“જય ભાથીજી મહારાજ” – ક્ષત્રિય કુળનું નામ રાખી તેમણે પોતાનું નામ અમર કરી દીધું…

381

લોક કથા પ્રમાણે આણંદ જિલ્લાના નડિયાદ શહેરથી 54 કિલોમીટરના અંતરે આવેલું ફાગવેલ ગામ ખાખરિયાના વન પાસે આવેલું છે. ફાગવેલ ગામના ક્ષત્રિય રાજવીર કુટુંબમાં તખુભાસિંહ રાઠોડના ઘરે અક્કલબાની કૂખે ભાથીજી મહારાજનો સંવત 1600ના કારતક સુદની એકમે, બેસતા વર્ષે જન્મ થયો હતો. ભાથીજીના એક મોટા ભાઈ હાથીજી હતા અને બે મોટી બહેનો સોનબા અ બેનલબા હતા.

તેમના જન્મના શુભ ચોઘડિયાની જેમ જ ભાથીજી પોતે પણ ગુણવાન હતા. એકવાર ભાથીજી પોતાના ઘરના ફળિયામાં રમતા હતા અને તેમની નજર નાગદેવતા પર પડી. તેમની સાથે રમતા અન્ય બાળકો તો દોડીને પોતાના ઘરમાં ઘૂસી ગયા પણ ભાથીજી ત્યાંથી ન હલ્યા. તેતો નાગદેવતાની સામે સહજ રીતે ઉભા રહ્યા. ભાગી ગયેલા બાળકોએ ભાથીજીના માતા અક્કલબાને જણાવ્યું કે ભાથીજી તો નાગદેવતા સામે ઉભા છે અને તેમને દૂધ પીવડાવે છે. હવે તો ભાથીજી રોજ નાગના રાફડા આગળ જઈ નાગદેવતાને દૂધ પીવડાવતા. તે તેમનો જાણે નિત્યક્રમ બની ગયો હતો.ધીમે ધીમે ભાથીજી મોટા થતાં ગયા અને 16 વર્ષના થયા. માતાપિતાના આગ્રહથી તેમણે કંકુબા સાથે લગ્ન કરવાની હામી ભરી. ભાથીજીના કંકુબા સાથે લગ્ન લખાઈ ગયા હતા. લગ્નની વિધિ ચાલી રહી હતી. ચોથો મંગળફેરો શરૂ થયો અને એક ગોવાળિયો રડતો રડતો ભાથીજી મહારાજના ચરણોમાં પડી આજીજી કરવા લાગ્યો.

આંતરસુબાના બહારવટિયાઓ ફાગવેલની ગાયો દોરી જઈ રહ્યા હતા. આ સાંભળી તરત જ ભાથીજી મહારાજે તલવારથી વરમાળા કાપી જ ગાયોને બચાવવા દોડી ગયા. બહારવટિયાઓ ફાગવેલ ગામથી 6 કિલોમીટરના અંતરે આવેલા ખાખરિયા વનમાં ગાયોને દોરી લઈ જઈ રહ્યા હતા. ભાથીજી મહારાજે તેમની સાથે યુદ્ધ કર્યું. બહારવટિયાઓએ ભાથીજીને ચારે તરફથી ઘેરી લીધા હતા. અચાનક તેમના પર પાછળથી હૂમલો કરવામાં આવ્યો અને તેમનું માથુ ધડથી અલગ કરી દેવામાં આવ્યું. કહેવાય છે કે ભાથીજીનું ધડ બહારવટિયાઓ સાથે લડતું રહ્યું. ભાથીજી મહારાજના ધડે બહારવટિયાઓ સાથે લડાઈ કરી તેમને મોતને ઘાટ ઉતારી પોતાનું ગૌધન બચાવી લીધું હતું. કહેવાય છે કે સાડા ત્રણ દિવસ સુધી ભાથીજી મહારાજનું ધડ લડતું રહ્યું અને છેવટે તેઓ વીરગતિ પામ્યા. તેમના આ બલિદાનની કથા લોકો આજે પણ યાદ કરે છે. ક્ષત્રિય કુળનું નામ રાખી તેમણે પોતાનું નામ અમર કરી દીધું.એવું કહેવાય છે કે ભાથીજી મહારાજે જાતે જ પોતાની મૂર્તિ બનાવી હતી. પણ કાળક્રમે મૂર્તિ જીર્ણ થઈ જતાં તેને સમાધી આપી દેવામાં આવી અને એક નવી જ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યાં ભાથીજી મહારાજનું સ્થાનક બનાવવામાં આવ્યું. લોકો અપાર શ્રદ્ધાથી અહીં આવે છે અને પોતાની મનોકામના પુરી કરે છે અને ભાથીજી મહારાજને વિવિધ વસ્તુઓ ચડાવે છે.

અહીં કાપડ કે ચાંદીનો ઘોડો ચડાવવાની માનતા માનવામાં આવે છે, કારણ કે ભાથીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્ધ લડવા નીકળ્યા હતા. ઘોડાની સાથે સાથે અહીં ચાંદીના છત્ર પણ ચડાવવામાં આવે છે. અહીં લોકો સંતાનપ્રાપ્તિની બાધા કરવા માટે પણ આવે છે અને બાધા પુરી થતાં ઘોડિયુ પણ ચડાવે છે. લોકો અહીં ચાલીને પણ દર્શન કરવા આવે છે.ભાથીજી મહારાજના બાળપણના મિત્ર એવા નાગદેવતા મૃત્યુ સમયે પણ તેમની સાથે જ હતા. અને તેમના મૃત દેહ પાસે જ હતા. તે કારણસર ફાગવેલ ખાતેના ભાથીજીના આ મંદિરમાં કહેવાય છે કે જેને પણ ઝેરી નાગ કરડ્યો હોય તેને અહીં લાવવાથી તેનું ઝેર તરત જ ઉતરી જાય છે. માટે અહીં મંદિરમાં નાગદેવતાની પણ શ્રદ્ધાથી પુજા કરવામાં આવે છે.
હાલમાં આ મંદિરનાં જિર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. આ મંદિરને રાજસ્થાનના ખાસ પથ્થરો પર કોતરણી કરીને સજાવવામાં આવી રહ્યું છે, તેમજ તેમાં પિલ્લરો મુકીને મંદિરની શોભામાં વધારો કરવામાં આવ્યો છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment