ઓહ! નોકરી કરતી બધી સ્ત્રીઓની આ જ થાકેલી, મરેલી જિંદગી! નીતા ટેક્સીમાં બેઠાં બેઠાં નિ:સાસા નાંખતી હતી…

510

નીતાએ ટેક્સી પકડી ને વહેલી વહેલી એમાં ગોઠવાતાં બોલી, ‘ભૈયા, સ્ટેશન લે લો, જલદી.’
‘અરે બહેનજી, ટ્રાફિક દેખો ન! હમ કૈસે જલ્દી લે સકતે હૈં?’
ડ્રાઈવર ટ્રાફિકના વધારે લવારે ચડી જાય તે પહેલાં, ‘અચ્છા ઠીક હૈ, ચલો’ કહીને નીતાએ એને અટકાવી દીધો. ઘેર પહોંચીને વહેલાં પરવારવાની ફિકર હતી એટલે મનોમન નીતા બધું આયોજન કરવા માંડી. ‘પહેલાં કૂકર મૂકી દઈશ, પછી શાક વઘારીને લોટ બાંધી દઈશ. પછી એક કપ ચા પીને જરા ફ્રેશ થઈ જઈશ.’ આટલા નાનકડા ટાઈમટેબલમાં પણ મમ્મી યાદ આવતાં, નીતાનું મોં વાંકું થયું. મમ્મી આટલું નાનું કામ જો રોજ કરી મૂકતાં હોય તો? મારે કેટલો બધો ફરક પડી જાય? પછી તો, દાળ, શાક વઘારીને રોટલી કરીને એ લોકોને જમાડવાનાં જ રહે. સૌરવ તો આમેય મોડો જ આવે છે અને એની પાસેથી તો કોઈ આશા રાખવી જ વ્યર્થ છે, પણ મમ્મી?

હાશ, આ ટેક્સી મળી ગઈ નહીં તો આજે ઘરમાં મહાભારત નક્કી જ હતું. આમેય મોડી તો છું જ, પણ ચાલી જશે. કામ પતાવવામાં તો મોડું નહીં થાય. સૌરવના પહોંચવા પહેલાં તો હું અડધું કામ પતાવી પણ દઈશ. સૌરવ પણ બધું સમજે છે તે સારું છે. એણે એકાદ બે વાર કહેલુંય ખરું, ‘મમ્મી, તું ઘરમાં થોડી મદદ ન કરી શકે? બીજું કંઈ નહીં, ફક્ત રસોઈની પરચુરણ તૈયારી. તો શું છે, કે નીતાને આવીને દોડાદોડી ન થાય. એ પણ થાકી હોય ને?’

ખલાસ! તે દિવસે તો મમ્મીએ આખું ઘર ગજાવી કાઢેલું. જોરજોરથી રડવા જ માંડેલાં! સાવ સાદી સીધી સમજણની વાત હતી. રસોડામાં સવારે અને સાંજે, થોડીક જ મદદ કરવાની હતી. નીતાને રોજની અવરજવરમાં અને ઓફિસના ઢગલો કામમાં શ્વાસ લેવાની તો ઠીક, બે ઘડી કંઈ વિચારવાનીય ફુરસદ નહોતી મળતી. ટ્રેનમાં ભીડ, રસ્તે ભીડ, બસની લાઈનમાં ઊભા ઊભા થાકવું અને લોથપોથ થઈને ઘેર પહોંચતાં જ કામે લાગી જવું. ઓહ! નોકરી કરતી બધી સ્ત્રીઓની આ જ થાકેલી, મરેલી જિંદગી! નીતા ટેક્સીમાં બેઠાં બેઠાં નિ:સાસા નાંખતી હતી.

‘મને શું ખબર, કે વહુ આવે પછી પણ મારે ઢસરડા જ કરવાના છે? આખી જિંદગી અમે પણ બહુ કામ કર્યું છે. કંઈ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે નથી બેઠાં. આ આજની આવેલી છોકરી, બે પૈસા શું કમાઈને લાવે છે, તેમાં તો તું વહુનો જ થઈ ગયો ને માને ભૂલી ગયો? હું જ નડું છું ને તમને? મૂકી આવો મને કોઈ આશ્રમમાં.’ ને પછી કલાકો સુધી મોં ફુલાવીને ઘરમાં બેસી રહેલાં. તે દિવસે સૌરવે નીતાની માફી માગી લીધેલી. ‘સૉરી નીતુ, મને નહોતી ખબર મમ્મી આવો તમાશો કરશે. તું જોબ છોડી દે, હું બીજું પણ કોઈ કામ શોધી લઈશ.’
‘ના ના, તારે કંઈ નથી કરવાનું. હું મેનેજ કરી લઈશ. મને એમ, કે મમ્મીનો પણ થોડો ટાઈમ જાય ને એ બહાને મને પણ મદદ મળે તો થોડું સારું લાગે. ચાલ જવા દે બધી વાત. એમને જેમ રહેવું હોય તેમ રહેવા દઈએ, શાંતિથી રહે એટલે બસ.’

તે દિવસ પછી, નીતા સમયની સાથે સાથે મોટે ભાગે બધું કામ પણ સાચવી લેતી. થોડું વધારે થકાશે ને થોડો આરામ ઓછો મળશે એ જ ને? પણ મનની શાંતિ? એ ક્યાંથી લાવવી? બધું કામ કરવા છતાં ને બધું સમજવા છતાં, નીતાથી મમ્મીની વાતો ને તે દિવસનું મમ્મીનું વર્તન ભૂલાતું નહોતું. ઘરમાં સતત એક ડરમાં રહેવાનું, કંઈ બોલાઈ જશે તો? મમ્મીને ખોટું લાગી જશે તો? શું આને જ ઘર કહેતાં હશે? બધાનાં ઘરમાં આવું જ હશે? ઘણી વાર ઓફિસમાં બીજી ફ્રેન્ડ્સની વાતોથી એને આશ્વાસન પણ મળતું. એમના ઘરે પણ આવું જ વાતાવરણ. પણ એ બધીઓ બોલતી ને લડતી ને બીજા દિવસે ઓફિસમાં આવીને, બધી એકબીજાની સાસુઓની વાતે લાગતી. સમ ખાવા પૂરતી એકાદ નસીબદાર નીકળતી, જેની સાસુ નહોતી અથવા જેને સાસુ મદદ કરતી હતી. નીતા આ બધાથી અલગ હતી. એને કદાચ ઘરની વાતો બહાર જણાવવી નહોતી ગમતી.

ટેક્સી જેવી સિગ્નલ પર આવીને અટકી કે કંટાળીને એણે બારી બહાર જોયું. થોડે દૂર જ એક દસેક વરસનો છોકરો, હાથમાં બૂકે પકડીને એની નાનકડી બહેનને કોઈ ફિલ્મી ડાન્સ બતાવીને ખુશ કરતો દેખાયો. નીતાની નજર ત્યાં ચોંટી ગઈ. પેલી છોકરી ખડખડાટ હસતી ભાઈના ડાન્સને મુગ્ધ બની માણતી હતી. એક જ મિનિટ ટ્રાફિક અટક્યો પણ એટલામાં તો એ છોકરાએ દોડીને થોડાં ફૂલો પણ વેચ્યાં અને એની બહેનને દુનિયાભરની ખુશીઓ પણ આપી દીધી. ઘેર પહોંચીને પણ નીતાનો મૂડ બદલાયો નહીં. એની આંખ સામેથી એ દ્શ્ય ખસતું જ નહોતું. કામ પતાવતાં પણ વારે વારે પેલો નાચતો છોકરો ને છોકરીનું રણકતું, છલકતું મીઠું હાસ્ય એને ખુશ કરતું રહ્યું.

પેલો છોકરો કદાચ એનો ભાઈ હશે તો જ એની નાની બહેનને આટલા પ્રેમથી રાખતો હશે. આટલી નાની ઉંમરમાં કમાવાની જવાબદારી સાથે બહેનની પણ જવાબદારી એના માથે જ હશે? એનું ઘર કે એના માબાપ હશે? કદાચ નહીં જ હોય અથવા કદાચ હોય તોય કોઈ ઝૂંપડામાં જ રહેતાં હશે. બંને ભણવા તો ક્યાંથી જાય? ને સારું ખાવાનું કે રમકડાં તો જોયાં જ નહીં હોય ને? કોઈ વાર કોઈ ખવડાવતું હશે તો જ મળતું હશે. શું પોતાની બહેનને ખુશ રાખવામાં જ ભાઈને બધ્ધી ખુશી મળી જતી હશે? ને ભાઈના ડાન્સમાં જ દુનિયાભરની ખુશી બહેનને મળતી હતી? એમનો આખો દિવસ કદાચ આ ફુટપાથ પર જ નીકળતો હશે. કંઈ થાય તો કોને ફરિયાદ કરતાં હશે? કોણ એમને સાંભળવા નવરું હશે? અરસપરસ જ બધું સમજી લેતાં હશે નહીં?

નીતાએ મનોમન પેલા છોકરાને અને એની નાનકીને થેન્કસ કહી દીધું.

લેખક : કલ્પના દેસાઈ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment