“આખો ઘાણવો દાજી ગયો ઘાણવો!!!” – મુકેશ સોજીત્રા ની નવી લઘુ કથા !!

265

“ગોરબાપા ગામમાં શાંતિ નથી રહેતી, કારણ વગરની બાધણ થયાં રાખે છે!! કોઈ ઉકળતું નથી કે બે પાંદડે થતું નથી!! સાજા માંદા થયે રાખે છે!! જુના ગામમાં આ જ તકલીફ હતી એટલે તો પાંચ વરસ પહેલા અલગ નવું ગામ વસાવ્યું પણ તોય કંકાસ જ રહે છે,અમે તમારી પાસે એટલે જ આવ્યા છો તમે છો અમારા ગામના જુના અને જાણીતાં ગોરબાપા છો તમે કાંઇક જોઇને રસ્તો કાઢો તો અમારું સિદ્ધિ કલ્યાણ થાય અને બળતરા પણ ઓછી થાય” શંભુ અને ત્રીભુવને ગોર ગીરીજાપ્રસાદને કીધું.

“હું તો ભાગવત કથા કરી શકું છું, મારા પિતાજી પણ એજ કરતાં
પણ આ જોવાનું અને નિરાકરણ લાવવાનો હું ધંધો નથી કરતો. હું કોઈ તાંત્રિક
કે માંત્રિક તો છું નહિ એટલે એવા ખોટા વહેમમાં હું કોઈ દિવસ રહ્યો નથી કે
હું કોઈને એવા વહેમમાં નાંખતો નથી.તમે બધાં સંપીને રહો તો કોઈ ઝગડા જ ના થાય અને ખોટા ખર્ચા અને આડે રસ્તે જે પૈસા વાપરો છો એ બંધ કરો એટલે આપોઆપ બે પાંદડે થશો તમારામાં કયા કયા લખણ છે એ બધાને ખબર જ છે!!” ગીરીજાપ્રસાદ ગોરે આવનારને રોકડું પરખાવ્યું જેની એ લોકોને અપેક્ષા જ નહોતી.

ઘણી વિનંતી કરી કે ગોર બાપા કાંઇક રસ્તો કાઢી દયોને ત્યારે ગીરીજાપ્રસાદે કહ્યું કે આના માટે તમે ભાનુ પ્રસાદને મળો એ આવા કામમાં માસ્ટર છે તમનેય શાંતિ થાય અને એનેય બે પૈસા મળી જ રહે આમેય તમારે હવે ખરપાવું જ છે તો
પછી કોણ રોકી શકે??

ગીરીજાપ્રસાદે મૂળ મુદ્દાની વાત કરી તોય એ લોકો
સમજ્યા નહિ.અને આમેય જ્યારે મગજમાં કોઈ ઢૂસુ ભરાય જાય ત્યારે સમજણ બાર
ગાઉં આઘી જતી રહે છે. એ લોકો ત્યાંથી સીધાં ભાનુ પ્રસાદને ત્યાં ગયાં અને
વાત કરી.જે બનતું હતું એ બધી જ વાત કરી અને છેલ્લે ગીરીજાપ્રસાદે જે
કીધું એ પણ વાત કરી અને ભાનુ પ્રસાદનો ચહેરો તમતમી ગયો.

“ આ થોડું ભાગવત વાંચવું છે કે વાંચી નાંખીએ. આ તો મારા જેવા
સામવેદી જ કામ કરી શકે એ ગીજુડાથી ના થાય ને ત્યારેજ એ મારી પાસે આવા કેસ
મોકલે છે , એક વાર હું કામ કરી દઉં પછી જુઓ તમે કેવી સુખની છોળો ઉડે છે બધાનાં ઘરમાં” એમ કહીને પંચાગ અને એક બે લાલ અને કાળા પુસ્તકો કાઢ્યા અને એક કાળી ડબલી માથે અડાડીને એણે આંખો બંધ કરી દીધી.થોડીક વાર એ બબડતાં રહ્યા.પછી હળવેક થી બોલ્યાં.

“ તમે વસાવેલા નવા ગામની ઉતરે જેનું ખેતર આવેલું છે
એની જમીન બાદવાળી છે આજથી લગભગ ચારસો વરસ પહેલા ત્યાં એક ભાડીયો કૂવો હતો. એમાં બે બાયું પડી ગયેલી અને અવગતે ગઈ છે. વળી દખણાદી કોર્ય વરસો પહેલા એક ખીજડો હતો ત્યાં એક મામા રહેતાં હતાં હવે ખીજડો નથી એટલે ત્યાં ખીજડો વાવવો પડશે અને મામાને બેસાડવા પડશે. આ મામા ભારે મોજીલા હોય છે અને એટલા જ ખીજાળ!! એને સવા મણ પેંડા ચડાવવા પડશે અને સિગારેટના દસ બોક્સ!! આ સિવાય આવતાં ચૈત્ર મહિનાની દસમે એક હવન સવારથી કરવો પડશે અને
સાંજે પાંચ વાગ્યે આખું ગામ પોત પોતાના ઘરે થી ઢોર લઈને બહાર નીકળી જશે!!

કોઈ નહિ રોકાઈ ઘરે એક પણ વ્યક્તિ નહિ રોકાઈ!! પછી સો શેર દૂધ લાવીને ગામ આખા ફરતે દુધની ધારાવાડી કરીને ગામ પવિત્ર કરવું પડશે અને પછી સંધ્યા સમયે બરાબર છ વાગ્યે સારા ચોઘડિયામાં ગામમાં પ્રવેશ કરવાનો રહે શે અને પછી એ રાતે કીર્તન કરવાના અને બીજે દિવસે સવારે નાનકડો હવન અને બપોરે આખું ગામ ધુમાડાબંધ જમાડવાનું. સગા સબંધી સહુને બોલાવવાના!! કોઈ બાકી ના રહેવું જોઈએ . અને આ બે દિવસ કોઈએ બીડી પણ પીવાની નહિ તમાકુ પણ નહિ ખાવાની સહુ વ્યસન બે દિવસ બંધ એટલે તમારું કામ થઇ જશે” ભાનુ પ્રસાદે વિગતે વાત કરી. આવનાર બને સહમત થયાં. પૂજાપા અને વિધિનું લિસ્ટ બનાવ્યું.

આ કામ માટે ભાનુ પ્રસાદે દસ હજાર રૂપિયાની દક્ષિણા લેવાનું સ્વીકાર્યું.
અને હરખભેર બેય જણા શંભુ અને ત્રિભુવન રવાના થયાં.

આમ તો બધી જ જ્ઞાતિઓ આજથી પાંચ વરસ પહેલા એક જ ગામમાં
રહેતી. પછી પડ્યો થોડો વાંધો એટલે અમુક સગવડ વાળાઓ અલગ એક ખેતરમાં પ્લોટીંગ પાડ્યું અને મંડળી ઉપાડી ઉપાડીને સ્લેબ વાળા મકાન જીંકી દીધેલાં. અને વરહ થયેલા મોળા એટલે મંડળી ભરવા માટે પણ વ્યાજે લઈને મંડળી ભરેલી અને થોડા લખણ પણ પીવા અને ખાવાના આવી ગયેલાં!! અને આમ ભૂખ લાડકાઈ વધી ગયેલી એટલે અઠવાડિયે પંદર દિવસે કોઈને કોઈ ઝગડા ચાલુ જ હોય.

કોઈ વળી સાજુ માંદુ હોય એટલે મોટો વહેમ ઈ ઘુસી ગયેલો કે આ નવી જગ્યા સદી નથી એટલે છેવટે ભાનુ પ્રસાદે આખી વાતનો તોડ લાવી દીધો અને વિધિ માટેની વ્યવસ્થા કરી દીધી.

સાંજે ગામલોકો ભેગા થયાં. શંભુ એ વાત કરી. ત્રીભુવને
ટેકો આપ્યો અને બધાં સહમત!! બધાએ ઘર દીઠ પાંચ હજાર આપવા એવું નક્કી થયું દસમને દિવસે જે હવનમાં બેસે એનો પાટલો એકવીસ હજારનો રાખવો. દુધની ધારાવાડી જે ગામ ફરતે કરવાની હતી એનો ભાવ પણ એકવિસ હજાર રાખવાનો એમ નક્કી થયું અને તૈયારીઓ થઇ ગઈ. ગામે ગામ સગા સંબંધીઓને બેનું દીકરીયુંને કહેવાઈ ગયું. બધાને નોમના દિવસે આવી જવાનું કેવાય ગયું. દસમને દિવસે સાંજે પાંચ વાગ્યા પછી દુધની ધારાવાડીનો કાર્યક્રમ અને અગિયારશ નો કાર્યક્રમ આખી કંકોતરીઓ છપાઈ ગઈ.

સુરતમાં ઠીક ઠીક મોટું માથું ગણાતાં એવા રામજીભાઈ એ
બેય દિવસના પાટલા નો ખર્ચ અને ગામ ફરતે દૂધની ધારાવાડીનો ખર્ચ ઉપાડી લીધો. એટલે હવે એમના માથે જ બધું આવી ગયું. દસમના દિવસે તો આખું ગામ નવા નવા કપડાં પેરીને તૈયાર હતું. ભાનુ પ્રસાદ આગલાં દિવસે આવી ગયાં હતાં. પવિત્ર કામ કરવાનું હોય બીડી અને તમાકુ બંધ કરાવી દીધેલાં. બે દિવસ બધાને કડક સુચના કે બે દિવસ જાળવી જાજો!! ભલે મોત આવે પણ વ્યસન ના કરતાં. એક વખત વિધિ પૂરી થઇ જાય પછી તમને વ્યસનની છૂટ!!! રામજીભાઈ અને એનું કુટુંબ
સવારે હવનમાં બેઠું અને સાંજે રામજીનો નાનો ભાઈ સવજી ના હાથે ગામ ફરતે દુધની ધારાવાડી કરીને ગામને પવિત્ર કરવાનું હતું. હવન પત્યો અને દખણાદી બાજુ એક ખીજડો વાવ્યો.

પેંડા અને બીસટોલની પ્રસાદી વહેંચાણી અને પાંચ વાગ્યે આખું ગામ સડેડાટ નીકળી ગયું ઘરની બહાર. બધાં જ ઓતરાદી દીશામાં ભેગા થયાં. ભાનુ પ્રસાદે
સવજીને કંકુ અને ચાંદલો કર્યો અને આપ્યું એક દૂધનું કેન!! સવજીના પવિત્ર
હાથ વડે ગામની ચારેય બાજુ દુધની ધારાવાડી શરુ થઈ. સવજી વાંકો વળી ને દૂધ
ની ધાર કરતો જાય. અને પાછળ બેનું દીકરીયું ગીતો ગાતી જાય!! ઢોલ વાગતો જાય
અને અબીલ ગુલાલ ઉડતો જાય આમ આખા ગામની પ્રદિક્ષણા કરીને કરીને બધું જ દૂધ
ખૂટવાડી ને પછી સારા ચોઘડિયે ભાનુ પ્રસાદે કીધું.

“આ રામજી અને સવજી ગામના તારણહાર છે અને સવજી એ ગામની ફરતે
દૂધનું રક્ષા કવચ બાંધ્યું છે એટલે નાના મોટા બધાય સવજીને પગે લાગી
લાગીને નવેસર થી ગૃહ પ્રવેશ કરો.” બધાં સવજીને પગે લાગતા જાય અને ઘર ભણી
દોટ મુકતા જાય!! આમ એક દિવસનો કાર્યક્રમ રંગે ચંગે પૂરો થયો.!!
હવે બીજાં દિવસે બપોરે ગામ ધુવાડો બંધ હતો.એના જમણવારની
રાતમાં તૈયારી કરવાની હતી. જમણવારમાં કેરીનો રસ બરફી દાળભાત શાક અને
ભજીયા સાથે કચુંબર અને છાસ રાખવામાં આવી હતી. રાતે જ કેરીનો રસ કાઢીને
ઠંડો કરી નાંખવો એમ નક્કી થયું!! શંભુ અને ત્રિભુવન ગામની એક છકડો રિક્ષા
લઈને રાતે જ નજીકના શહેરમાં બરફ લેવા ગયાં.જેથી રાતે જ બરફ રસના પીપની
આજુબાજુ ગોઠવી દેવાય તેથી ઉનાળાની સીજન હોય રસ ઠંડો પણ થઇ જાય અને બગડે
પણ નહિ. છકડો રિક્ષામા વિસ મણ બરફ ભરીને એ લોકો ગામ તરફ આવતાં હતાં રાતના
સાડા બાર થવા આવ્યા હશે ને રિક્ષા નવા ગામમાં પ્રવેશી અને રસ્તામાં જ એક
લીમડાના ઝાડ નીચે એક માણસ સૂતેલો જોયો અને તરફડીયા મારતો હતો. શંભુ એ
રિક્ષા ઉભી રાખી અને તે એ લીમડાના ઝાડ પાસે ગયો અને હાથ બતી કરીને જોયું
તો સવજી સૂતેલો!! મોઢામાંથી ખાટી વાસ આવે!! અને આંખો જેવી તેવી ખુલેલી!!
અને સવજી બબડતો હતો!!

“ દુ…… દુ….. દુધની ધ…. ધ…. ધારાવાડી કરી
નાંખી…..!!! એહુક!! ગામ હવે સ…..સ….સુખી….એહુક ….એય ને…
ને…. જ……જ…..જલસા કરો….. એઉંક!!!!” શંભુ આખો ખેલ સમજી ગયો!!
સવજી આ જ પણ જાળવ્યો ના રહ્યો… ઈંગ્લીશ પીને ફૂલ થઇ ગયો છે!! અને જો આમ
ને આમ અહી પડી રહ્યો તો ગામની આબરૂ જાશે!!! ગામમાં બહારગામ થી મેહેમાનો
આવ્યા છે,બહેન દીકરીયું આવી છે!! હજુ તો છ વાગ્યે આખું ગામ આ કોડાને પગે લાગીને ગૃહ પ્રવેશ કર્યો અને આ ભમરાળો ઘડીકમાં ફૂલ થઇ ગયો!! એક દિવસ જાળવી ગયો હોત તો ક્યાં તૂટીને ભડાકો થઇ જવાનો હતો!! શંભુને ગીરીજાપ્રસાદના શબ્દો યાદ આવ્યા!! લખણ મૂકી દયો એટલે ગામ સુખી જ છે!!

બાકી કોઈ જરૂર નથી!!અને આ ગામની આબરૂના કાંકરા કરવા બેઠો!!એના ભાઈ રામજીની આબરૂનો ય ખ્યાલ નો રહ્યો આ કોડાને!! શંભુએ ત્રિભુવનને સાદ કર્યો. રિક્ષાવાળો અને ત્રિભુવન બેય આવ્યાં. શંભુએ પરિસ્થિતિ સમજાવી.
રિક્ષાવાળાને ડબલ ભાડું આપવાનું ઠરાવ્યું અને કીધું કે ભલો થઈને વાત ના
કરતો!! આ સવજી અમારે અક્કલમઠ્ઠો છે પણ તું જાળવ્યો જાજે નહીતર ગામ આખાની
આબરૂના કાંકરા થશે. ત્રણેય જણાએ સવજીને ઉભો કર્યો. અને રિક્ષા પાસે લઈને
બરફની પાટ ઉપર સુવડાવ્યો પણ સવજીનો લવારો શરુ જ હતો.!!
“મુજે પીનેકા શૌક નહિ….એઉંક!! પીતા હું મૈ…. એઉંક!! ગમ
ભુલાનેકો!! દૂધકી ધારાવાડી કાં શૌક નહિ…..એઉંક….!!!” અને ત્રીભુવન નો
બાટલો ફાટ્યો!! એક ડાબા હાથની વળગાડી દીધી અને સવજી તોય બબડતો રહ્યો!!!!
એઉંક!!!! એઉંક!! કળાયેલ મોરલાની જેમ સવજી ખીલતો હતો!!! રિક્ષા આગળ
વધી.પહેલું જ ઘર સવજી અને રામજીનું આવતું હતું!!

“ અત્યારે રામજી ભાઈને જગાડીને એના ભાઈને આપણે સોંપી
દઈએ,એટલે કોઈને ખબર ના પડે, અને ઘરની વાત ઘરમાં સમાઈ જાય!!અને રામજીભાઈ
મગજ છે તેજ એ કદાચ સવજીને આ દશામાં જોઈ જાય તો આંટવા માંડે તો એને
અત્યારે સમજાવી દઈએ કે પરમ દિવસ ઠપકો આપજો પણ આજ ભલા થઈને આને કાઈ પણ
કીધા વગર સાચવી લ્યો!! શંભુ બોલ્યો.અને રિક્ષા રામજીભાઈના ઘર આગળ ઉભી રહી
અને શંભુ એ આડા અવળી નજર નાંખી રાતનો એક થવા આવ્યો હતો.દુર દૂર મંડપ અને
રસોડું હતું.ત્યાં થોડાક માણસો દેખાયા બાકી આજુબાજુ કોઈ નહોતું. શંભુએ
ડેલી ખખડાવી……..

“રામજીભાઈ……………….એ ……. ….. રામજીભાઈ
….ડેલી ખોલો….રામજીભાઈ!!! એ હું શંભુ રામજી ભાઈ…… ડેલી ખોલો
રામજીભાઈ………..” શંભુ આડું અવળું જોતો જાય અને સાદ પાડ્યે જાય!!
અને ડેલી ખોલી. હાથમાં મોબાઈલમાંથી લાઈટ કરતાં રામજીભાઈ
આવ્યાં અને પૂછ્યું કે
“અલ્યા શું છે શંભુ”
“ આ તમારો નાનો ભાઈ સવજી ફૂલ થઈને પડ્યો હતો લીમડા પાસે
રોડની સાવ નજીક!! કોક ભાળી જાતને તો આબરૂ જાત… અમે લઇ આવ્યા હવે આને
ઘરે સુવરાવી દયોને ભલા થઈને કાઈ કહેતા નહિ જે કરવું હોય,જે ઠપકો દેવો હોય
એને ઈ તમે પરમ દિવસ આપજો હાલો એને હેઠો ઉતારો” જેવો શંભુ આટલું બોલ્યો
ત્યાં તો રામજી દોડ્યો અને લથડિયું ખાઈ ગયો. અને બોલ્યો..

“ આ કપાતરે તો કુટુંબની……દ……દ…..દઈ નાંખી છે!!
કેટલી વાર કીધું કે પીવા ચીજ પીવાય….પણ …. લિમિટમાં…. જો મેય પીધો
છે પણ મને…. કાઈ નો થાય…. કોઈ ને ખબર…. ના પડે કે
મેં…………એ……..” અને રિક્ષા પાસે રામજી ઢળી ગયો!!! આ તો એક
કરતાં બે થઇ!!! સવજી તો ઠીક આ તો રામજી ય ઘરે ફૂલ થઇ ગયોતો!! વાલ અને
વટાણા બેય સરખા નીકળ્યાં!!! બેય ને વારફરતી ઘરમાં સુવરાવ્યા!!! ઓશરીમાં!!
અને ડેલીની બહારથી સાકળ મારી દીધી.પાછુ રિક્ષાવાળા ને કીધું કે ચારગણું
ભાડું લઇ લેજે પણ કોઈને વાત કરતો નહિ!! રિક્ષા વાળો દાનીયો!!! હસ્યો
!!!અને બોલ્યો!!!!

“ શંભુ….એ શંભુ!!! દાળમાં કાળું નથી પણ આખી દાળ જ કાળી
નીકળી!! ખરચો પડ્યો માથે!!

આતો આખો ઘાણવો દાજી ગયો છે ઘાણવો!!!! “

લેખક :- મુકેશ સોજીત્રા 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment