત્તરાયણનો સમય આવ્યો ત્યાં સુધી મૃત્યુને રોકી રાખ્યું હતું. આ છે ઉત્તરાયણનો મહિમા. આ ઉપરાંત વધુમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, હે અર્જુન જે વ્યક્તિ દક્ષિણાયનના કૃષ્ણ પક્ષમાં મૃત્યુના શરણે જાય છે તે ચંદ્ર લોકમાં જઈને પોતાના કર્મો અનુસાર બીજો જન્મ ધારણ કરીને પૃથ્વી પર ફરીથી અવતરે છે.

આમ ઉત્તરાયણ એ સૂર્ય સાથે સંકળાયેલ બાબત છે. આ સમય દરમ્યાન સૂર્ય નમસ્કાર કરવા, સૂર્યની ઉપાસના કરવી. સૂર્યનામંત્ર જાપ કરવા, સૂર્યને પાણીની અર્ધ્ય ચડાવવી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment