હેપી બીર્થ-ડે ટુ ઉત્તમ મારું, શૈલેશ સગપરીયાની કલમે હદય સ્પર્શી વાત…

29

આજથી 17 વર્ષ પહેલાં તા. 21મી ફેબ્રુઆરી 2002ના રોજ રાજકોટમાં જન્મેલો ઉત્તમ મારું જ્યારે જન્મ્યો ત્યારે અનેક પ્રકારની ખામીઓ સાથે જન્મ્યો હતો. ઉત્તમને આંખ, નાક, હોઠ કે તાળવું કશું જ નહોતું. અધૂરામાં પૂરું એના બંને મગજ પણ અવિકસિત હતા. આ બાળકમાં કંઈ જ નથી એટલે એને ઇન્જેક્શન આપીને શાંત કરી દેવો જોઈએ એવી સલાહ આપનાર લોકોને ઉત્તમના દાદા કુવારજીભાઈએ કહેલું કે ભગવાને આ બાળકને આ જગતમાં મોકલ્યો છે તો એ પાછો ના બોલાવે ત્યાં સુધી આપણે એને પાછો ના મોકલી શકીએ. ભગવાને એમનું કામ કર્યું હવે આપણે આપણું કામ કરવાનું છે. આ બાળકને ઉછેરવો છે. એની ખામીઓને ખૂબીઓમાં બદલવી છે. આપણે આપણા નિષ્ઠાપૂર્વકના પ્રયાસ કરીશું બાકીનું બધું ભગવાન સંભાળશે.

આજે ઉત્તમ મારુ 17 વર્ષનો થઈ ગયો. નાક, હોઠ અને તાળવાનું ઓપરેશન કરીને એને થોડા-ઘણા સરખા કર્યા પણ આંખો તો આજે પણ સાથ નથી આપતી. ઉત્તમ આંખોથી કંઈ જ નથી જોઈ શકતો. આ પ્રજ્ઞાચક્ષુ દીકરાએ 10 ધોરણની બોર્ડની પરીક્ષા 78% માર્ક્સ સાથે પાસ કરી અને આ વર્ષે એ 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપશે.

માત્ર સાંભળી સાંભળીને ઉત્તમે શ્રીમદ ભગવત ગીતાના તમામ 700 શ્લોક કંઠસ્થ કર્યા છે. તમે કોઇપણ અધ્યાયનો નંબર અને શ્લોક નંબર બોલો એટલે ઉત્તમ તુરંત એ શ્લોક કોઈપણ જાતની ભૂલ વગર બોલે. ગીતાજી બાદ ઉપનિષદ કંઠસ્થ કરવાના શરૂ કર્યા. ઉત્તમને આજે 9 ઉપનિષદના તમામ મંત્રો પણ મોઢે છે. આપણને 9 ઉપનિષદના નામ પણ નથી આવડતા અને આ દીકરો 9 ઉપનિષદના મંત્રો કડકડાટ બોલે છે. પતંજલીનું આખું યોગસૂત્ર પણ ઉત્તમને કંઠસ્થ છે અને હવે એ નારદ ભક્તિસૂત્ર કંઠસ્થ કરે છે.

17 વર્ષની ઉંમરમાં અનેક ખામીઓની વચ્ચે પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ઉત્તમ સંસ્કૃત ભાષાની સાથે સાથે સંગીતમાં પણ નિપૂણ છે. ગાયન, તબલા અને ઓર્ગનમાં ઉત્તમ વિશારદ કરે છે. ભગવાને એને એવો સુમધુર કંઠ આપ્યો છે કે એ જ્યારે ગાય ત્યારે આપણે એને સાંભળ્યા જ કરીએ. મોટા મોટા હોલમાં એના ગાયનના ‘વન મેન શો’ થઈ ચૂક્યા છે. ઉત્તમને 200થી વધુ ગીતો અને ભજનો પણ મોઢે છે. ઉત્તમની આ તમામ ઉપલબ્ધીઓને ધ્યાનમાં લઈને ભારત સરકારે બાળકોને અપાતા સર્વોચ્ચ પદક “બાલશ્રી એવોર્ડ”થી ઉત્તમને સન્માનિત કર્યો છે.

આપણા બાળકની એકાદ ખામીથી પણ આપણે પરેશાન થઈ જઈએ છીએ અને કુંવરજીભાઇ મારુએ ઉત્તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. ક્યાં 17 વર્ષ પહેલાં જન્મેલો બાળક અને ક્યાં આજ નો ઉત્તમ. ઝીરોમાંથી હીરો બનવાની આ આખી યાત્રામાં ઉત્તમના દાદા કુંવરજીભાઇ મારુનું અનન્ય પ્રદાન રહ્યું છે. કુંવરજીભાઇ ઉત્તમને ક્ષમતાને બહાર લાવવા માટે જે પ્રયાસો કર્યા છે એના વિશે લખીએ તો એક આખું પુસ્તક લખાય.

આ બાળકના ઉછેરમાં કુંવરજીભાઇની હકારાત્મકતા કેવી હતી એનો એક નાનો પ્રસંગ કહેવો છે. કુંવરજીભાઇ બાળક ઉત્તમને સાથે લઈને નિયમિતરીતે મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જાય. પ્રજ્ઞાચક્ષુ બાળકને દર્શને લાવતા દાદાને જોઈને એક ભાઈએ કુંવરજીભાઇને પૂછ્યું કે “આ છોકરાને કશું દેખાતું નથી તો તમે એને શા માટે દર્શન કરવા લાવો છો ?’ કુંવરજીભાઈએ પ્રશ્ન પૂછનારાને કહ્યું, “આ બાળકને ભલેને ના દેખાતું હોય પણ સામેવાળાને તો દેખાય છે ને. હું તો ભગવાનને યાદ અપાવવા આવું છું કે આ તારું સર્જન છે જો જે તારું નાક ના કપાય એનું ધ્યાન રાખજે. અમારાથી થાય એ બધા પ્રયત્નો અમે કરીએ છીએ બાકીનું બધું તમે સંભાળી લેજો.’ આવી હકારાત્મકતા સાથેના પ્રયાસો હોય પછી પ્રભુની કૃપાનો પ્રસાદ મળે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી.

17 વર્ષની કિશોરાવસ્થામાં આ દિકરાની વિચારસરણી પણ અદભૂત છે. થોડા સમય પહેલા ઉત્તમના પેટમાં હવા ભરાઈ હતી એનું ઓપરેશન કરવાનું હતું. ઓપરેશનની તૈયારીઓ ચાલતી હતી ત્યારે ઉત્તમે મિત્ર સમાન દાદાને નજીક બોલાવ્યા. દાદા નજીક આવ્યા એટલે ઉત્તમે કહ્યું, “બાપુજી, મોબાઈલમાં અગ્નિહોત્રી શાંતિપાઠ ચાલુ કરો અને મોબાઈલ મારા કાન પાસે રાખો.’ કુંવરજીભાઇએ એમ કરવાનું કારણ પૂછ્યું એટલે ઉત્તમે કહ્યું, “હવે, મને ઓપરેશનમાં લઇ જશે. હું અગ્નિહોત્રી શાંતિપાઠ સાંભળું તો મારું સંધાન પરમાત્મા સાથે થઈ જાય. ડોક્ટરને મારા શરીર સાથે જે કરવું હોય એ કરે હું ભગવાન સાથે જોડાઈ જાવ.’

ઉત્તમ તું ખરેખર ઉત્તમ છો. તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

લેખન અને સંકલન : શૈલેશ સગપરીયા & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “Dealdil.com”

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment