આજે અને અત્યારે જ ફટાફટ વાંચી લો આ ખુબ સુંદર વાર્તાઓ…

186

“બિઝનેસ ડીલ”

“આ કંપની પહેલા પણ તારી હતી અને આજે પણ તારી છે જ, વેલકમ બેક.”
ધીરજ એ પોતાની M.D. ની ઓફિસમાં બેઠાં બેઠાં નિરાશ, હતાશ અને પશ્ચાતાપ વાળા ચહેરે સામે બેઠેલી ધ્વનીને કહ્યું.

ત્રણ વર્ષ પહેલા ધીરજ, ધ્વની અને આકાશે સાથે મળીને કંપની શરુ કરેલી. શરૂઆતના એક વર્ષમાં કંપની લોસમાં જતાં ધ્વની અને આકાશે સાથે મળીને અલગ નવી કંપની શરુ કરી. ધીરજને પણ ચાલુ કંપની વેચીને નવી કંપનીમાં જોડાવા ખૂબ ફોર્સ કર્યું પણ ધીરજ “હું મારું પ્રથમ બાળક વેંચવા તૈયાર નથી.” કહીને એકલો કંપની ચલાવતો રહ્યો. જેની અસર ધીરજ અને ધ્વનિના પ્રેમસંબંધ ઉપર પણ પડી, એજ અસરનો ફાયદો ઉપાડીને આકાશે ધ્વની સાથે લગ્ન કરી લીધાં. આકાશ અને ધ્વનીની નવી કંપની ખૂબજ સારું પ્રોફિટ કરી રહી હતી, બંને ખૂબજ ખુશ હતાં. ધ્વનીને લાગ્યું હતું કે હવે બધુ જ વેલસેટ છે. પણ આકાશે પોતાના ભાઈઓને પાર્ટનર તરીકે એડ કરીને ધ્વનિની પીઠ પાછળ બધુંજ પોતાના નામે કરી લીધું અને ધ્વનીને ઘર સંભાળવાનું કહી દીધું. કંપનીને ટોચ પર લઇ જવાવાળી ધ્વનિનું કંપનીમાં ક્યાંય નામ ન રહ્યું. ધ્વનીએ એ બધું પણ સહન કર્યું, પણ એક દિવસ ઘરે આકાશને એના ભાઈઓ સાથે ડ્રીંક લેતી વખતે વાતો કરતાં સાંભળ્યું કે “ધ્વની સાથે લગ્ન કરવા એ એક જાતનું બિઝનેસ પ્લાન જ હતું. લગ્ન માટે તો એના કરતા પણ ઘણી સારી મળી જાત.” સાથે સાથે જૂના અફેર્સ અને એજ બધા સાથેના અત્યારના સંબંધોનું આકાશ નશામાં બબડતો રહ્યો અને ધ્વની આઘાત સાથે સાંભળતી રહી.

થોડા સમયમાંજ ધ્વનીએ આકાશને ડાઈવોર્સ આપી દીધાં. તેને ખાલી હાથે ઘર છોડવું પડ્યું. એવા સમયમાં ધ્વનીને ધીરજની યાદ આવી. થોડા ખચકાટ સાથે એણે ધીરજનો કોન્ટેક્ટ કર્યો અને ધીરજે તેને પોતાની કંપનીમાં અને જીવનમાં પાછું સ્થાન આપી દીધું. ટૂંક સમયમાંજ ધીરજે ધ્વનીને પ્રપોઝ કર્યું, ધ્વની પાસે ‘ના’ કહેવાનું ઓપ્સન જ ન હતું. તેણે સહર્ષ ધીરજના પ્રેમનો સ્વીકાર કર્યો અને થોડા સમયમાં લગ્ન કરી લેવાનું નક્કી કર્યું.

“હવે મને તારી કંઈ જરૂર નથી, ધ્વની મારા બિઝનેસમાં અને જીવનમાં પાછી આવી ગઈ છે. આમેય તારી સાથે રીલેશન રાખવાનો કોઈ ખાસ ફાયદો નથી થયો. મને વિશ્વાસ છે કે ધ્વની સાથે લગ્ન કરવા એ મારા માટે બેસ્ટ બિઝનેસ ડીલ સાબિત થશે.” ધીરજ ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો અને એની જાણ બાહર ધ્વની તેની વાતો દરવાજા પાસે ઊભીને સાંભળી રહી હતી.

– એ.જે.મેકર

* * * * *

“બસ, પ્રેમ છે…”

“આજે ફરી એને જોઈ, ફરથી પ્રેમ થઇ ગયો…”
૧૬જુલાઈ, ૨૦૧૬ના અમિતે ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું. ૧૦૦થી વધુ લાઈક્સ અને ૨૫થી વધુ કમેન્ટ્સ આવી. જેમાં હર્ષિતાની એક કમેન્ટ હતી,

“ઓ હીરો, કોણ છે એ? મને પણ નહિ કહે? પ્રપોઝ કર્યું કે નહિ? કહેતો હોય તો હું હેલ્પ કરું, આમ પણ તું સાવ ફટટુ છે.” અમિતે કંઈ રીપ્લાય ન આપ્યું, પણ બાકીના ૧૦મિત્રોએ હર્ષિતાના ફેવરમાં રીપ્લાય આપ્યાં.

વર્ષ ૨૦૧૧/૧૨માં અમિત અને હર્ષિતા બી.એડ. કોલેજમાં સાથે હતા. બીજા સેમેસ્ટરની શરૂઆતમાંજ અમિતે હર્ષિતાને પ્રપોઝ કરેલું, પણ હર્ષિતાએ ખૂબજ સાહજિકતાથી જણાવી દીધું કે, એ અને અમિતનો ખાસ મિત્ર નીતેશ એકબીજાનાં પ્રેમમાં છે. હર્ષિતાની ‘ના’ કરતાં નીતેશે છુપાવેલી વાતનું અમિતને વધુ દુઃખ થયું, પણ અંતે તેણે સહર્ષ બંનેના પ્રેમનો સ્વીકાર કર્યો અને હર્ષિતાને ખાતરી આપી કે એનો પ્રેમ બંનેની મિત્રતામાં વચ્ચે નહી આવે. કોલેજ પત્યા પછી પણ હર્ષિતા અને અમિત સારા મિત્ર રહ્યાં. અમિત માસ્ટર ડીગ્રી માટે વડોદરા ચાલ્યો ગયો અને ત્યાંથી એમ.એડ. કમ્પ્લીટ કરીને શહેરની બી.એડ. કોલેજમાં જોબ કરવા પાછો આવ્યો. ત્યાં સુધીમાં હર્ષિતા અને નીતેશના લગ્ન થઇ ગયા. હર્ષિતા અને નીતેશના આગ્રહ છતાં, એ લગ્નમાં હાજરી ન આપી શક્યો. આજે શહેરમાં આવતાંની સાથેજ તેણે નીતેશ અને હર્ષિતાને ખરીદી કરતાં જોયાં, થોડીવાર ત્યાંજ છુપાઈને બંનેને જોયા પછી, બી.એડ. સમયના બીજા મિત્ર પ્રશાંતના ઘરે આવીને તેણે ફેસબુક અપડેટ કર્યું.

“યાર હવે તો લગ્ન કરીલે, એણે તો લગ્ન પણ કરી લીધાં. હર્ષિતા માટે હજી શું છે તારા મનમાં?” પ્રશાંતે ફેસબુક અપડેટ જોઇને અમિતને કહ્યું. ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરીને જાણે હર્ષિતાનો ચહેરો નજર સમક્ષ હોય એવી અનુભૂતિ સાથે અમિતે માત્ર એટલુંજ કહ્યું. “બસ, પ્રેમ છે….”
– એ.જે.મેકર

* * * * *

“કેરેક્ટર લેસ”

સવારે ૬વાગે અમીતાની આંખ ખુલી. પડખામાં અજીત ગાઢ ઊંઘમાં હતો. અમિતાએ વહાલથી અજીતના માથમાં આંગળીઓ ફેરવી અને પોતાનો ફોન લઈને અજીતના ગાલ પર કિસ કરતી સેલ્ફી લીધી. અજીત હજી ઊંઘમાં જ હતો. અમિતા ઉઠી, ગાઉન વ્યવસ્થિત પહેરીને બેડની જમણી બાજુના સોફા પર બેઠી અને પોતે ખેચેલી સેલ્ફી જોવા લાગી. એના મુખ ઉપર એક પ્રેમ ભર્યું સ્મિત ફરકી ગયું.

અજીત અને અમિતા ૭ મહિનાથી રીલેશનમાં હતાં. ત્રણ વર્ષ પહેલાં અમિતા માટે અજીતનું માંગું આવેલું અને બે મહિના પછી સગાઇ નક્કી કરવામાં આવી. અજીત અમિતાને પ્રેમ કરતો હતો. એ અમિતા સાથેના પોતાના સંબંધ માટે ખુશ હતો. પણ અમિતા માટે એ જેલ જેવું બન્યું હતું. સગાઇના અગલા દિવસે જ અમિતા એ સગાઇ માટે ‘ના’ પાડી દીધી. અજીત અને અમિતાના ઘરવાળાને ખૂબ આંચકો લાગ્યો. અજીત અમિતાને મળ્યો ત્યારે અમિતા એ જણાવ્યું કે તેને પોતાનું ફ્યુચર બનાવવું છે, ઘણું આગળ વધવું છે, માટે લગ્ન નથી કરવા. પણ એ દલીલોના જવાબ અમિત પાસે હતાં. ત્યારે અમિતા એ ખુલાસો કર્યો કે એ અજીતને લાયક નથી. અમિતાએ પહેલાં પણ તેના બોયફ્રેન્ડ સાથે ફીઝીકલ રીલેશન રાખ્યા છે. જયારે અજીત ખૂબજ સીધો અને લોયલ હતો. અજીતાના એ ખુલાસાથી પણ અજીતનો પ્રેમ ઓછો ન થયો. પણ અમિતા એ લગ્ન માટે ‘હા’ ન પાડી અને મુંબઈ ફેશન ડીઝાઈનરનો કોર્સ કરવા ચાલી ગઈ.

એક વર્ષનો કોર્ષ કરીને બે વર્ષ ત્યાં કામ કર્યું. થોડા સમયમાં અજીતના લગ્ન થઇ ગયા. અમિતા પાછી આવી ત્યારે એને લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. અમિતા પણ હવે લગ્ન માટે તૈયાર હતી. એના સપના પ્રમાણે આજે એ એક ફેશન ડીઝાઈનર બની હતી. પણ જ્યાંથી વાત આવતી એ લોકો અમિતા માટે અજીતનો અભિપ્રાય લેતા. અજીત બધાને “મન મેડ” ન થવાનું કારણ જણાવીને વાત પૂરી કરી દેતો. પણ જયારે તેના કઝીન સાથે અમિતાની વાત આવી ત્યારે તેણે પોતાના કઝીનને અમિતાએ કીધેલું સત્ય શબ્દસહ કહ્યું. પરિણામે એ વાત સમાજમાં ફેલાઈ ગઈ અને અમિતા વિશે એ “કેરેક્ટર લેસ” છે એવી વાતો થવા લાગી. લગ્નના પ્રસ્તાવ આવતા અટકી ગયા. અમિતા એ નક્કી કરી લીધું કે એ હવે એકલી જ રહેશે. અમિતાએ માત્ર અજીત સાથે સંબંધ રાખ્યો. અજીત પણ પોતાનો જૂનો પ્રેમ સામેથી પાછો આવતા પોતાને રોકી ન શક્યો.

અચાનક અજીતની આંખ ખુલી, એણે પડખું ફેરવ્યું. અમિતા સામે સોફા પર બેઠી હતી. અજીતે અમિતા સામે જોઇને સ્માઈલ કરતા “ગૂડમોર્નિંગ” કહ્યું. અમિતા, અજીતની બાજુમાં આવી અને પોતે ખેચેલી સેલ્ફી બતાવતાં કહ્યું “ગૂડમોર્નિંગ, કેરેક્ટર લેસ.

– એ.જે.મેકર

* * * * *

“જીદ્દી પ્રેમ”

“પ્લીઝ અવિનાશ, સ્ટોપ મેસેજિંગ મિ.”
“તારો આ જીદ્દીપ્રેમ મને ટોર્ચર કરે છે.”
“આઈ એમ મેરીડ નાઉ, પ્લીઝ મારી મેરીડ લાઈફ બરબાદ ન કર.”
“શેમ ઓન યુ, બ્લડી બ્લેકમેલર, તે એ ફોટોસ અને વિડીયો ડીલીટ કરી નાખ્યાનું કહ્યું હતું. અફસોસ છે મને, શરમ આવે છે, ઘૃણા થાય છે જાત ઉપર કે હું તારા જેવા માણસના પ્રેમમાં પડી હતી. તું તો મારી નફરત ને પણ લાયક નથી.”
“નથી જીવી શકતો તો મરીજા….પણ મારો પીછો છોડ હવે.”

અર્જુન, સોનાના ફોનમાં સેન્ટ મેસેજીસમાં બધું વાંચી રહ્યો હતો. ઈનબોક્સના મેસેજ ડીલીટ થઇ ગયા હતાં. અને સેન્ટ મેસેજીસમાં પણ પંદર દિવસ પહેલાના થોડા મેસેજ બાકી રહી ગયા હતા. અર્જુનને આખી ઘટના ધીરે ધીરે સમજવા લાગી. અચાનક સોનાનું અપસેટ રહેવું, પોતાનો ફોન સતત હાથમાં રાખવો અને એક વખત આખીરાત ફ્રેન્ડના ઘરે લગ્નની તૈયારીના બહાને જવું, આ બધું જ અવિનાશ માટે હતું. થોડા દિવસ પહેલા છાપામાં અવસાન નોંધ વાંચીને સોના ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને કારણ પૂછતા એણે જવાબ આપવાનું ટાળ્યું હતું. એ પણ અવિનાશ માટે જ હતું. આનો મતલબ હતો કે પોતાને આવેલા એક અનનાઉન કોલની બધી જ વાત સાચી હતી. સોનાનો સાચેજ લગ્ન પહેલા અવિનાશ સાથે સંબંધ હતો. અર્જુનને ગુસ્સો આવ્યો. મન થયું કે હમણાંજ જઈને સોનાની પોલ પરિવાર સામે ખોલી નાખું. અર્જુને બધાં સેન્ટ મેસેજ ફરીથી વાંચ્યા, મગજ ઠંડું રાખીને સમજીને વાંચ્યા.

“અર્જુન….મારો ફોન ક્યાંય જોયો?”
સોનાએ રૂમમાં પ્રવેશતાં કહ્યું.

“હા, આ રહ્યો. અહી બેડ પરજ રહી ગયો હતો.”
અર્જુને બધા મેસેજ ડીલીટ કરી દીધા અને ફોન સોનાને આપ્યો.

એની ધારણા મુજબ સોનાએ ત્યાંજ ઊભીને ફોન ચેક કર્યો. સેન્ટ મેસેજનું ફોલ્ડર ખાલી હતું. મનમાં થોડો હાશકારો થયો હોય તેમ અર્જુન સામે નાનું સ્મિત ફરકાવીને રૂમમાંથી ચાલી ગઈ. અર્જુને પોતાની ઓફીસ બેગમાં પડેલું એક કવર કાઢ્યું, જેમાં થોડા ફોટા અને એક સી.ડી. હતી. એક પણ ફોટો જોયા વગર બધાંજ ફોટાનાં નાના-નાના કટકા કરીને ફ્લશમાં નાખી દીધા અને સી.ડી. તોડીને બહાર ફેંકી દીધી.

– એ.જે.મેકર

* * * * *

“જેવા સાથે તેવા”

“સગાઇના છ મહિના પછી ખબર પડી કે હું તને નથી ગમતી?”
સિદ્ધિ એ રડતાં રડતાં ભાવેશને કહ્યું.

“એ તું જે સમજે તે પણ હવે હું તારી સાથે રહેવા નથી ઈચ્છતો બસ.”
ભાવેશે નિર્દયતાથી ફોન કટ કરી દીધો.

સિદ્ધિ અને ભાવેશની સગાઇ છ મહિના પહેલા પરિવારના વડીલોએ નક્કિ કરી હતી. કોઈજ પ્રોબ્લેમ નહતી. બન્ને એકબીજા સાથે ખુશ હતા. અચાનક છેલ્લા સાત દિવસથી ભાવેશનું વર્તન બદલાવા લાગ્યું. દરરોજ રાત્રે બે અઢી કલાક સુધી ફોન મુકવાનું નામ ન લેનાર ભાવેશ સિદ્ધિના કોલ રીસીવ ન કરતો અને આજે અચાનક તેણે સગાઇ તોડવાની વાત કરી. ભાવેશના માતાપિતા સિદ્ધિના ઘરે ખૂબજ દુઃખ સાથે સગાઈની વીટી પાછી આપી ગયા. જે દિવસોમાં લગ્નની તારીખ નક્કિ કરવાની હતી એ દિવસોમાં સગાઇ તોડવાનો વારો આવ્યો. બન્ને પરિવારો ભાવેશના આ નિર્ણયથી દુઃખી હતા અને સિદ્ધિ ભાંગી પડી હતી. ભાવેશ દ્વારા મળેલું રીજેકશન તેને અંદર ને અંદર ખાવા લાગ્યું હતું. બે મહિનામાં ભાવેશે અનીષા નામની છોકરી સાથે સગાઇ કરી લીધી હતી સમાચાર હતા કે બન્ને થોડા સમયથી પ્રેમમાં હતા. ભાવેશ અનીષા સાથે ખુશ હતો અને સિદ્ધિ એકલતાના કડવા ઘૂટ પીને દિવસો પસાર કરી રહી હતી.

“હેલ્લો સિદ્ધિ ભાવેશની બીજી સગાઇ તૂટી ગઈ અને આ વખતે સામેથી છોકરીએ સગાઇ તોડી છે.”
થોડીવાર સુધી ભાવેશના સંદર્ભે “અહીનું અહીજ છે” જેવી વાતો કરીને ભાવેશના ઘરની નજીક રહેતી સિદ્ધિની કઝીન મિતાલી એ કોલ પૂરો કર્યો. સિદ્ધિ એ તરતજ બીજો કોલ જોડ્યો અને કહ્યું.

“થેન્ક યુ અનીષા.”

લેખક : એ.જે.મેકર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment