A.J.Maker ની કલમે લખાયેલ પાંચ શોર્ટ સ્ટોરી, તમને કઈ વાર્તા ખુબ પસંદ આવી એ કોમેન્ટમાં જરૂર જણાવજો..

155

“અધૂરાશ”

“પણ તારા પતિના આટલા ઓછા પગારમાં તમારું જીવન કેમ ચાલી શકે છે? જીવન જરૂરીયાતની વસ્તુઓ કેમ પૂરી થઇ શકે છે?”
સ્વાતિએ મિડલક્લાસ છોકરા સાથે લવ મેરેજ કરીને દુનિયાની નજરે દુઃખી થયેલી શ્રેયાને કહ્યું.

“હા, આટલા પૈસામાં ઘર ચલાવવું અઘરું તો પડે પણ અશક્ય નથી. રહી વાત જરૂરિયાતની, એ તો આપણા પર ડીપેન્ડ કરે છે. મને અને મારા પતિને વસ્તુઓની નહિ પ્રેમની જરૂરીયાત છે. અમારી પાસે વસ્તુ ચોક્કસ ઓછી છે પણ એકબીજાને આપવા માટે સમય, પ્રેમ, હુંફ અને લાગણી અતિશય છે. દરેક મુશ્કેલીનો સામનો અમે સાથે મળીને કરીએ છીએ. એટલા માટેજ અમને કંઈ અશક્ય નથી લાગતું.”
શ્રેયા એ ગર્વ ભેર કહ્યું.

શ્રેયાની વાત સાંભળીને સ્વાતિને થયું કે હકીકતે જીવનની જરૂરિયાતો શ્રેયાની પૂરી થાય છે પોતાને તો માત્ર જીવન જીવવા માટેની સામગ્રીઓ મળેલી છે. મહીને દોઢલાખ કમાતાં તેના પતિ પાસે સ્વાતિને આપવા માટે બધું જ છે, બસ, સમય નથી, પ્રેમ છે પણ દર્શાવવાનો સમય નથી, ભૂખ છે પણ સંતોષવાનો સમય નથી. તેને સમજાયું કે ઓછી આવક હોવા છતાં શ્રેયાનું જીવન સુખી અને સંપૂર્ણ છે જ્યારે પોતાના સંપૂર્ણ દેખાતા જીવનમાં ઘણી અધૂરાશ છે.

– એ.જે.મેકર

* * * * *
“અભિમાન”

“તારુ આ ઘમંડ ક્યારેક તને લઇ ડૂબશે પરી, કેટલાં છોકરાઓને આમ રીજેક્ટ કરીશ? પ્રિન્સ ચાર્મિંગ માત્ર વાર્તાઓમાં હોય રીઅલમાં નહી.”

“પણ મને કોઈ મારા લાયક મળતાજ નથી તો હું શું કરું? રસ્તે ચાલતા કોઈપણ સાથે લગ્ન કરી લઉં? તું મારી બેસ્ટી છે, એટલા માટે કંઈ નથી કહેતી. Otherwise I don’t like any ones interfere in my personal life. મારું જે થશે એના માટે હું ખુદ જવાબદાર હોઈશ તમારા કોઈ પાસે રડવા નહિ આવું.”

પરીએ હંમેશની જેમ પોતાની એટીટ્યુડ વાળી છટામાં મહેર ને સંભળાવી દીધું. પરી તેનાં નામ પ્રમાણે દેખાવમાં પરી જેવીજ હતી. એકજ નજરે ગમે તેની નજરમાં વસી જાય એટલી સુંદર. પણ સુંદરતાની સાથે પોતાનાં રૂપ અને શ્રીમંતાઈનું ભારોભાર અભિમાન હતું. અગિયારમાં ધોરણથી જ એની પાછળ છોકરાઓની લાઈન લાગતી. ત્યારબાદ હાલતા – ચાલતા તેને છોકરાઓના પ્રપોઝલ મળતાં. પણ એ કોઈને ‘હા’ ન પાડતી. એજ્યુકેશન પૂરું થયા પછી ઘરવાળાંએ એના માટે સિદ્ધાર્થ પર પસંદગી ઉતારી. શ્રીમંત પરિવારનો એક નો એક દીકરો અને દેખાવે પણ સારો. છતાં પરી એ ‘હા’ ન પાડી. એ વાત માટે જ મહેરને ખૂબજ ગુસ્સો આવેલો. પણ પરીએ હંમેશની જેમ એની વાત ન સાંભળી. એ બસ પોતાના પ્રિન્સ ચાર્મિંગના સપનામાં ખોવાયેલી રહેતી. દરેક છોકરામાં તેને ખામીઓ દેખાતી. પરિણામે તે આજીવન એકલીજ રહી. ઉમર વધતાની સાથે છોકરાઓની પડાપડી ઓછી થવા લાગી. માંગા આવતાં બંધ થઇ ગયા અને હવે સામેથી રીજેકશન મળવા લાગ્યું. કદાચ કોઈ ‘હા’ પાડતાં તો એમાં કઈક ને કઈક ખામી જોવા મળતી. જેનો પરી અસ્વીકર કરતી. આખું જીવન પરીએ એકાંતમાં જ વીતાવ્યું. તેણે રીજેક્ટ કરેલાં છોકરાઓ લગ્ન કરીને પોતાના પરિવાર સાથે ખુશહાલ જીવન જીવતા ઘણી વખત પરીને દેખાતા. બધાં પોતાનાં જીવનમાં ખૂબ આગળ વધી ગયેલા ખુદ મહેરે પણ લગ્ન કરી લીધાં અને પોતાના જીવનમાં ખુશ રહેવા લાગી.

નાણાવટી હોસ્પિટલના સ્પેશીયલ આઈ.સી.યુ.માં એડમીટ ૪૮વર્ષની પરી પોતાનું ભૂતકાળ વાગોળી રહી હતી. ઈ.સી.જી. મશીનમાં શ્વાસની ગતિ ધીમી થતી દેખાઈ રહી હતી. આ સમયે પણ પરીની બાજુમાં બેસવા માટે મહેર સિવાય કોઈ હાજર ન હતું.

– એ.જે.મેકર

* * * * *
“એક રાત”

“એ એક રાતે મારું આખું જીવન બદલી નાખ્યું આકાશ, ઉમર નો અડધો પડાવ પાર કર્યા પછી પણ હું બીજા કોઈની નથી થઇ શકી.”

તાજ હોટેલના રૂમમાં કપડા વ્યવસ્થિત કરીને આકાશ સામે બેસતાં વૈશાલી એ કહ્યું. વૈશાલી અને આકાશ કોલેજ સમયથી પ્રેમમાં હતાં. સાથે રહેવાના બહાને એક જ કંપનીમાં જોબ કરી. પણ આકાશના રૂઢીચુસ્ત પરિવારમાં ઈતર જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવા માટે કોઈ સ્થાન ન હતું. ઘણા પ્રયાસો પછી પણ બંને એક ન થઇ શક્યા. ખૂબજ દુઃખ સાથે અલગ થવા માટે બંને મળ્યા હતા. વરસાદના દિવસોમાં જયારે કોઈ યુગલ એક થવાના સપનાં સેવતું હોય ત્યારે આ બંને અલગ થવાના અને વિરહમાં રીબાવાના દિવસો માટે તૈયારી કરી રહ્યા હતા. પણ એ જ વરસાદે બંનેનું પ્રથમ અને અંતિમ મિલન સર્જ્યું. બહાર વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો અને હોટેલના રૂમમાં બંનેનો પ્રેમ પ્રથમ અને અંતિમ વખત એકબીજા પર વરસી રહ્યો હતો. એ એક રાત બાદ પરિવારના આગ્રહના કારણે આકાશે લગ્ન કર્યા, ફેમીલી બિઝનેસ સંભાળ્યું અને બિઝનેસ વધારવા માટે શહેર છોડીને મુંબઈ આવી ગયો. જયારે વૈશાલી એ આકાશ સિવાય બીજા કોઈનો પડછયો પણ પોતા પર પડવા ન દીધો. એ સંપૂર્ણ થયા પછી પણ અધૂરી જ રહી, એકલી રહી, પણ ક્યારેય આકાશનો કોન્ટેક્ટ કરવા નો પ્રયાસ ન કર્યો. સમય જતાં વૈશાલી એ પોતાનું બિઝનેસ સ્થાપ્યું અને બિઝનેસ ને વધારવામાં જ પોતાનું જીવન ગાળ્યું. આકાશની યાદો સાથે, વિરહ, એકાંત અને વેદના ભરેલી રાતો સાથે.

વર્ષો પછી પોતાની કંપનીને રી-પ્રેઝન્ટ કરવા વૈશાલી મુંબઈ એક બિઝનેસ ફેસ્ટિવલમાં આવી, જ્યાં ફરીથી એની મુલાકાત આકાશ સાથે થઇ. વર્ષો પછીનો પ્રેમ પાછો જાગૃત થયો અને બંને તાજમાં એકાંતમાં મળ્યાં. લગ્ન જીવન વિશેના સવાલ સામે વૈશાલીનો આવો જવાબ સાંભળીને આકાશ ડગાઈ ગયો. બહાર વરસાદ ધોધમાર વરસવા લાગ્યો હતો અને અંદર આકાશની આંખોમાંથી એ એક રાત સાથે વિતાવ્યાનો અને વૈશાલીનું જીવન એકાંત ભર્યું કરવાનું દુઃખ મુશળધાર વરસી રહ્યું હતું.

– એ.જે.મેકર

* * * * *
“ઓવર ટાઈમ”

“પપ્પા આજે પણ મારા પ્રોગ્રામમાં ન આવ્યા, એમને મારા ટેલેન્ટની કદર જ નથી”
૧૬વર્ષના વિશ્વાસે ટ્રોફી સોફાપર ફેકીને ગુસ્સામાં બાજુના સોફા પર બેસતાં કહ્યું.
“બેટા, એ ઓફીસના કામમાં ફસાઈ ગયા હશે અથવા ઓવર ટાઇમ કર્યો હશે. તારા પપ્પા આપણા માટેજ મહેનત કરે છે ને…”

નિશાએ પોતાના પતિ રાકેશની પરિસ્થિતિ સમજાવતાં કહ્યું. રાકેશ ઘણીવખત આવીજ રીતે ઓફિસમાં બીઝી થઇ જતો અને વ્યવહારમાં, પ્રસંગોમાં કે વિશ્વાસની સ્કૂલના ફંક્શનમાં પહોચી ન શકતો. ત્યારે નિશા વિશ્વાસને સમજાવતી. રાકેશે બાળપણમાં પૈસાની અછતના કારણે ઘણી ઈચ્છાઓ મારી હતી અને જુવાનીમાં પૈસા ભેગા કરવા માટે ઈચ્છાઓ અધૂરી છોડી હતી. પોતે જોએલા દિવસો તેના પરિવારને ન જોવા પડે એટલામાટે તે ઓવર ટાઇમ કરતો, પોતાના શોખ પૂરા ન કરતો, બને ત્યાં સુધી પોતા માટે વધુ ખર્ચ પણ ન કરતો, પરંતુ ઘરના સભ્યો માટે ક્યારેય કોઈપણ વસ્તુ ઓછી ન પાડવા દેતો. એમને દરેક સુવિધાઓ પૂરી પાડતો. પણ પોતે ક્યારેય એ સુવિધાઓ ભોગવી ન શકતો. કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર એ બસ કામમાં પરોવાયેલો રહેતો. ઘરનાં સભ્યોને ક્યારેય એ વાતની ભનક ન પાડવા દેતો કે તેણે ક્યાં ક્યાં પોતાની કઈ કઈ ઈચ્છાઓ અધૂરી છોડી છે. ક્યારેય એ વાત માટે ઘરમાં તંગ વાતાવરણ ઉભું ન કરતો કે ન કોઈને કઈ કહેતો. પોતાના રોજંદારીના જીવનમાં હમેશા ખુશ જ રહેતો. પૈસાનું જીવનમાં શું મહત્વ છે? તે એ ખૂબજ સારી રીતે સમજતો હતો. એમ કહી શકાય કે ઘરમાં સુખની દિવાળી આપવા એ પોતાના સુખને દીવાસળી દઈ ને જીવી રહ્યો હતો.

રાત્રે ૧૦:૩૦વાગે પોતાની ઓફિસની ચેમ્બરમાં ઓવર ટાઇમ કરી રહેલો ૩૮ વર્ષનો વિશ્વાસ આ બધું યાદ કરી રહ્યો હતો. વર્ષો પહેલા તેના પિતા જે પરિસ્થિતિમાં જીવ્યા હતા આજે એવી જ પરિસ્થિતિમાં વિશ્વાસ જીવી રહ્યો હતો. આવા સમયે તેને પિતાએ કરેલા સંઘર્ષોનો ખ્યાલ આવતો. ત્યારેજ તેનો ફોન વાગ્યો.
“મેઘાની સ્કૂલનું ફંક્શન પતિ ગયું છે, તેને ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું છે. અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તમે હવે સીધા ઘરેજ આવજો.” વિશ્વાસે ફોનમાંજ મેઘાને અભિનંદન પાઠવ્યા અને પાછો પોતાના કામે વળગી ગયો.

– એ.જે.મેકર

* * * * *
“Happy Birthday to you”

“Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to dear મોનિકા Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday dear અંશુલ, Happy Birthday to you.”

મોનિકાએ ડબલ ફ્લોર કેક કાપીને પ્રથમ દોઢવર્ષના અંશુલને ખવડાવ્યો. આજે માં-દીકરાનો જન્મદિવસ હતો.
“જ્યારથી અંશુલ જન્મ્યો છે દર વખતે પેલો કટકો એજ ખાય છે મને તો કોઈ પુછતુ જ નથી.”
મિતેશે હળવી ટીખળ કરતા કહ્યું.

“કેમ? તમને તમારા દીકરાથી જ જેલસી થાય છે?”
મોનિકા એ પણ સામે જવાબ આપતા કહ્યું. બધા હસવા લાગ્યા. શહેરના છેડે આવેલી હાઉસિંગ સોસાયટીમાં આ પરિવાર આનંદથી જીવી રહ્યો હતો. પતિ પત્ની, દાદા દાદી અને એક બાળક, કમ્પ્લીટ ફેમીલી હતું કોઈ જાતની ખોટ કે ઈશ્વર પ્રત્યે કોઈને ફરિયાદ ન હતી. બસ આનંદ અને સંતોષ હતો. પાર્ટી પૂરી થયાબાદ રાત્રે ૧૧વાગે મોનિકાને આઈસક્રીમ ખાવાની ઈચ્છા થઇ. મિતેશે જરા આનાકાની કરી પરંતુ મોનિકાની જન્મદિવસની તલવાર સામે તેનું કઈ ન ચાલ્યું. અંશુલને ઘરે દાદા દાદી પાસે સુવડાવી બન્ને આઈસક્રીમ ખાવા ગયા. પરંતુ પાછા ઘરે બન્ને સાથે ન આવી શક્યા. પાછા વળતી વખતે એક કાર સાથે જોરદાર એક્સીડેન્ટ થતાં મોનિકાનું અવસાન થયું. મિતેશ પણ ખૂબજ ઘાયલ થયો. થોડીવારમાં જાણે પંખીનું હસતું ખેલતું મળું વીખાઈ ગયું.

એ ઘટનાને પૂરો એક વર્ષ થયો. સવારના ભાગમાં પરિવાર જનોએ અંશુલના હાથે મોનિકાના નામે અલગ અલગ દાન ધર્મ કરાવ્યા અને સાંજે અંશુલની બાજુમાં મોનિકાનો ફોટો રાખીને ડબલ ફ્લોર કેક કાપતાં ગાયું, “Happy Birthday to you……..

લેખક :  એ.જે.મેકર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment