દેવાના બોજા હેઠળ દબાતી જતી યુવા પેઢી… દરેક યુવાને અચૂક વાંચવું…

221

“દેવું કરી ને પણ ઘી પીવું”, ઋષિ ચાર્વાક ના આ સુવાક્ય ને વર્તમાન યુવા પેઢી એ ખુબજ દિલ થી વધાવી લીધું છે એવું સ્પષ્ટ પણે દેખાઈ રહયું છે, એટલું જ નહીં  તેને પોતાની લાઈફ-સ્ટાઈલ નો અનિવાર્ય હિસ્સો બનાવી લીધું છે. અહિયાં હું સમાજ ના દરેક યુવાન ની વાત નથી કરતો નથી, પરંતુ વર્તમાન સમય માં આ ભટકેલું યુવા ધન એ બિલકુલ નથી જાણતું કે ઋષિ ચાર્વાક નું આ સોનેરી સુવાક્ય હેલ્થ ની ટિપ્સ ના રૂપ માં અપાયેલું છે નહીં કે પોતાની હેસિયત કે ઓકાત બહાર જઇ ને લાઈફ-સ્ટાઈલ પાછળ ના આંધળા અનુકરણ કરવા માટે દેવું કરવા ની વાત ઋષિ ચાર્વાક કરી ને નથી ગયા.

આજની યુવા પેઢી ની વિવિધ અને મોંઘી બ્રાન્ડ પાછળ ની આંધળી દોડ, ખર્ચાળ જીવન શૈલી અને જક્કી કે જીદ થી ભરેલું માનસિક વલણ તેમના માતા-પિતા નું અને જો પરણિત હોય તો તેમના નિર્દોષ બાળકો અને પત્નિ નું જીવન દોહલું બનાવી દે છે. પોતાની આવક અને જાવક બાબતે પશુ જેટલી જ્ઞાન શૂન્યતા ધરાવતો યુવાન જ પોતાની હેસિયત બહાર નો ખર્ચ કરી શકવાનું ગાંડપણ કરી શકે. અન્યથા આપણાં ગુજરાતી બાળક માં તો નાનપણ થી જ બજેટ માં ઘર નું ગુજરાન ચલાવવાના સંસ્કારો સહજ રીતે મળતા હોય છે, જો 100 રૂપિયાની સાદી સ્કૂલ બેગ લેવાથી કામ ચાલી જતું હોય તો શ્રીમંત માતા-પિતા પણ પોતાના બાળક ને તે ના બદલે 1000 રૂપિયા ની મોંઘી બ્રાંડેડ સ્કૂલ બેગ લઈ આપતા નથી કારણ બંને સ્કૂલ બેગ થી સમાન હેતુ સિધ્ધ થાય છે, આમ આ રીતે નાનપણ થી જ બાળક માં કારકસર ના અને સૂક્ષ્મ રીતે અર્થશાસ્ત્ર ના જ્ઞાન ના નિરૂપણ ની શરૂઆત થઈ જાય છે.

પરંતુ ભગવાન જાણે આ બાળકો થોડા યુવાન થતાં જ બધુ કેમ ભૂલી જાય છે ? તેઓ મોંઘી બ્રાંડેડ વસ્તુઓ ની જીદ પકડે છે અને માતા-પિતા પાસે પરાણે તે પૂરી કરાવે છે જો માતા-પિતા ના કહે તો વાહિયાત દલીલો કરે છે તેમની સાથે રીત સર નો જગડો કરે છે, અને આગળ જતાં આ યુવાન ના પોતા ઉપર જ્યારે બધી જવાબદારી ઑ આવે છે ત્યારે તે પોતાની આવક-જાવક નું બેલેન્સ રાખી શકતો નથી. પોતાના જીદી સ્વભાવ તેને નોકરી કે ધંધા માં પણ સાચી સ્થિતિ નું મૂલ્યાંકન કરવાનું ડહાપણ આપતો નથી પરિણામ સ્વરૂપ તે ને નિષ્ફળતા જ મળે છે, આપણાં કાઠીયાવાડ માં કહેવત છે અંતે તો  “પાઘડી નો વળ છેડે”, સમય જતાં તે પોતાની મૂળભૂત જરૂરિયાત ને પણ પહોચી શકતો નથી અને તે ની પૂરતી તે માટે ઉછીના નાણા લે છે એટ્લે કે વ્યાજે નાણા લે છે, આ વ્યાજ નું વિષચક્ર બારેમાસ એટલે કે 24 કલાક અને 365 દિવસ ચાલે છે તે નું જ્ઞાન આ મૂર્ખ યુવાનો ને બિલકુલ હોતું નથી વ્યાજે નાણાં આપનારા ઓમાં મોટા ભાગ ના લોકો ક્રીમનલ હોય છે કે તે ની સાથે જોડાયેલા હોય છે આના ફળ સ્વરૂપે એક દિવસ એવો આવે છે કે વ્યાજ ચુકાવવા માટે તેને વ્યાજે નાણાં લેવા પડે છે અને અંતે પોતાનું બધુ ખોઈ દેવું પડે છે, મિલકતો તો બધી પહેલે થી જ વ્યાજ ખોરો પાસે ગીરવે હોય છે, પોતાનો ધંધો/નોકરી, સંપતિ અને સાથે સાથે આખા પરિવાર ની શાંતિ બધુ જ આ દેવા ના હવન માં હોમાઈ જાય છે. હાલ માં જ બનેલા કેટલાક બનાવો એ મને એ માનવા માટે મજબૂર કરી દીધો છે કે વિશ્વ ના કોઈ પણ નશા કરતાં વ્યાજે નાણા લેવાનો આ નશો વધારે જડપ થી માનવી નું આર્થિક અને સામાજિક પતન કરી શકવાને માટે શક્તિમાન છે.

આજ ના આ લેખ નો વિષય મારી લેખન શૈલી તેમજ મારા સ્વભાવ બહાર નો છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર નું બહોળું જ્ઞાન હોવાને લઈ ને હમણાં ના સમય માં જ  મારી પાસે એક કરતાં વધારે કુંડળીઓ આવા વ્યાજ ના દૂષણ વાળા બનાવો ની જ્યોતિષીક માર્ગદર્શન ના હેતુ થી આવેલી, આશ્ચર્ય ની વાત એ છે કે આમાં ફસાયેલા યુવાનો સમાજ માં ખુબજ માતબર પરિવાર ના સુખી અને સંપન્ન લોકો છે, તેમની અને તેમના પરિવાર ની આવી આર્થિક, માનસિક અને સામાજિક દુર્દશા જોઈ ને હું રીતસર નો અંદર થી હલબલી ગયો છુ અને મારી અંદર રહેલા એક લેખક ના જીવ ને આના વિષે લખવા થી રોકી શક્યો નહીં, લેખ ના અંત માં  યુવાનો ને એક-બે સલાહ ચોક્કસ આપીશ પોતાના જીવન માં વધુ માં વધુ પારદર્શિતા રાખો, આવક-જાવક ના ચોખ્ખા હિસાબો રાખો, તમારી આવક ની મર્યાદા માં જ રહી ને ખર્ચ કરો, છેલ્લે આપણી  એક  બહુજ અસરકારક  અને દરેક સમયે અને કાળ ને અનુરૂપ  કહેવત સાથે લેખ ને વિરામ આપીશ “પછેડી હોય એટલી સોડ તણાય”.

લેખન અને સંકલન : ચેતન. સી. ઠાકર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment