વટાણા, તુવેર, વાલ, ચોળી કે લીલા ચણા જેવાં લીલાં બીજ ખાવાના ફાયદા છે અઢળક

288

ખાસ કરીને શાકાહારી લોકોએ શિયાળામાં આ બીજનો ફાયદો પૂરી રીતે ઉઠાવવો જોઈએ. આજે જાણીએ આ જાતજાતનાં બીજ આપણને કઈ રીતે ઉપયોગી છે અને એની કેટલીક નવી રેસિપીઝ.શિયાળામાં ખૂબ જ સારી ગુણવત્તાની શાકભાજી મળે છે એટલું જ નહીં, ઘણી અલગ-અલગ વરાઇટી પણ આ જ સીઝનમાં મળે છે. જો શાકાહારી ડાયટની વાત કરીએ તો એમાં પ્રોટીન દાળ અને કઠોળમાંથી મળે છે આ દાળ અને કઠોળ લીલા એટલે કે ફ્રેશ ફૉર્મમાં આ સીઝનમાં જ મળે છે, જેને ટેન્ડર પ્રોટીન પણ કહે છે. આ ટેન્ડર પ્રોટીન ધરાવતાં શાક એટલે લીલા વટાણા, વાલના દાણા, તુવેરના દાણા, પાપડી કે વાલોળ જે ખુદ ૩-૪ પ્રકારની આવે છે એના દાણા, લીલા ચણા કે જીંજરા, ચોળીનાં બી વગેરે. આ બીને સૂકવીને દાળ કે કઠોળ બનતાં હોય છે. દાળ અને કઠોળ હંમેશાં પચવામાં ભારે અને સુપાચ્ય નથી રહેતાં, પરંતુ એને લીલાં ખાવામાં આવે તો એ ઘણાં સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

ઉપયોગ

આ દાણાઓ પ્રોટીનનો અદ્ભુત સોર્સ છે એ તો સમજી શકાય, પરંતુ એમાં બીજાં કયાં પોષક તત્વો મળી આવે છે એ જણાવતાં કેજલ શેઠ કહે છે, ‘આ દાણાઓમાં વિટામિન A, વિટામિન C, વિટામિન K, અને વિટામિન B૬ ભરપુર માત્રામાં મળે છે. આ સિવાય એમાંથી અમીનો ઍસિડ, ફોલિક ઍસિડ, કૅલ્શિયમ, લોહતત્વ, મૅન્ગેનીઝ, કૉપર અને પોટૅશિયમ જેવાં ખનીજ તત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે. આમ આ કુમળા દાણાઓ હાડકાંને મજબૂત કરવા માટે, સ્નાયુઓના ઘડતર માટે અને દરેક કોષના યોગ્ય બંધારણમાં ઘણા મદદરૂપ થાય છે. આ સિવાય એમાં ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરતાં ઘણાં તત્વો પણ છે. ઍન્ટિઑક્સિડન્ટ પણ એમાં ભરપૂર માત્રામાં છે, જેને કારણે આપણા શરીરમાં ફરતાં ફ્રી રૅડિકલ્સથી પણ મુક્તિ મળે છે. હાર્ટ-હેલ્થ માટે પણ એ ઘણું જ ઉપયોગી છે. આ ઉપરાંત એમાં ફાઇબર્સ ઘણી વધુ માત્રામાં હોય છે, જેને કારણે પાચન ઘણું સારું થાય છે. પાચન સારું થવાની સાથે પેટ પણ વ્યવસ્થિત સાફ રાખવામાં એ મદદરૂપ છે.’

કઈ રીતે ખાવું?

સૂકાં કઠોળ અને દાળ કરતાં આ લીલાં બીજ કઈ રીતે અલગ પડે છે એ જણાવતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘કઠોળ અને દાળમાં વધુ કૅલરી હોય છે, જ્યારે આ લીલાં બીજમાં ઓછી કૅલરી હોય છે. એને લીધે વેઇટ પ્રત્યે સભાન લોકો માટે એ ઘણાં ઉપયોગી છે. આ સિવાય એ પચવામાં પણ કઠોળ અને દાળ કરતાં સરળ કહી શકાય, કારણ કે એ ફ્રેશ ફૂડ છે. છતાં જેમને ગૅસનો ઘણો પ્રૉબ્લેમ હોય એ લોકો એને વ્યવસ્થિત બાફીને અને વઘારીને જ ખાય એ જરૂરી છે. કાચાં વધુ ન ખાવાં. જેઓ યુવાન છે કે જેમનું પાચન સ્ટ્રૉન્ગ છે તેઓ આ દાણા કાચા પણ પચાવી શકતા હોય છે. આ સિવાય જો લીલાં બીજને ખોટી રીતે પકવવામાં આવે જેમ કે વધુ બાફી નાખવામાં આવે કે પાણી વધુ નાખવામાં આવે તો એનાં વિટામિન બધાં ઊડી જઈ શકે છે. એટલે આ ખોટી રીત ન વાપરવી. આ દાણાને કાં તો પ્રેશરકુકરમાં કાં તો કડાઈને ઢાંકીને પકવવા જેથી એનાં તત્વો ઊડી ન જાય. આ સિવાય આ દાણાઓ દિવસના સમયમાં જ ખાવા. રાત્રે કોઈ લોકોને એ પચવામાં નડી શકે છે.’

ગુજરાતી લોકો ઊંધિયામાં ઉપયોગ કરે

વટાણા, વાલ, તુવેર, લીલા ચણા, ચોળી વગેરે બીજનો ઉપયોગ આપણે ગુજરાતી લોકો ઊંધિયામાં કરીએ છીએ. આ સિવાય ઘણાં ઘરોમાં અલગથી શાક બનતાં હોય છે. નાનાં બાળકો ક્યારેક આ બીજ ખાવામાં આનાકાની કરતાં જોવા મળે છે. ન્યુટ્રિવિટી ડૉટ ઇનના ફાઉન્ડર અને ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી જાણીએ કેટલીક એવી રેસિપીઝ જે બાળકોને પણ ભાવશે અને નવીન પણ લાગશે.

સૌજન્ય : મીડ-ડે

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment