“ચોવીસ કલાક ના મહેમાન” – વાંચો આ ખૂબ સમજવા જેવી વાર્તા..

181

ડોક્ટર રમણભાઈનું ચેક અપ કરીને બહાર આવ્યા. બહાર રમણભાઈની પત્ની કલાવતી, દિકરો વસંત અને વહુ ચેતના રાહ જોતા ઉભા હતા.
“શું થયું ડોકટર સાહેબ એમને?”

“સોરી કલાવતીબેન પણ રમણભાઈ હવે માત્ર ચોવીસ કલાકના જ મહેમાન છે. એટલે તમે એમને ઘરે લઈ જાઓ અને આ ચોવીસ કલાકમાં એમનું ખૂબ ધ્યાન રાખો, એમને ખુશ રાખજો”
“પણ એમને થયું છે શું સાહેબ એ તો કહો!”, રડમસ અવાજે કલાવતીબેને પૂછ્યું.

“એમને જે રોગ છે એનું નિદાન કોઈ હોસ્પિટલમાં શક્ય નથી બેન”, ડોક્ટરે કહ્યું, “અને વસંતભાઈ તમે તમારા પપ્પાને ચોવીસ કલાક દરમિયાન જરાય દુઃખી ના થવા દેશો. એમની સાથે સારો વર્તાવ રાખજો, બસ.”
“જી સાહેબ”, વસંતે કહ્યું.

રમણભાઈને કશું કીધા વગર ત્રણેય જણ એમને લઈને ઘરે ગયા.
“મને શું થયું છે બેટા? ડોકટરે શું કહ્યું?”, રમણકાકા વારંવાર વસંતને પૂછી રહ્યા હતા.

“તમે ચિંતા ન કરો પપ્પા. જલ્દીથી જ મટી જશે એમ કહ્યું છે”

ઘરે પહોંચીને વસંતે છુપેછુપે બધા નજીકના સગા વ્હાલાઓને ફોન કરીને વાત કહી અને બધાંને છેલ્લી વાર રમણભાઈને મળવા આવવા કહ્યું.
તમામ સગા પહેલાના ખટરાગ અને દ્વેષ ભૂલીને રમણભાઈને મળવા આવ્યા.
રમણભાઈને પણ આશ્ચર્ય થયું એટલે એમણે કલાવતીને પૂછ્યું,

“આ બધા કેમ આટલા સારા થઈ ગયા અચાનક? અત્યાર સુધી તો વગરવાંકે વડકા ભરતા હતા ને?”

“એ તો કાંઈ નઈ, લ્યો તમે મગની દાળનો શિરો ખાઓ તમને ભાવે છે ને?!”

રમનભાઈએ સ્વગત વિચાર્યું, ‘સાલું આ લોકો પણ બદલાયેલા લાગે છે. હમણાં સુધી કાચા રોટલા અને શાક આપતા હતા અને આજે અચાનક મગદાળનો શિરો કેમ લાવે છે!? આવું આમૂલ પરિવર્તન આવ્યું ક્યાંથી?’

બધા પોતપોતાની રીતે રમણભાઈને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા.
આમ ને આમ ચોવીસ કલાક વીતી ગયા. રમણભાઈ દુઃખી ન થાય એનું તમામે ધ્યાન રાખ્યું. અમુક સગાએ એમની અંતિમયાત્રાની છુપી તૈયારી પણ કરી લીધી હતી જેથી અણીના સમયે કશાની કચાશ ન રહે. વસંતે વકીલને બોલાવી વસિયત પણ તૈયાર કરાવી લીધી હતી. બધી જ સંપત્તિ પોતાના જ નામે થાય તેનું વસંતે ખાસ ધ્યાન રાખ્યું.
ચોવીસના ત્રીસ કલાક થયા.

રમણભાઈ હજીએ હેમખેમ હતા એ જોઈને બધાને નવાઈ લાગી. મૃત્યુની નિશાની તો ન દેખાઈ પણ ઉલટાનો એમની તબિયતમાં ગઈ કાલ કરતા સુધાર દેખાવા લાગ્યો. સગા વ્હાલા વસંતના જણાવ્યા અનુસાર ખરેખર રમણકાકાના અવસાનની રાહ જોઇને બેઠા હતા. વસંતથી ન રહેવાતા ડોક્ટરને ફોન કર્યો,

“તમે કહેતા હતા ને ચોવીસ કલાકના મહેમાન જ છે અને રોગનો કોઈ ઈલાજ નથી એમ! પપ્પા તો હજી એમના એમ જ છે”

“એમને કોઈ રોગ થયો જ નથી. તમારા લોકોની ઉપેક્ષા જ એમનો રોગ હતો. હવે એમને આમ જ ખુશ રાખજો કોઈ હોસ્પિટલ કે ડોક્ટરની એમને જરૂર નથી”

વસંત અવાક બનીને આ સાંભળી જ રહ્યો.

લેખક : ભાર્ગવ પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment