“સેલ્ફી દાદી” – ખુબ લાગણીસભર વાર્તા આયુષી સેલાણીની કલમે.. વાંચો અને શેર જરૂર કરજો..

228

“ખચાક” અવાજ સાથે જેવો ફેમિલી ફોટો ક્લિક થયો કે પરિવારના દરેક સદસ્ય ફ્રેમમાંથી ગાયબ થઇ ગયા..! પાંચ મિનિટની એ મુસ્કાન ખાલી દેખાડવાની જ હતી તે ત્યાં હાજર દરેક વ્યક્તિને ખબર જ હતી.. બે મિનિટ માટે પણ એકબીજાનો સહવાસ સહેવાતો ન હોય તેમ બધા જ તે ત્રીસ બાય પિસ્તાળીસના હોલમાંથી વિખરાઈ ગયા… તે ફોટો લેવાયેલો હતો તે જગ્યાએ ફક્ત કંચનબા જ રહી ગયા…!

બોખા મોઢામાં વધેલા બે દાંત, કાબરચીતરા વાળ, લચી પડેલી ને ઢીલી થઇ ગયેલી ચામડી અને નિર્દોષ આંખોમાં ડોકાઈ રહેલો આશ..! કોઈકનો આશરો હોય તેવી આશ.! બસ આટલી મૂડી સાથે જીવતા કંચનબહેન કણસારાનો પરિવાર શહેરના ધનાઢ્ય પરિવારોમાનો એક પરિવાર હતો.. તેમનો સૌથી મોટો દીકરો આર્જવ તેના પિતાજી છોડીને ગયા તે ધંધામાં સેટ થયેલો હતો.. તેની વહુ આનવી શહેરની પ્રખ્યાત વકીલ હતી.. તેમના જોડકા બાળકો ખલિશ અને ખઈશા કોલેજના પહેલા વર્ષમાં હતા.. કંચનબાનો નાનો દીકરો અસ્મ ઇન્કમટેક્સ ઓફિસર હતો અને તેની પત્ની એક ફેશન બુટીકની માલકીન હતી.. તેમની દીકરી ખ્યાના દસમા ધોરણમાં હતી..! કંચનબાના પતિ અમૃતલાલ પાંચ વર્ષ પહેલા બધું જ દીકરાઓના નામે કરી હ્રદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા.. તે પછીથી ઘરમાં ચાલતુ અમૃતલાલનું શાષન અને કાયદો વિખાઈ ગયા હતા..

દીકરા-વહુ અને પૌત્ર-પૌત્રીઓ પોતાને મનફાવે તેમ વર્તતા.. કંચનબાનુ તો જાણે ઘરમાં અસ્તિત્વ જ નહોતું. અમૃતા વના મૃત્યુ બાદ શરૂઆતના બે વર્ષ તો કંચનબાએ પોતાના ઠસ્સા અને રુઆબને કારણે એકચક્રી શાષન બનાવી રાખ્યું હતું પરંતુ જે દિવસે આર્જવને ખબર પડી કે કંપનીના બધા જ વહીવટ તેના નામ પર છે અને આ બઁગલો પણ તેના નામ પર જ છે.. તે જ દિવસથી કંચનબાના પોતાના જ ઘરમાં વળતા પાણી શરૂ થઇ ગયા હતા..!

દીકરા-વહુ તો ઠીક પરંતુ પૌત્ર-પૌત્રીઓ પણ દાદીમાને વાતવાતમાં વઢી લેતા. કોઈને સંબંધની મર્યાદા નહોતી કે નહોતી તેમની ઉંમરની શરમ..!

પરંતુ છેલ્લા અઠવાડિયાથી આ બધાના વર્તનમાં ફેર પડ્યો હતો.. જે કંચનબાને નકામા સમજીને ઘરના લોકો પાણીનું પણ ના પૂછતાં, તે જ કંચનબાને છેલ્લા એક અઠવાડિયાથી બધા અછોવાના કરી રહ્યા હતા..

મોટી વહુ આનવી સાત દિવસથી રોજ સવારે કોર્ટ જતા પહેલા તેમને પગે લાગવા આવતી.. સાથે સાથે કેસર-બદામ વાળા દૂધનો મસમોટો ગ્લાસ પણ ભરી લાવે! પહેલા દિવસે આનવી જયારે ઓરડામાં આવી ત્યારે કંચનબા ઘડી વાર માટે તો મૂંગા થઇ ગયેલા. જે આનવીવહુ દૂધ વધારે વપરાય તે વિચારીને સાસુમાને અડધો જ કપ અને એ પણ પાણી વાળો દૂધનો કપ ભરીને આપતી તે જ અત્યારે કેસર-બદામ વાળું દૂધ એક ગ્લાસ ભરીને લાવી હતી..! કારણ પૂછતાં આનવીએ કહેલું,

“એ તો બા તમારી ઉંમર થઇ એટલે આવું દૂધ પીવો તો સારું રે…!” એમ કહીને ત્યારે કેવી સિફ્તથી તેણે વાત વાળી લીધી હતી.

ને પછી તો કંચનબાને ઉપરાઉપરી અચરજના ઝાટકા મળેલા..

રોજ સાંજે નાની વહુ અવિષા ગરમાગરમ જમવાનું લઈને આવે અને પછી કમરમાં શેક પણ કરી દે…!

વહુઓનો બદલાવ તો ઠીક દીકરાઓમાં આવેલો બદલાવ તો વધારે નવાઈ પમાડે તેવો હતો. જે માઁને છેલ્લા પાંચ વર્ષમાં ગણીને પચાસ વાર પણ નહિ બોલાવી હોય તેને એક દિવસમાં પચાસ પચાસ વાર વહાલા થવા દીકરાઓ દોડી આવતા..! આર્જવ ને અસ્મ જમવા સમયે પણ પહેલો કોળિયો પોતાને ખવડાવવા લાગ્યા હતા. આ ઉપરાંત ખલિશ, ખઈશા અને ખ્યાના એ ત્રણે જણા પણ પોતાના મોબાઇલમાંથી નવરા થઈને ઘડી ઘડી દાદીમા પાસે આવીને લાડ કરતા હતા..!

આ બધું જોઈને કંચનબાને પોતાની જવાનીના એ દિવસો યાદ આવવા લાગ્યા હતા જ્યારે અસ્મનો જન્મ જ થયેલો અને આર્જવ અઢી વર્ષનો હતો.. તે દિવસે હોસ્પિટલમાં અમૃતલાલે કંચનબાને સંબોધીને કહેલું,

“કંચન, આજે હું બહુ ખુશ છું. આપણા ઘડપણની લાકડી આવી ગઈ છે. હવે જીવતરમાં બસ એટલો જ અભરખો કે બંને દીકરા આપણને સાચવે ને એમની વહુઓ અછોવાના કરે.. તેમનો સુખી સંસાર હોય ને આપણા પૌત્ર-પૌત્રીને વાર્તાઓ કહીને આપણે આખું આયખું પરિવારની કિલકારી ને ગમ્મતમાં વીતાવશું…!”

અમૃતલાલ હતા ત્યાં સુધી તેમની ધંધામાં સત્તા હતી એટલે ઘરમાં પરાણે પરાણે પ્રેમનું વાતાવરણ રહેતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં એ બધું ક્યાંય હવામાં ઉડી ગયેલું.. આજે ફરી અસ્મના જન્મ વખતે વિચારેલું એ જ વાતાવરણ ઘરમાં છવાઈ ગયું હતું ત્યારે કંચનબાને વિચિત્ર લાગણી થતી હતી.. એમાંય જયારે બે દિવસ પહેલા મોટી વહુએ કહેલું કે “બા તમારા ને આપણા પરિવારના ફોટા પાડવાના છે.. એટલે ફોટાવાળા ભાઈ આવે ત્યારે સરસ તૈયાર રહેજો. જેવા જાજરમાન તમે છો તેવી જ સાડી પહેરજો હો કે..!”

એ વહુએ કરેલી પ્રશંસા હતી કે ધમકી એ કંચનબાને નહોતી ખબર પડી પરંતુ આજે જ્યારે ફેમિલી ફોટો ક્લિક થયો ત્યારે તેમને ખરેખર આ બધા બનાવો પર વિશ્વાસ આવી રહ્યો હતો.. જો કે બધા આમ ફોટો પડાયા પછી અચાનક જતા રહેલા એમાં કઈ નવાઈ નહોતી.. ઘરમાં કોઈને એકબીજા સાથે દીઠેડોળેય બનતું નહોતું એટલે પ્રેમથી બધા સાથે બેસીને વાતો કરે એ સપનામાં જ જીવી શકાય.. પણ તોય છેલ્લા સાત દિવસથી બદલાયેલી પરિસ્થિતિ જોઈ કંચનબા ખુશ હતા..!

કંચનબા ભૂતકાળ ને વર્તમાનના હિંડોળા વચ્ચે હેતથી જુલી રહ્યા હતા કે તેમના કાને મોટા દીકરાના બેડરૂમમાંથી આવતા અવાજો અને ત્રુટક ત્રુટક શબ્દો સાંભળ્યા.. પોતાના નામનું ઉચ્ચારણ સાંભળી કુતુહલતાવશ તેઓ બેડરૂમના દરવાજા સુધી પહોંચ્યા ને કાન દરવાજે માંડ્યા..!

તે દિવસે કંચનબાએ જે સાંભળ્યું તે પછી તેમની આંખમાંથી આંસુઓ અવિરતપણે વહી રહ્યા હતા.. તે શબ્દો સાંભળી તેમને શું કરવું તે ના સુજતા પોતાના ઓરડામાં જઈ અમૃતલાલની છબી સામે જોઈ રહ્યા.. તેમની આંખોમાં સવાલ હતો.. તે આંખો જાણે અમૃતલાલને કહી રહી હતી..

“કેમ મને એકલી મૂકીને આમ જતા રહ્યા..?!”

તે આખી રાત તેઓ બહુ જ રડ્યા.. થોડી જ ક્ષણો પહેલા જે સપના જેવી જ હકીકત લાગતી હતી તે ખરેખર મૃગતૃષ્ણા સમું એક સ્વ્પ્ન જ હતું તે કંચનબાને સમજાય ગયું…

બીજા દિવસની સવાર કંચનબા માટે કપરી હતી.. સૂરજ પણ જાણે તેમની મનોવ્યથા સમજી ગયો ચુક્યો હોય તેમ પોતાના કિરણોને લપાવીને પ્રકાશ પોતાની અંદર જ રોકી રહ્યો હતો..!

કંચનબા સૌથી પહેલા પોતાના પૌત્રના ઓરડામાં ગયા અને તેને સંબોધીને બોલ્યા,

“દીકરા ખલિશ, ચાલ જો, મારી સાથે એક સેલ્ફી લે તો..!”

દાદીમાને સવાર સવારમાં આવીને સેલ્ફી માટે આગ્રહ કરતા જોઈ ખલિશ મુંજાઈ ગયો.. ફોનથી હંમેશ દૂર રહેવાનું કહેતા દાદીમા આજે એ જ ફોનમાં સેલ્ફી પાડવા આવ્યા હતા..

તેણે પૂછ્યું,

“દાદી, શું થયું અચાનક?? બધું બરોબર તો છે ને??? તમને દાદાએ આપ્યો એ પછી તમે કોઈ દિવસ આ ટચસ્ક્રીન મોબાઈલ યુઝ જ નથી કર્યો.. ને આજે અચાનક એ જ ફોન લઈને સેલ્ફી લેવાની કેમ ઈચ્છા થઇ ગઈ???”

પૌત્રને જવાબ આપતા કંચનબા બોલ્યા,

“અરે એ બધું તું મૂકને બાપા.. બસ અહીં આવ અને મારી સાથે આ સેલ્ફીમાં પેલો બધા આપે ને એવો.. શું કે??.. હા પોઝ આપ..!”

ઊંઘરેટી આંખો સાથે ખલીશે તો ત્યારે સેલ્ફી પડાવી લીધી પરંતુ તે પછીથી કંચનબાનો આ સેલ્ફીક્રેઝ ઘરના બધા માટે માથાનો દુખાવો બની ગયો..!

અઠવાડિયામાં તો કંચનબાએ ઓછામાં ઓછી હજારેક સેલ્ફી લઇ લીધી.. આખો દિવસ ઘરના દરેક સભ્યને જોઈને તેની સાથે જાતજાતની સેલ્ફી ક્લિક કરતા રહે.. એટલું ઓછું હોય તેમ ઘરના નોકરો અને પાડોશીઓને પણ આગ્રહ કરે સેલ્ફી પડાવા માટે…! એમાંય પાછા જે કુટુંબીઓ ને સમ્બન્ધીઓ ગામમાં જ રહેતા હોય તેમના ઘરે જઈ જઈને સેલ્ફી ક્લિક કરે..! સ્પેશિયલી રીક્ષા કરી કરીને બધાના ઘરે જાય.. કોઈને ત્યાં બેસવાનું નહિ ને બસ સેલ્ફી જ ક્લિક કરવાની..! કામ પતે એટલે રોકેલી રિક્ષામાં પાછું નીકળી જવાનું… ચોથા દિવસે તો ઘરના ડરાઇવરે કહેલું કે તેમને લઈને જ્યાં જવું હશે ત્યાં પોતે જશે.. પરંતુ કંચનબાએ ચોખ્ખું કહી દીધું કે પોતે જશે તો રિક્ષામાં જ…!

આજે સાત દિવસે કંચનબાના આ “સેલ્ફીકાંડે” તેમના પરિવારમાં જાણે હાહાકાર મચાવી દીધો હતો.. કંચનબા રોજની જેમ તૈયાર થઈને ઘરની બહાર નીકળતા જ હતા કે તેમના દીકરા આર્જવે તેમનો રસ્તો રોક્યો…

“માઁ… શું કરે છે તું આ ગાંડપણ??? કહીશ અમને કંઈક? ગાંડાની જેમ આખો દિવસ સેલ્ફી ક્લિક કર્યા કરે છે આખા ગામ સાથે…! તે સાત દિવસમાં જેટલી સેલ્ફી લીધી એટલી તો તારા પૌત્ર-પૌત્રીઓએ છેલ્લા એક વર્ષમાં નહિ લીધી હોય…! મહેરબાની કરીને અમને આ ગાંડપણનું કારણ જણાવીશ????”

આર્જવની વાત સાંભળી કંચનબા જરા મલકાયા ને પોતાની ખુરશી પર જઈને બેઠા.. બેફિકરાઈથી બેઠેલા કંચનબાને જોઈને આર્જવને અને ત્યાં હાજર દરેક સભ્યને ગુસ્સો આવ્યો.

અસ્મ ગુસ્સામાં જ તેની માઁ પાસે ગયો અને ઊંચા અવાજે બોલ્યો…

“માઁ ભાઈ કંઈક પૂછે છે તેનો જવાબ આપીશ તું????”

હસતા હસતા કંચનબાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.. અસ્મની વાત સાંભળી તે વાતને ગણકારી ના હોય તેમ સામે દીવાલમાં લાગેલી અમૃતલાલની છબી તરફ એકીટશે જોઈ રહ્યા.. તેમની આંખમાંથી સતત આંસુ વહેતા હતા..

ત્યાં હાજર આર્જવ, આનવી, ખલિશ, ખઈશા, અસ્મ, અવિષા ને ખ્યાના બધા કંચનબેનના આ વર્તાવથી અચંબિત હતા..!

કંચનબા પણ એ બધાનો પ્રશ્ન સમજી ગયા હોય તેમ શબ્દોને ગોઠવતા ગોઠવતા બોલ્યા,

“મારા વહાલાઓ, એક અઠવાડિયાથી હું જે કરી રહી છું એ જોઈને આજે તમને કેટલો ગુસ્સો આવે છે નહિ..?! મારામાં અચાનક આવી ગયેલો આ બદલાવ તમને પસંદ નથી આવ્યો એ હું જાણું છું..!

પણ હેં ખલિશ તને યાદ છે તું જ મને કહેતો પેલા કે દાદી તમે બીજા દાદીમાઓ જેવા મોડર્ન નથી.. ને તમે મારી લાડકી વહુઓ, યાદ છે એક વખત તમેય કહેલું કે શું મમી તમને તો ફોટો પાડતાય નથી આવડત…!

તો આજે હું એવી મોડર્ન થઇ ગઈ અને સેલ્ફી ક્લિક કરતાંય શીખી ગઈ તો તમને શું વાંધો છે..?!”

સાસુમાની વાત સાંભળી બંને વહુઓ તેમની સામે એકીટશે જોઈ રહી.. ત્યાં હાજર કોઈનેય હજુ સુધી “સેલ્ફીકાંડ” નો તાળો નહોતો મળ્યો…

કંચનબાને બધાને આ રીતે અસમંજસમાં જોઈ જાણે મજા આવી રહી હતી.. પોતે અધૂરી મુકેલી વાતને આગળ વધારતા તે બોલ્યા,

“હા તો હું એમ કહેતી હતી કે તમને મારો આ બદલાવ ના ગમ્યો.. પણ મને તો તમારો બદલાવ બહુ પસંદ આવ્યો હતો.. હું તો એ બધું જે સાત દિવસ પહેલ મારી સાથે થઇ રહ્યું હતું તેને જ હકીકત માનવા લાગી હતી.. બહુ ખુશ હતી હું…!

પરંતુ તે દિવસે મેં આર્જવ અને આનવીની વાત સાંભળી ત્યારે મને સાચી હકીકતની જાણ થઇ..! એ બધો પ્રેમનો દેખાડો હતો એ ખબર પડી પછી મેં પણ આ રીતે તમને થોડા સતાવવાનું વિચાર્યું…!

પરંતુ આ કરવા પાછળ પણ મારો ઈરાદો તો સારો જ હતો હો કે..!”

કંચનબાની વાત સાંભળી આર્જવ અને આનવીને કંઈક અણસાર આવી રહ્યો હતો.. તે લોકો પોતાના બચાવના શબ્દોને મનમાં ગોઠવી રહ્યા હતા કે ત્યાં જ કંચનબા તેમની નજીક આવ્યા.. આર્જવની નજીક જઈ તેનો હાથ પકડીને બોલ્યા,

“હે દીકરા વૃદ્ધાશ્રમમાં મેં પાડેલી આ સેલ્ફીમાંથી ફોટો બનાવીને લઇ જઈશ તો વાંધો નહિ આવે ને??”

માઁની વાત સાંભળી આર્જવ શરમથી પાણી પાણી થઇ ગયો.. તેની સાથોસાથ ત્યાં હાજર દરેકના મોં પર પ્રશ્નાર્થ છવાઈ ગયો હતો કે કંચનબાને આ વાતની ખબર કઈ રીતે પડી…!

એ બધાના મોઢા જોઈને કંચનબા ખુલાસો આપતા બોલ્યા,

“મને ખબર છે તમને નવાઈ લાગતી હશે કે તમારા આ પરફેક્ટ પ્લાનિંગ વિશે મને કેમ ખબર પડી ગઈ હે ને??

તો કહું છું સાંભળો..

પહેલા સાત દિવસ તો મને આ બધા પર વિશ્વાસ નહોતો આવતો.. તમારા બધાનો બદલાયેલો વ્યવહાર ને આટલી કાળજીથી હું ખુશ હતી પણ સાથે સાથે મને નવાઈ પણ લાગતી હતી.. તોય ભગવાનનો ચમત્કાર માનીને હું આ બધું ખુશીથી સ્વીકારતી જ હતી કે જે દિવસે આપણો ફેમિલી ફોટો ક્લિક થયો તે દિવસે મને આર્જવના ઓરડામાંથી ચાલતી ગુસપુસ સંભળાઈ.. દરવાજા પાસે જઈને કાન માંડતા હકીકતની ખબર પડી કે તમે બધા મને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગો છો.. પણ એ “ફાઈવ સ્ટાર” વૃદ્ધાશ્રમમાં મોકલવા તમારે મારી સહી લેવી ફરજીયાત છે..

તો બસ આ સહી લેવાના ચક્કરમાં તમે બધાય મારી સાથે સારાસારી કરી રહ્યા હતા.. જે દિવસે તક મળે તે દિવસે મને સમજાવવાના જ હતા હે ને? આ આખો દૂધનો ગ્લાસ, આટલું વહાલ, અદની કાળજી ને આ બધુંય તમારા સ્વાર્થ માટે હતું મારા પ્રત્યેના પ્રેમને કારણે નહિ..!”

કંચનબાની વાત સાંભળી ત્યાં હાજર રહેલા દરેક સદસ્યના મોઢા પડી ગયા હતા..

“દીકરાઓ સ્વાર્થનું આવું જ છે.. સાવ ટૂંકું આયુષ્ય હોય છે આ સ્વાર્થ નામના પ્રાણીનું.. તમે સ્વાર્થવૃત્તિ સાથે તમારું સમાધાન શોધવા નીકળ્યા હતા ને એટલે તમને અસફળતા મળી.. ને મને તમારા પ્લાનિંગની જાણ થઇ ગઈ..!

પણ કઈ વાંધો નહિ પેલું કહે છે ને કે “છોરું કછોરું થાય પણ માવતર માવતર ના થાય..”

બસ તો એ ઉક્તિને સાર્થક કરતા હું તમારી આ મહેનત પાણીમાં નહિ જવા દઉં..

લાવ આર્જવ, ક્યાં સહી કરવાની છે? કરી દઉં.. પછી મને એ તમારા એ “ફાઈવ સ્ટાર ઘરડાઘર” માં મૂકી આવજે..!”

હા બસ છેલ્લી એક ઈચ્છા છે.. આ જે બધી સેલ્ફી મેં ક્લિક કરી છે ને.. એ પ્રિન્ટ કરાવી દેજે ને.. મને ત્યાં વૃદ્ધાશ્રમમાં એકલું એકલું ના લાગે અને તમારા બધાયની યાદ ના આવે એ માટે આ ફોટો જોયા કરીશ..!

ના ના.. આ સેલ્ફીયું જોયા કરીશ.. હા..હા..હા..!”

કંચનબાની વાત સાંભળી ભોંઠો પડી ગયેલો આર્જવ કઈ બોલી ના શક્યો ને બાકી બધા પૂતળાની જેમ ઉભા રહ્યા..!

તે સમયે ત્યાં હાજર બધા જ પોતાના મોં નીચા કરીને ઉભા હતા જ્યારે એક માઁનું મમતાભર્યું કાળજું ગર્વભેર ફુલાઈ રહ્યું હતું..!

માઁ તરીકે કંચનબાએ ફરી એક વખત સાબિત કરી દીધું કે બાળકની ખુશીથી વધારે માઁ માટે બીજી કોઈ વસ્તુ મહત્વની નથી..!

હસતા મોઢે પોતાના ઓરડામાં જઈ સામાન લઈને આવેલા કંચનબાના હાથમાં અમૃતલાલની છબી અને ગયા અઠવાડિયે પડાવેલો આખા પરિવારનો ફોટો ચમકી રહ્યો હતો..!

વૃદ્ધાશ્રમમાં જવા તૈયાર એ માઁ ગર્વભેર દીકરાઓને ભેટીને આગળ વધી કે પાછળથી સાતેય જણાએ આવીને કંચનબાને બથ ભરી લીધી…!!!!!!!

પોતાના પરિવારના દરેક સભ્યની આંખમાંથી વહી રહેલા પશ્ચાતાપના એ આંસુ કંચનબાને તે દિવસે બહુ મીઠા લાગ્યા..!!! ને એ ખુશીની ક્ષણો તે દિવસે કેમેરામાં નહીં ને પરમેશ્વરની આંખમાં કંડારાઈ ગઈ..!!

લેખક : આયુષી સેલાણી 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment