આજે જાણો માતાનો મઢ આશાપુરાની પ્રાગટ્યની વાત…

203

કચ્છના માતાના મઢ ખાતે માતા આશાપુરાનું એક વિશાળ મંદિર આવેલું છે અહીં દર વર્ષે લાખો લોકો માતાના દર્શન માટે આવે છે. તાજેતરમાં જ આપણા દેશના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માતાના મઢની મુલાકાત લીધી હતી અને પૂજા-અર્ચના કરી હતી. વર્ષની દરેકે દરેક નવરાત્રિની અહીં ઉજવણી કરવામાં આવે છે અને લોકો પોતાની માનતા પુરી કરવા માટે પણ અહીં આવે છે. ઘણા ભક્તો તો અહીં દૂર દૂરથી ચાલીને પણ દર્શન કરવા આવે છે.

અહીં ઘણા ભક્તોને માતાના ચમત્કારનો અનુભવ થયો છે. તો ચાલો જાણીએ આજે આશાપુરા માતાના પ્રાગટ્યની પવિત્ર કથા વિષે.લોકોમાં માતાના મઢ તરીકે જાણીતું આ પવિત્ર યાત્રા ધામ કચ્છ જિલ્લાના ભૂજ શહેરથી 90 કિ.મીના અંતરે આવેલું છે. આ મંદિરનું કુદરતી સૌંદર્ય પણ આંખોને ઠંડક આપે તેવું છે. મંદિર નાની નાની ટેકરીઓથી ઘેરાયેલુ છે. મંદિરમાં માતા આશાપુરાની 6 ફૂટ ઉંચી અને 6 ફૂટ પહોળી મૂર્તિ સ્વંભૂ રીતે બીરાજમાન છે અહીં માતાજીનો માત્ર ગોઠણ સુધીનો ભાગ જ બહાર છે, બાકીનો ભાગ જમીનમાં છે. ચૌદ આંખો ધરાવતી આ મૂર્તિ ભાવવિભોર કરી દે તેવી છે. અને તેમની દિવ્યતાની અનુભૂતિ કરાવે છે.

પંદર્સો વર્ષ પહેલાંની આ કથા છે તે સમયે મારવાડથી દેવચંદ નામનો કરાડ વૈશ્ય કચ્છમાં વેપારઅર્થે આવ્યો હતો. આ વેપારી ખુબ જ આસ્તિક હતો. સમય જતાં તેણે હાલ જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાને ખરીદી લીધી. આસો મહિનાની નવરાત્રીમાં તેણે માતાજીની સ્થાપના કરી. પછી શ્રદ્ધાથી માતાજીની આરાધનામાં લીન થઈ ગયો. તેની આ નિઃસ્વાર્થ ભક્તિ જોઈ માતાજીએ એક રાત્રે તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને વેપારીને કહ્યું, “તે જ્યાં આટલી શ્રદ્ધાથી મારી સ્થાપના કરી છે તે જગ્યાએ તું મંદિર બંધાવ, હું આ મંદિરમાં વાસ કરીશ. પણ એક વાતનું ધ્યાન રાખવું મંદિર બંધાવ્યા બાદ 6 માસ સુધી તારે મંદિરના દરવાજા ખોલવા નહીં.” આટલું કહી માતાજી જતાં રહ્યા. આ સ્વપ્ન બાદ વેપારી તરત જ મંદિરના નિર્માણમાં લાગી ગયો. તેણે હવે આ મંદિરને જ પોતાનું ઘર બનાવી લીધું હતું અને મંદિરની રખેવાળી કરવા લાગ્યો હતો.મંદિરનું નિર્માણ થઈ ગયું પણ માતાજીના આદેશ મુજબ 6 મહિના સુધી તેના દરવાજા ખોલવાના નહોતો. વેપારી દિવસરાત ત્યાં જ રહેતો હતો. મંદિરના દરવાજા ખોલવાને હજુ એક મહિનાની વાર હતી અને પાંચમાં મહિને વેપારીને મંદિરની પાછળથી ઝાંઝરનો મીઠો રુણઝુણ કરતો અવાજ સંભળાયો. તે આ અવાજમાં લીન થઈ ગયો અને એ જાણવા આતુર થઈ ગયો કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે અને મંદિરમાં કોણ છે. તે માતાજીના છ મહિના બારણા બંધ રાખવાના આદેશને ભૂલી ગયો અને તેણે મંદિરના દ્વાર ખોલી દીધા. તેણે જોયું તો માતાજીનું ગોઠણ નીચેનું સ્વરૂપ હજુ જમીનમાં જ હતું અને તે તેમનું તેમજ રહ્યું કારણ કે સમય પહેલાં દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. ત્યારથી અહીં માતાજીની આ સ્વરૂપે જ પૂજા કરવામાં આવે છે.આજે પણ લોકો માતા આશાપુરામાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને પોતાના દુઃખ દૂર કરવા મનની ઇચ્છાઓ પુર્ણ કરવા માનતાઓ લઈને માતાના દર્શને અવિરત પણે આવતા રહે છે. અહીં માતા દરેક ભક્તની આશા પૂરી કરે છે. આશા ફળ્યા બાદ ભક્તો અહીં મંગળવારનું વ્રત કરી માનતા પૂર્ણ કરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment